તંદુરસ્તી-મનદુરસ્તી : જીવનમાં કોઈ સમસ્યા જ ન હોય એની વિકાસયાત્રા અટકી જાય
-ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
૫. સમાપન:
અહીં આ ધરતી પર એવો કોઇ માનવી નથી જેના જીવનમાં કોઇ ને કોઇ સમસ્યા ન હોય. જીવનનું સ્વરૂપ જ એવું છે કે તેમાં કોઇ ને કોઇ સ્વરૂપની સમસ્યા હોય જ. જીવન જાણે કે સમસ્યાઓની એક હારમાળા છે. આ સમસ્યાઓને અતિક્રમીને પાર નીકળવું એ જ તો જીવનવિકાસની યાત્રા છે.
સમસ્યાઓ વિટંબણાની નથી, પણ જીવનવિકાસનાં સોપાનો છે, તેમ સમજી લઇએ તો સમસ્યા સમસ્યા રહેતી નથી, સમસ્યાનું સ્વરૂપ જ બદલાઇ જાય છે અને આમ થાય તો તેનું નિરાકરણ શોધવું પણ સરળ બની
જાય છે.
સમસ્યા સાથે ભય, ચિંતા અને તાણ જોડાઇ જાય તો સમસ્યા મોટી બની જાય છે, પરંતુ સમસ્યા સાથે જો સમજ જોડાઇ જાય તો સમસ્યા હળવી અને નાની બની જાય છે.
જે માનવીના જીવનમાં કોઇ સમસ્યાઓ જ ન હોય તેની વિકાસયાત્રા અટકી જાય છે, તે પથ્થર બની જાય છે. જો આપણે અનિદ્રા અને તેવી અન્ય સમસ્યાઓને વિકાસનાં સોપાનો ગણીએ તો કોઇ સમસ્યાઓ રહેતી નથી. પછી તો આ હળવીફૂલ સમસ્યાઓનું નિરાકરણ પણ સરળતાથી હાથવગું બને છે.
૧૧. મનોદબાણ અને કૃતિદબાણની યૌગિક ચિકિત્સા
મનોદબાણ અને કૃતિદબાણ બંને અલગઅલગમનોવિકૃતિઓ છે. આમ છતાં બંનેનાં સ્વરૂપમાં ઘણી સમાનતા હોવાથી તેમનો વિચાર સાથે જ કરવામાં આવે છે.
મનોદબાણમાં વિચારોની અનિવાર્યતા હોય છે. વ્યક્તિ પોતે જાગૃત રીતે ઇચ્છે નહીં, છતાં તેના મણ પર વિચારોનું સતત દબાણ રહ્યા જ કરે, હઠાવવા છતાં વિચારો હઠે જ નહીં, વ્યક્તિની ઇચ્છાવિરુદ્ધ અમુક જાતના વિચારોનું પુનરાવર્તન થયા જ કરે – આ સ્વરૂપની મનોવિકૃતિને મનોદબાણ કે અનિવાર્ય મનોદબાણ કહેવામાં આવે છે ઘણી વાર વ્યક્તિ સમજે છે કે મારા મનમાં આવતા આ વિચારો નકામા છે, એટલું જ નહીં, પરંતુ આ પ્રકારના વિચારોથી વ્યક્તિની માનસિક શાંતિ અને સમતુલામાં બાધા ઉપસ્થિત થાય છે. આમ છતાં તે વ્યક્તિ વિચારોના આ આક્રમણથી મુક્ત થઇ શકતી નથી. દા. ત. કોઇને પોતે આત્મહત્યા કરી બેસશે તેવા વિચારો સતતસ આવ્યા જ કરે છે.
વળી કોઇને કામોપભોગ વિશેના વિચારો સતત આવ્યા કરે છે. વળી કોઇને અન્ય સાથે સંઘર્ષ કે મારામારીના વિચારો આવ્યા કરે છે. કોઇને સ્વજનના મૃત્યુના કે સ્વજનની માંદગી વિશે કાલ્પનિક વિચારો આવ્યા કરે છે. આ પ્રકારના વિચારોમાં ઘણું વૈવિધ્ય અને ઘણી વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે.
વસ્તુત: આ પ્રકારની મનોવિકૃતિનો ભોેેગ બનેલ વ્યક્તિને સાવ અતાર્કિક વિચારો આવ્યા કરે છે. આ વિચારોને વાસ્તવિક્તા સાથે ખાસ સંબંધ હોતો નથી. આ વિકૃતિનો ભોગ બનેલ દર્દી એમ પણ સમજે છે કે મારા આ વિચારો અયોગ્ય અને બિનજરૂરી છે. તે આ અનિવાર્ય વિચારો પર કાબૂ મેળવવા અને તેમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમ કરવામાં સફળતા મળતી નથી અને તેથી તે વધુ ઉદ્ધિગ્ન બને છે.
અનિવાર્ય મનોદબાણને કારણે વ્યક્તિના જીવનવ્યવહારમાં મુશ્કેલીઓ ઉપસ્થિત થાય છે અને તેના જીવનમાં સમાયોજનના પ્રશ્ર્વો ઉપસ્થિત થાય છે.
આ બીમારીનો ભોગ બનેલ વ્યક્તિ અત્યંત બેચેની અને તંગદિલી અનુભવે છે. આવી વ્યક્તિઓમાં અકારણ ભય અને વિકૃત ચિંતાના લક્ષણો પણ જોવા મળે છે.
અનિવાર્ય મનોદબાણ જેવી જ બીજી બીમારી કૃતિદબાણ કે અનિવાર્ય કૃતિદબાણ છે.
અનિવાર્ય મનોદબાણમાં વ્યક્તિના મનમાં અબાધિત વિચારો આવ્યા કરે છે અને વ્યક્તિ તેને રોકી શકતી નથી તેવું જ અહીં અનિવાર્ય ક્રિયાદબાણમાં ક્રિયાની બાબતમાં બને છે. આ વિકૃતિમાં દરદી પોતાની ઇચ્છા વિરુદ્ધ કેટલીક વિચિત્ર ક્રિયાઓ ર્ક્યા જ કરે છે. આ ક્રિયાઓ બરાબર અસંગત અને હાસ્યાસ્પદ હોય છે. તે માણસને પૂછવામાં આવે તો તે સ્વસ્થ ચિત્તે વિચારીને જરૂર કહેશે કે મારી આ ક્રિયાઓ બરાબર નથી.
આમ છતાં રોકવા પ્રયત્ન કરે તોપણ તે આ ક્રિયાઓને રોકી શક્તો નથી. કોઇ માનસિક ખેંચને પરિણામે વ્યકિતની ઇચ્છા વિરુદ્ધ તેનાથી આવી ક્રિયાઓ થયા જ કરે છે. દા. ત. વારંવાર હાથ-પગ ધોવા, વારંવાર કચરો વાળવો, તાળું બંધ છે કે નહીં તેવી વારંવાર ચકાસણી કરવી, વારંવાર પૈસા ગણવા વગેરે દષ્ટાંતો અવારનવાર જોવા મળે છે.
આ ઉપરાંત કેટલીક વિચિત્ર લાગે તેવી ક્રિયાઓ પુનરાવર્તિત થતી હોય તેવા પ્રસંગો પણ જોવા મળે છે. એક સુખી ઘરની સ્ત્રી કોઇપણ ભોજનસમારંભમાં જાય ત્યારે એક ચમચી ચોરી જ લાવે, અને આમ ન કરે તો તેને ચેન જ ન પડે. એક વ્યક્તિને સ્ટોપર ચોરવાની ટેવી હતી. બારીની સ્ટોપર કાઢી જાય ત્યારે જ તેને ચેન પડે. એક વ્યક્તિને એવી ટેવ કે બીજાના હાથના નખ કાપે નહીં તો તેને ચેન જ ન પડે. એક વ્યક્તિને રસ્તામાં આવતી-જતી મોટરોને સ્પર્શ ન કરે તો ગમે જ નહીં. આવી વિવિધ પ્રકારની કૃતિઓનું દબાણ ભિન્નભિન્ન વ્યક્તિઓમાં જોવા મળે છે.
આવી બધી ક્રિયાઓ સાવ નિરર્થક લાગે છે. દરદી પોતે પણ સ્વસ્થ રીતે વિચારે ત્યારે તેને લાગે છે કે આ બધી ક્રિયાઓ અર્થહીન છે, પરંતુ તે આવી ક્રિયાઓ ન કરે તો તેને ચેન જ પડતું નથી. તે આવી ક્રિયાઓના દબાણમાંથી મુક્ત થવા ઇચ્છે છે, પરંતુ તે મુક્ત થઇ શક્તો નથી. તે આવી ક્રિયાઓના દબાણમાંથી મુક્ત થવા ઇચ્છે છે, પરંતુ તે મુક્ત થઇ શક્તો નથી અને તેને આવી નિરર્થક ક્રિયાઓ અનિવર્યાપણે અને વારંવાર કરવી જ પડે છે.
એક દરદી કલાકો સુધી પોતાના હાથ ધોયા જ કરતો. હાથમાંથી લોહી નીકળે તોપણ તે હાથ ધોયા વિના રહી શક્તો નહીં. અનિવાર્ય કૃતિકબાણનું આવું સ્વરૂપ છે.
કેટલીક વ્યક્તિઓ માટે લૈંગિક ક્રિયાઓ પણ અનિવાર્ય કૃતિદબાણનું સ્વરૂપ ધારણ કરે છે. અનેક વ્યક્તિઓ માટે હસ્તમૈથુન કૃતિદબાણનું સ્વરૂપ ધારણ કરે જ છે.
કેટલીક વાર એવું પણ બને છે કે કોઇ વ્યક્તિ માટે સમાજવિરોધી પ્રવૃત્તિ કૃતિદબાણનું સ્વરૂપ ધારણ કરે છે. આવી વ્યક્તિઓ રીઢા ગુનેગાર બની જાય છે, જેલમાં જાય છે, પરંતુ પોતાની ગુનાઇત પ્રવૃત્તિઓ છોડી શક્તી નથી, કારણ કે તેઓ અનિવાર્ય કૃતિદબાણની બીમારીનો ભોગ બની જાય છે. બરબાદ થઇ જાય તોપણ દષ્ટાંતો છે.
અનિવાર્ય કૃતિદબાણનાં લક્ષણો અનિવાર્ય વિચારદબાણને ખૂબ મળતાં આવે છે. અનિવાર્ય વિચારદબાણમાં વિચારોની અનિવાર્યતા છે અને અનિવાર્ય કૃતિદબાણમાં ક્રિયાની અનિવાર્યતા છે.
અનિવાર્ય કૃતિદબાણનું પ્રધાન લક્ષણ એ છે કે દરદી અમુક ક્રિયા કર્યા વિના રહી શક્તો નથી. આ ક્રિયા ભિન્નભિન્ન દરદીમાં ભિન્નભિન્ન હોઇ શકે છે. આમાં વ્યક્તિગત ભિન્નતાને ખૂબ અવકાશ છે. પરંતુ સર્વમાં સામાન્ય એવું લક્ષણ એ છે કે દરદી અવશપણે અને અનિવાર્ય સ્વરૂપે અમુક ક્રિયા કે ક્રિયાઓ વારંવાર કર્યાં જ કરે છે. વળી અનિવાર્ય ક્રિયાદબાણનો દરદી કોઇ એક જ ક્રિયાનું પુનરાવર્તન કરે છે, તેવું નથી. કોઇ વાર દરદી અનેક ક્રિયાઓનું પુનરાવર્તન કર્યા કરે તેવું પણ જોવા મળે છે.
દરદી પોતાની આ નિરર્થક ક્રિયાઓમાંથી છૂટવા માટે જેમજેમ પ્રયત્નો કરે છે તેમતેમ તેના આવેગો બળવત્તર બનતા જાય છે અને તે પ્રવૃત્તિઓ વારંવાર કરાવે છે. વ્યક્તિ પ્રયત્ન કરવા છતાં તેમાંથી છટકી શક્તી નથી અને નિરર્થક ક્રિયાઓની જાળમાં વધુ ને વધુ ફસાતી જાય છે, અનિવાર્ય કર્તૃત્વદબાણની ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થયા જ કે છે. ‘મેકબેથ’ નાટકમાં લેડી મેકબેથ વારંવાર હાથ ધોયા જ કરે છે.
આંખો પટપટાવવી, વાળ ખેંચવા, પગ હલાવવા, પોતાની ટાઇની બાંધછોડ કર્યા કરવી, પો.તાની સહી કર્યા કરવી-
આવી નિરર્થક ક્રિયાઓનાં આવર્તનો પણ વ્યક્તિ કર્યાં
કરે છે.
અનિવાર્ય વિચારદબાણ કે જેને આપણે મનોદબાણની કારણમીમાંસા મહદંશે સમાન છે, તેથી આ બંનેની કારણમીમાંસાનો આપણે અહીં સંયુકત રીતે વિચાર કરશું.
અનિવાર્ય મનોદબાણ અને અનિવાર્ય કૃતિદબાણનાં કારણો ચીને પ્રમાણે હોય તેમ લાગે છે.
૧. ભય:
ભય માનવીને વૈચારિક તળ પર કે ક્રિયાના તળ પર – અનિાર્ય વ્યવહાર તરફ અવશપણે દોરે છે. દરદીને અવશપણે દોરનાર- ધક્કો મારનાર તત્ત્વ જાગૃત કે અજાગૃત ભય હોય તેમ લાગે છે. ‘હું આ ક્રિયા ન કરું તો મારું શું થશે?’ કે ‘હું આ વિચાર ન કરું તો મારું કાંઇક અમંગલ થઇ જશે તો?’ – આ પ્રકારનો ભય વ્યક્તિને અવશપણે વિચાર કે ક્રિયા તરફ ધક્કો મારે છે. આ બીમારીથી પીડાતી વ્યક્તિને જો જોરપૂર્વક તેના અનિવાર્ય વિચારો કે કૃતિથી રોકવામાં આવે તો તે એકદમ ભયભીત અને નારાજ થઇ જાય છે. તેને કોઇ અમંગલની આશંકા જાગે છે, ‘જો હું આ દરવાજાને ત્રણ વાર સ્પર્શ નહીં કરું તો મારી માતા મૃત્યુ પામશે’- આવા કાલ્પનિક અમંગલના ભયથી વ્યક્તિ વારંવાર તે દરવાજાને સ્પર્શ કરતી જોવા મળે છે.
જો તેની આ ક્રિયામાં કોઇ બાધા કરવામાં આવે તો તે ખૂબ વ્યગ્ર બની જાય છે અને તેની અમંગલની આશંકા ખૂબ તીવ્ર બની જાય છે અને તેની કૃતિદબાણનો વેગ પણ ખૂબ તીવ્ર બની જાય છે.
અનિવાર્ય કૃતિદબાણ અને અનિવાર્ય મનોદબાણની પાછળ કામ કરનાર ભય મહદંશે અજાગૃત અને ગ્રંથિના સ્વરૂપનો હોય છે. આમ છતાં આ ભયના અણસાર તે વ્યક્તિના જાગૃત મન પર અને વ્યવહાર પર પણ જોવા મળે જ છે. અજાગ્રત ભય અને ભયગ્રનથિનું જોર વધુ હોય છે. કારણ કે જાગૃત કરતાં અજાગૃત પરિબળો બળવાન હોય છે. આમ હોવાથી જ દરદીનું મનોદબાણ અને કૃતિદબાણ ઘણું હઠીલું બની જાય છે.
‘હું આમ નહીં વિચારું કે હું આ ક્રિયા નહીં કરું તો મારું કે મારાં સ્વજનોનું કાંઇક અમંગલ થઇ જશે’- આવી ભયજનિત આશંકા અનેક વાર મનોદબાણ અને કૃતિદબાણ માટે પ્રેરકબળ તરીકે કાર્ય કરતી હોય તેમ જોવા મળે છે.