તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: શિયાળાનું જાદુઈ પીણું-કાંજી સ્વાસ્થ્યને ટકાટક બનાવવામાં લાભકારી…

-શ્રીલેખા યાજ્ઞિક

શિયાળામાં વિવિધ વાનગી-વસાણાં વગેરે ખાઈને સંપૂર્ણ સ્વાસ્થ્યને વર્ષભરની શક્તિ મળી રહે તેની કાળજી લેવાતી હોય છે. તેમાં પણ લીલા શાકભાજી કહો કે તાજા ફળોને આરોગવાથી એક અનેરો સંતોષ મળે છે. શિયાળામાં ગરમા-ગરમ ચા, કૉફી, ઉકાળો કે કઢિયેલ દૂઘ પીવાતું હોય છે.

ઠંડીની મોસમમાં એક એવું પીણું ખાસ પીવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. જે ‘કાંજી’ના નામે ઓળખાય છે. નામ સાંભળીને આપ કદાચ આશ્ર્ચર્ય પામ્યા હશો. આતે વળી કેવું પીણું જે ઠંડીમાં પીવાથી તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. જી..હા, કાંજી એક એવું પીણું છે જેનો મહત્તમ ઉપયોગ ઉત્તર પ્રદેશ, હિમાચલ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવાં રાજ્યોમાં કરવામાં આવે છે.

કાંજી ‘જાદુઈ કાઢા’ તરીકે ઘણું જાણીતું છે. કાંજી પીવાનું મુખ્ય કારણ છે શિયાળામાં શરદી-ખાંસી -તાવ જેવા બૈક્ટેરિયાથી પ્રસરે તેવા રોગ થવાની શક્યતા વધી જતી હોય છે. આવા સંજોગોમાં પ્રોબાયોટિક ગણાતું પીણું પીવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. વળી આ પીણાની ખાસ વાત તેને ઘરમાં જ સરળતાથી બનાવી શકાય છે. પ્રોબાયોટીક હોવાને કારણે આંતરડા માટે અત્યંત ઉપયોગી ગણાય છે. વળી પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

કાંજી વિવિધ રીતે બનાવી શકાય છે. કેટલીક જગ્યાએ કાળું ગાજર-બીટનો ઉપયોગ કરીને બને છે. તો ક્યાંક લાલ ગાજર-બીટનો ઉપયોગ થાય છે. ખાસ મસાલામાં રાઈને વાટીને, સંચળ, હિંગ, મરી વગેરેને પાણીમાં સ્વાદ વધારવા ભેળવવામાં આવે છે. જેનાથી કાંજીનો રંગ તેમજ સ્વાદ બંને અત્યંત આહલાદક્ બની જાય છે.

ચોખાને બાફીને રાતભર મોળી છાસમાં રાખ્યા બાદ તેમાં આછો મસાલો કરીને પીવામાં આવે છે. તો રાજસ્થાનમાં કાંજીવડાનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે શિયાળામાં ખવાતી-પીવાતી વિવિધ વસ્તુઓ વર્ષભરની શક્તિ વ્યક્તિને બક્ષે છે. કડકડતી ઠંડીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિવિધ વસાણાની સાથે કાંજી અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આમ તો કાંજી એક આથો લાવીને તૈયાર કરવામાં આવતું પીણું ગણાય છે.

સ્વાસ્થ્યવર્ધક પીણું પીવા માટે થોડી ધીરજની આવશ્યક્તા પડે છે. શિયાળામાં સૂર્યપ્રકાશની અસર કેવી રહે છે તેની ઉપર પીણું બનવાનો સમય નક્કી થાય છે. મુંબઈ જેવા શહેરમાં પીણામાં આથો આવવાનો સમય ઓછો હોઈ શકે. જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાને કારણે કાંજી પીણું બનતાં ૨-૩ દિવસનો સમય લાગી શકે છે.

ઠંડીની મોસમમાં મનભરીને તળેલું ભોજન અનેક વખત કરવામાં આવતું હોય છે. વારંવાર ભારે ખોરાક લેવાને કારણે પાચનક્રિયા મંદ પડી જતી હોય છે. કબજિયાતની તકલીફ વધવા લાગે છે. જેના ઉપચાર માટે ગાજર-બીટ, ચોખા કે દાળની કાંજી બનાવીને પીવામાં આવે છે.

દાદી-નાનીના વખતથી ચાલી આવતી આ પ્રાચીન પ્રથા છે. જેને પ્રોબાયોટિક પીણાં તરીકે ઓળખવામાં આવે છે. પ્રોબાયોટીક ભોજન એટલે કે જેમાં તંદુરસ્ત બેક્ટેરિયા હોય છે. જે સૂક્ષ્મ જીવંત જીવાણું છે જે શરીરની તંદુરસ્તી વધારવામાં મદદ કરે છે. પાચનક્રિયા સુધારવામાં ઉપયોગી ગણાય છે.

કબજિયાત, આફરો ચઢવો, પેટ ફૂલી જવું જેવી તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. પાચનક્રિયા ત્યારે જ નબળી પડે છે જ્યારે શરીરમાં ખરાબ જીવાણું સારા જીવાણું ઉપર હુમલો કરે છે. ખરાબ બેક્ટેરિયા રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટને કારણે વઘે છે. જ્યારે પ્રોબાયોટીક ભોજન શરીરમાં સારા જીવાણુંની સંખ્યા વધારવામાં મદદ કરે છે.

કાંજી બનાવવાની રીત

સામગ્રી: ૨-૩ કાળા ગાજર અથવા ૨-૩ લાલ ગાજર, ૧ નંગ બીટ, ૨ ચમચી પીળી રાઈના દાણાની પેસ્ટ, ૧ ચમચી કાળી રાઈના દાણાની પેસ્ટ, ૧ ચમચી લાલ મરચું, ચપટી હિંગ, ૧ ચમચી વરિયાળી, ૧ ચમચી સરસિયાનું તેલ, ૨ લિટર પાણી, સ્વાદાનુસાર સંચળ.

બનાવવાની રીત: રાઈના દાણાને ૧ કલાક માટે પાણીમાં પલાળી લેવા. ત્યારબાદ તેની પેસ્ટ બનાવી લેવી. ગાજર તથા બીટને છોલીને નાના ટૂકડા કરી લેવાં. ૧ લિટર પાણીને ઉકાળીને ઠંડું કરવું. એક કાચની બરણીમાં ગાજર, બીટ, રાઈના દાણાની પેસ્ટ, સંચળ, વરિયાળી, લાલ મરચું, હિંગ, તેલ વગેરે ભેળવવું. પાણી ઠંડુ થાય એટલે બરણીમાં ઉમેરવું. બરણીની ઉપર સફેદ રૂમાલ બાંધીને ૨-૩ દિવસ તડકામાં રાખવું. ત્યારબાદ તે પીવા માટે તૈયાર છે. વધેલું પાણી ફ્રિઝમાં રાખવું.

દક્ષિણ ભારતમાં પીવાતી ચોખાની કાંજી: ચોખાની કાંજી બનાવતી વખતે ૧ વાટકી ચોખાને બાફી લેવા. તેને છાસમાં પલાળીને માટીના વાસણમાં રાખવા. તેમાં જીરૂ, લીલું મરચું, કોથમીર, મીઠા લીમડાનો વઘાર કરીને રાત્રિભર રાખવું. સવારે તેને બરાબર મિક્સ કરી લેવું. નરણાં કોઢે પી લેવું.

રાજસ્થાનમાં બનાવવામાં આવતાં કાંજી વડાને શિયાળામાં તથા હોળી જેવા પર્વમાં ખાસ બનાવવામાં આવે છે. પાણીને ઉકાળીને ઠંડું કર્યા બાદ તેમાં હળદર, સંચળ, વાટેલી પીળી રાઈ, કાળી રાઈ, જીરૂ, હિંગ, મીઠું ભેળવીને કાચની બરણીમાં તડકામાં ૩-૪ દિવસ રાખીને તૈયાર કરવું. મગની પીળી દાળને પલાળીને તેના વડા બનાવીને તૈયાર કરેલ કાંજીમાં પલાળીને દહીંવડાની જેમ તેનો સ્વાદ માણવામાં આવે છે. જે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.

કાંજી પીવાના સ્વાસ્થ્ય લાભ:

શક્તિવર્ધક પીણું : ઠંડીમાં સામાન્ય રીતે વિવિધ વસાણા ખાઈને શરીરને શક્તિવર્ધક બનાવવામાં આવે છે. જેમાં ઘી-ગુંદર-ગોળ-તલ-અડદ જેવી વસ્તુનો ઉપયોગ ભરપૂર કરવામાં આવે છે.

જે શરીરમાં કેટલાંક પ્રમાણમાં ચરબી વધારે છે. તેને બદલે કાંજી જેવું પીણું પીવામાં આવે તો શરીરમાં ત્ત્વરિત શક્તિનો સંચાર થવા લાગે છે. વડીલો એવું માનતા કે કાંજી પીવાથી દિવસભર નબળાઈ, ચક્ક્ર આવવાં, થાક લાગવો, આંતરડાની વિવિધ તકલીફની ફરિયાદ રહેતી નથી.

પાચનક્રિયા મજબૂત બને છે : કાંજીમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. જે જઠરાગ્નિમાં રહેલાં પ્રવાહીને પચાવીને મુલાયમ જેલી જેવું બનાવી દે છે. વળી લોહીમાં ગ્લુકોઝની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે.

સોજા ઘટાડવામાં ઉપયોગી : ઠંડીમાં શરીર જકડાઈ જવું કે હાથ-પગ ઉપર સોજા આવવા આમ વાત બની જાય છે. કેટલાંક અધ્યયન દ્વારા એવું જાણવા મળ્યું છે કે કાંજી બનાવતી વખતે જો કાળા ગાજરનો ઉપયોગ કરવામાં આવે તો યૂરીનરી ટ્રેક ઈન્ફ્ેક્શનને રોકવામાં મદદ મળે છે.

આંખો માટે લાભકારી : કાંજી પીણું આંખો માટે વરદાન સમાન માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ કાંજી બનાવવા માટે તેમાં વપરાતા ગાજર મનાય છે. કેમ કે ગાજરમાં એંથોસાયનિન હોય છે. જે દૃષ્ટિ તેમજ આંખમાં લોહીના પરિભ્રમણને સુધારવામાં અત્યંત ગુણકારી ગણાય છે.

વિવિધ વિટામિનનો ખજાનો સમાયેલો છે: કાંજીમાં તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આવશ્યક વિટામિન્સનો ખજાનો સમાયેલો છે. વિટામિન -સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આવશ્યક છે. જે ત્વચાને ચમકદાર બનાવે છે.

શરીરને પૂરતાં પ્રમાણમાં પ્રવાહી પૂરું પાડે છે : શિયાળામાં પાણીની તરસ ઓછી લાગે છે. તો વળી અનેક લોકો વારંવાર પાણી પીતા રહેવું ભૂલી જાય છે. શરીરમાં પાણીની ઉણપ થતાં ત્વચા બરછટ બને છે. તો અનેક વખત વ્યક્તિ ગંભીર સમસ્યાનો શિકાર બની જતી હોય છે. જેમ કે કબજિયાત, નબળાઈ લાગવી, ચક્કર આવવા વગેરે.

કાંજી બનાવતી વખતે તેમાં રાઈને વાટીને ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે કુદરતી ઈલેક્ટ્રોલાઈટસ્ પુરું પાડે છે. ઠંડીની મોસમમાં તથા અન્ય કાર્ય કરવામાં શરીરમાંથી મિનરલ્સ ઘટી જતાં હોય છે તે કાંજીના સેવનથી પાછા મળી રહે છે.
ઍક્ટર નીતૂ કપૂર તથા આલિયા ભટ્ટની ચમકદાર ત્વચા ચોખાની કાંજીને આભારી છે, આ વાત તેમણે ખાસ ઈન્ટરવ્યુમાં જણાવી હતી. વહેલી સવારે ચોખાની કાંજી પીવાથી શરીરની પાચનક્રિયા કાયમ માટે સુધરી જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button