બા અદબ ,બા મુલાયજા હોશિયાર’ છડીદારે કોર્ટમાં છડી પોકારી ‘બોલનેમે ઓર લીખનેમે જો કભી (ક)ભી હસા નહીં શકા ફિરભી અપને કો હાસ્યકલાકાર -લેખક કા ભ્રમ મે ઓર વહેમ મે રહેતા હૈ વો ફેકું કુમાર સુભાષ ઠાકર કોર્ટ કે કઠેડેમે હાઝીર હો…. ઓ… ઓ…. ઓ’
અંધેરીથી બોરીવલી જેવડું લાંબુ ‘હોઓઓઓ..’ પૂરું થયુ .. બસ, આટલી જ બૂમે જેવો મારા કાનમાં પ્રવેશ કર્યો ને હું થોડો હલબલી ગયો. જોરદાર પવનથી વૃક્ષનું પાંદડું ફરફરે એમ કાનની અંદરના પડદા ધ્રૂજ્યા, મારી ૫૬ની છાતી લજામણીના છોડની જેમ ઝૂઉઉઉમ કરતી સંકોચાઈને ૨૮ની થઈ ગઈ. કેમ? કેમ શું વળી, આ મારું જ નહીં મારી વાણી, મારું સાહિત્ય, મારી કલા, કોલમ ને કલમનું ઘોર ખતરનાક અપમાન હતું. અરે યાર, એક મામૂલી છડીદાર મને ‘ફેકું’ કહે તો એને જ ઉઠાવીને ફેકી દેવાનું મન ન થાય? છડીદારના આવા ભયંકર અપમાનથી મારો ચહેરો મહારાષ્ટ્રમાં હારેલી કૉંગ્રેસ જેવો થઈ ગયો. હોસ્પિટલના દર્દીની જેમ મને પકડીને લાવવો પડ્યો ને હું કઠણ હૈયે કઠેડામાં ગોઠવાયો.
‘મિસ્ટર ઠાકર’ કોર્ટ ક્લાર્કે શુભારંભ કર્યો: ગીતા પર હાથ મૂકીને સોગંધ ખાઓ કે જે કહીશ એ સત્ય જ ..’
મેં નામદાર જજ તરફ ફરીને કહ્યું:
સોરી મિલોર્ડ, ડોન્ટ ફોર્સ મી, યુ નો? હજી ગયા અઠવાડિયે લોકલ ટ્રેનની ભીડમાં ભૂલથી અમારી સામેવાળી સોસાયટીની ગીતા ગટ્ટીના માથા પર હાથ મુકાઇ ગયો તો ટણપી આશીર્વાદ સમજવાને બદલે ભડકી ને મારી સામે કેસ ઠોકી દીધો ને કોર્ટ મને ગીતા પર હાથ મૂકવાનો હુકમ કરે છો? હવે તો હું કોઇપણ ગીતા પર હાથ પગ કે માથું કશું જ મૂકીશ નહીં ને કશું લઇશ પણ નઇ ? નામદાર.. શરમ આવવી જોઈએ હું સળંગ ભડકેલ મૂડમાં જ હતો
‘અરે, પણ હું શું કામ શરમાઉ’ જજે નાનકડો પિત્તો ગુમાવ્યો .
આપે નઇ મારા બાપ, પેલી ગીતાડીએ, સાલી દેખાય છે બટકી મનોરમાં જેવી ને વહેમ છે માધુરી દીક્ષિતનો હું મારી હૈયાવરાળ ઠાલવતો હતો :
‘ઘરમાં કેશની તંગી છે ને મારી સામે કેસ કરવો છે !’
ત્યાં પેલા કોર્ટ કલાર્કે મારો હાથ પકડીને ગીતાના દળદાર ગ્રંથ પર મુકાવ્યો: આ ધાર્મિક ગીતા પર હાથ મૂકો’
‘મિલોર્ડ, માફ કરો મારા વ્હાલીડા. હું કોઈ પણ પ્રકારની ગીતા પર હાથ મુકતા અંદરથી ગભરાઈ જાઉ છું’
‘તમે અંદરથી ગભરાઓ કે બહારથી ,આ કોર્ટ છે ને હું ..’
‘તો મે ક્યાં કીધું કે આ મીઠાઈની દુકાન છે ને આપ કંદોઇ છો !’
‘કોર્ટમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ‘ઓર્ડર ઓર્ડર….’ જજે ટેબલ પર હથોડો પછાડ્યો .
‘ઓર્ડરમાં તો સાહેબ, અઢીસો ભાવનગરી ગાંઠિયા ને એક ચા ને આપને પીવી હોય તો..’
‘અબ્બે ચૂપ … તારા જવાબથી મને માથામાં હથોડો પછાડવાનું મન થાય છે’.
‘તો બિન્દાસ પછાડો.. મિલોર્ડ, હથોડો તમારો, માથું તમારું,. કોર્ટ તમારી તે તમે માથા પર પછાડો કે પીઠ પર પછાડો મારાથી થોડી ના પડાય ?’
‘અરે, ઠાકર તમે બહુ નસ ન ખેચો… ઓર્ડર શબ્દ એ બધાને શાંત કરવાનો સંકેત છે. તમે પહેલી વાર છો એટલે સમજાવવું પડે છે. ચાલો, હવે ગીતાના…’
સોગંદ ખાઓ બરાબર? આઈ નો કે ગીતા માત્ર સોગંદ ખાવા માટે જ બચી છે ને મારા ઘરમાં સમ ખાવા પૂરતી પણ ગીતા નથી, પણ આપ જીદ કરો છો તો ખૂ .. ખૂ.. ખૂ.. ખૂ
‘અરે, ઉધરસ પછી ખાજો પહેલાં ગીતાના સમ ખાઓ’
‘અરે સમની ક્યાં માંડો છો.. ખૂ .. ખૂ.. ખૂ.. ખૂ .. પ્લીઝ, જલ્દી ગીતા હટાવી લો, ધૂળ ઊડે છે એની… રજકણ જો નસકોરામાં પ્રવેશી તો ઉધરસની બહેન છીક પ્રગટ થશે ને ભુંઉઉઉમ કરતો ફુવારો છૂટશે …પ્લીઝ, હટા લો હટા લો હટા લો યે દુનિયા મેરે સામનેસે હટા લો એ દુનિયા…ખૂ…..ખૂ ….ખૂ ..’
ગીતા પાછી લઈ લેવામાં આવી.
હાઆઆઆશ .. હવે શ્વાસ હેઠો બેઠો તમે તો કોકના શ્વાસ બંધ કરાવી દેશો બોસ… નામદાર, તમે સાચું કહેજો કે આ ગીતા છેલ્લે કોણે ને ક્યારે ખોલીને જોઈ- વાંચી છે ખરી?’
‘અરે, પણ અમે શું કામ?’
‘અરે માય ડિયર મિલોર્ડ, ગીતાનું એકાદ વાક્ય જો વાસ્તવિક જીવનમાં ઊતરે તો હું કઠેડામાં ન હોત….બાકી, હું જે કહીશ એ સત્ય જ કહીશ, સત્ય સિવાય બીજું કઇ નહીં કહું’ એ વાક્ય જ સૌથી અસત્ય છે.
ફરિયાદી ને આરોપી બંને ગીતા પર હાથ મૂકીને સત્ય કંઇ રીતે બોલે? કોઈ એક તો જુઠ્ઠું છે. સાચું પૂછો તો મિલોર્ડ, ગીતા કોર્ટમાં હોય કે ન હોય, હાર્ટમાં હોવી જોઈએ. બાકી સંસદ અને ખુદ ન્યાયાલય જેવાં પવિત્ર સ્થાન તથા ગીતાને નેતા લોકોએ અપવિત્ર બનાવી દીધા છે.
Also Read – વિશેષ: ખાવાની આ કેટલીક આદત તમને શિયાળામાં ફિટ રાખશે…
અરે મિલોર્ડ, ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી હવે આ બધા પદ મેળવવા એકબીજાના પદ (પગ) પકડશે. બાળક જેવી જીદ પકડશે કે મને ફલાણું કે ઢીકણું ખાતું નઇ આપો તો મારો ટેકો પાછો ખેંચી લઇશ..’. કેવા ખેલ ચાલે છે અહીં…જે પહેલા એકબીજાને સુરતી ગાળો દેતા હતા એ હવે સાથે મળીને ગોળધાણા ખાય છે ને બાપુ, ડોન્ટ ફિલ બેડ …પણ જેમ લાકડાના કીડા આખી ખુરશી ખાઈ જાય છે પણ ખુરશીના કીડા તો આખા દેશને….. સમજી ગયાને ?! ’
સહેજ શ્વાસ લઈને મેં આગળ ચલાવ્યું:
‘મિલોર્ડ, એક વાત માનશો? ગીતા હોય કે ઉપનિષદ, રામાયણ હોય કે મહાભારત, બાઇબલ હોય કે કુરાન .. કોઈ ગ્રંથ પર હાથ મૂકવાથી જુઠ સત્યમાં નથી પલટાતું ને સત્ય બોલવાવાળાને કોઈ ગ્રંથ પર હાથ મૂકવાની જરૂર નથી.. બોલો, (અ ) સત્ય નારાયણ દેવકી જય ..!’
શુ કહો છો ?