પ્રવાસ વીમો જરૂર ઉતરાવો આજના સમયમાં એ ઘણો જ ઉપયોગી નીવડે છે
–નિશા સંઘવી
રજાના દિવસો નજીક આવી ગયા છે. અનેક લોકો પોતાના ઇચ્છિત પ્રવાસે ઊપડી જવા રોમાંચિત છે. કોઈ નવી જગ્યાઓ જોવા જશે, કોઈ આરામ કરવા જશે, કોઈ સગાં-સંબંધીના ઘરે જશે તો કોઈ વિદેશપ્રવાસ પણ ખેડશે…
પ્રવાસ-પર્યટન ખરેખર આનંદ આપે. જોકે, ક્યારેક અણધાર્યાં જોખમો આવી ચડે છે તો જે પ્રવાસીને નુકસાન પણ પહોંચાડે. આવા સમયે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ એટલે કે પ્રવાસને લગતો વીમો ઘણી બધી ચિંતાને દૂર કરી શકે.
પ્રવાસ વીમો આર્થિક નુકસાન સામે રક્ષણ આપીને આપણને માનસિક શાંતિ પણ પૂરી પાડે છે. તમે દેશમાં ફરવા જવાના હો કે વિદેશમાં જવાના હો, પ્રવાસ વીમો દરેક પ્રકારની જરૂરિયાત પૂરી કરનારો હોય છે. એની લાક્ષણિકતાઓ સમજી લીધી હોય તો તમે પ્રવાસને આસાન બનાવી શકો છો.
આજે આપણે પ્રવાસ વીમાના પ્રકાર, એમાં મળતા વિવિધ પ્રકારના પ્લાન, એનું કવરેજ તથા અન્ય મહત્ત્વપૂર્ણ માહિતીની વાત કરીએ…
ભૌગોલિક સ્થળોના આધારે મળતા પ્રવાસ વીમાના પ્લાન:
પર્યટક અથવા યાત્રી કયા સ્થળે જાય છે એના આધારે વીમો મળે છે.
૧) ઓવરસીઝ વર્લ્ડવાઈડ: આ પ્રકારના પ્લાનમાં સિરિયા જેવા કાળી યાદીમાં મુકાયેલા કેટલાક દેશોને બાદ કરતાં તમામ દેશમાં લાગુ પડતો વીમો મળે છે.આવા પ્રવાસ માટે આ ઘણો જ વ્યાપક પ્રકારનો પ્લાન હોય છે.
૨) ઓવરસીઝ (અમેરિકા/કેનેડાને બાદ કરતાં) અમેરિકા, કેનેડા તથા કાળી યાદી-બ્લેક લિસ્ટેડ દેશોને બાદ કરતાં સમગ્ર વિશ્ર્વને આ વીમા પૉલિસી હેઠળ આવરી લેવાય છે. એમાં ઉત્તર અમેરિકા બાકાત છે.
૩) શેંગન દેશો: ઑસ્ટ્રિયા, જર્મની, ફ્રાંસ વગેરે શેંગન દેશોમાં જનારા પ્રવાસીઓ માટેનો આ ખાસ પ્લાન છે. એમાં નિશ્ર્ચિત દેશો આવરી લેવામાં આવે છે. આમાં વર્લ્ડવાઇડ પ્લાનની તુલનાએ ઓછા વિકલ્પ હોય છે.
૪) એશિયા: આ પ્લાનમાં યુએઈ, થાઈલૅન્ડ, ઇન્ડોનેશિયા અને મલયેશિયા જેવા એશિયન દેશોને આવરી લેવામાં આવે છે. એમાં વર્લ્ડવાઈડ પ્લાનની તુલનાએ ઓછું કવરેજ હોય છે, જેમાં લગભગ સામાન્ય વિકલ્પો જ આપવામાં આવે છે.
પ્રવાસ વીમાના અલગ અલગ પ્રકારના પ્લાન
જે રીતે પ્રવાસીઓ અલગ અલગ પ્રકારના હોય છે એ જ રીતે એમની વિવિધ જરૂરિયાતોને પૂરી કરનારા પ્લાનના પ્રકાર પણ અલગ અલગ હોય છે. એમાંના કેટલાક પ્લાનના પ્રકાર આ પ્રમાણે છે:
૧) જનરલ પ્લાન: આમાં તબીબી સારવારના ખર્ચ, વ્યક્તિગત સામાનનું નુકસાન તથા પ્રવાસમાં આવેલા વિક્ષેપને લીધે થતું નુકસાન, એ બધું આવરી લેવાય છે.
૨) વિદ્યાર્થીઓ માટે: આજકાલ અસંખ્ય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે. એમના માટે ખાસ આ પ્લાન હોય છે. એમાં મૂળભૂત સુરક્ષાની સાથે સાથે બાળકોની માવજત, પ્રસૂતિનો ખર્ચ, માનસિક આરોગ્યને લગતી બાબતો, અભ્યાસમાં આવતા વિક્ષેપ, સ્પોન્સરને લગતી સમસ્યાઓ સામે રક્ષણ અને કોઈ કારણસર જામીન પર છૂટવું પડે તો એના માટેના બોન્ડનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે.
૩) કૉર્પોરેટ પ્લાન: ખાસ કરીને બિઝનેસ માટે પ્રવાસ કરનારા લોકોની જરૂરિયાતો આ પ્લાનમાં આવરી લેવાય છે, જેમાં મહત્ત્વના દસ્તાવેજો ગુમ થઈ જવા, ચોરી થવી, બિઝનેસને લગતાં કેટલાંક અન્ય જોખમો અને વિદેશમાં થતો પ્રવાસીની અંતિમક્રિયાનો ખર્ચ વગેરે બાબતમાં આર્થિક સુરક્ષા આપવામાં આવે છે.
૪) વરિષ્ઠ નાગરિકો માટે: ૭૦ વર્ષની ઉપરના પ્રવાસીઓ માટે આ સાવ જ બેઝિક સુરક્ષા આપનારો પ્લાન હોય છે. તેમાં મહત્તમ ૫૦,૦૦૦ અમેરિકન ડૉલર સુધીનો વીમો આપવામાં આવે છે. અમુક પૉલિસીમાં તબીબી સારવારનો ખર્ચ આવરી લેવાયો હોય છે, જ્યારે અમુકમાં હોતો નથી.
પ્રવાસ વીમાના પ્લાન હેઠળની વિવિધ શ્રેણીઓ
પ્રવાસના પ્રકાર અને એની ફ્રિકવન્સીના આધારે મળતા પ્લાન:
૧) સિંગલ ટ્રિપ પ્લાન: ભારતમાંથી પ્રવાસ શરૂ થાય અને અહીં પાછો પૂરો થાય ત્યાં સુધીના એક જ પ્રવાસને આ પ્લાન હેઠળ આવરી લેવામાં આવે છે.
નોંધનીય છે કે એક જ પ્રવાસ દરમિયાન પ્રવાસી એક કરતાં વધારે દેશોમાં જઈ શકે છે. ભારતમાં પાછા ફર્યા બાદ કોઈ ઘટના બને તો એને આ વીમા હેઠળ આવરી લેવાતી નથી.
૨) ફૅમિલી ટ્રિપ : એક જ પ્રવાસના પ્લાનનું આ એક બીજું સ્વરૂપ છે, જેમાં એક સાથે વધારે વ્યક્તિઓ જાય તો ડિસ્કાઉન્ટ મળતું હોય છે.
૩) એન્યુઅલ મલ્ટિ ટ્રિપ : વર્ષ દરમિયાન અનેક વાર પ્રવાસે જનારા લોકો માટે આ પ્લાન છે, જેના હેઠળ વર્ષ દરમિયાન મન ફાવે એટલા પ્રવાસ માટેનો વીમો મળે છે. દરેક પ્રવાસના દિવસોની સંખ્યા અલગ અલગ પૉલિસીમાં અલગ અલગ હોય છે. દાખલા તરીકે, અમુકમાં ૩૦ દિવસ, અમુકમાં ૪૫ દિવસ તો અમુકમાં ૬૦ દિવસનો પ્રવાસ આવરી લેવાયેલો હોય છે.
પ્રવાસ વીમા હેઠળ કઈ કઈ બાબતો આવરી લેવાય છે?
૧) આકસ્મિક મૃત્યુ અને અંગવિચ્છેદ
પ્રવાસીનું આકસ્મિક મૃત્યુ થવાની સ્થિતિમાં અથવા શરીરનું કોઈ પણ અંગ છૂટું પડી જાય એવી સ્થિતિમાં નિર્ધારિત ટકાવારી પ્રમાણે વીમાની રકમ આપવામાં આવે છે.
૨) તબીબી સારવારનો ખર્ચ (અકસ્માત અને બીમારી)
પ્રવાસ દરમિયાન કોઈ બીમારી થાય કે અકસ્માતને કારણે ઈજા થાય એવી સ્થિતિમાં નિર્ધારિત પ્રમાણમાં તબીબી સારવારનો ખર્ચ ભરપાઈ કરી આપવામાં આવે છે. પૉલિસીમાં નક્કી થયા પ્રમાણે અમુક રકમ કાપીને વીમાની રકમ ચૂકવવામાં આવે છે.
૩) ચેક ઈન કરાવાયેલો સામાન પહોંચવામાં થતો વિલંબ
પ્રવાસીનો સામાન ચેક ઈન થયા બાદ પહોંચવામાં અમુક નિર્ધારિત સમયમર્યાદા કરતાં વધારે સમય નીકળી જાય એવી વિલંબની સ્થિતિમાં નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે.
૪) ચેક ઈન સામાન ગુમ થઈ જાય તો…
ચેક ઈન થયેલો સામાન ઍરલાઇન્સની દેખરેખ હેઠળ હોય એ સમયગાળામાં જ આખેઆખો ગુમ થઈ જાય એવી સ્થિતિમાં નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે.
૫) પાસપોર્ટ ગુમ થઈ જાય
પાસપોર્ટ ગુમ થઈ જવાની સ્થિતિમાં નવો કે ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા માટે થનાર ખર્ચ આ પૉલિસી હેઠળ ભરપાઈ કરી આપવામાં આવે છે.
૬) અંગત જવાબદારી
પ્રવાસ દરમિયાન પ્રવાસી વિરુદ્ધ માલમિલકતને નુકસાન અથવા તબીબી સારવારના ખર્ચને લગતો કાનૂની દાવો થાય એવી સ્થિતિમાં વીમા કંપની આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.
૭) ઉડ્ડયનમાં વિલંબ અથવા ઉડ્ડયન રદ થાય તો…
પ્રતિકૂળ હવામાન, હડતાલ કે વિમાનની ખામીને કારણે ઉડ્ડયન ૧૨ કલાક કરતાં વધુ સમય માટે મોડું થાય તો પ્રવાસીને થનારા વધારાના ખર્ચની ભરપાઈ વીમા કંપની આ પ્લાન હેઠળ કરી આપે છે.
૮) વિમાન હાઇજેક થાય તો…
પ્રવાસ દરમિયાન વિમાનનું હાઈજેકિંગ થાય તો એની નુકસાનની ભરપાઈ આ પ્લાન હેઠળ કરી આપવામાં આવે છે.
૯) તાકીદની રોકડ સુવિધા
તાકીદની સ્થિતિમાં રોકડની ચુકવણી કરવાની જરૂર પડે એ સ્થિતિ માટેનો આ પ્લાન હોય છે. બૅન્કો, રાજદૂતાવાસ અથવા ‘વેસ્ટર્ન યુનિયન કંપની’ જેવા વિશ્ર્વસનીય નેટવર્ક મારફતે આ ચુકવણી થાય છે.
૧૦) પ્રવાસ રદ થવો અથવા અધૂરો રહી જવો. મૃત્યુ, બીમારી કે કુદરતી આફતો જેવી અણધારી સ્થિતિમાં પ્રવાસ રદ કરવો પડે અથવા અધૂરો રહી જાય એ સંજોગોમાં થતું નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે.
૧૧) વળતા પ્રવાસમાં કનેક્ટિંગ વિમાન ચૂકી જવાય કે વિમાન ઉપાડવામાં મોડું થાય એ સ્થિતિમાં થતું નુકસાન ભરપાઈ કરી આપવામાં આવે છે.
પ્રવાસ વીમાના પ્લાન હેઠળ અતિરિક્ત લાભ
ઘણા પ્રવાસ વીમાના પ્લાન હેઠળ અતિરિક્ત લાભ પણ આપવામાં આવે છે,જેમ કે….
૧) પેમેન્ટ કાર્ડના ફ્રોડથી લાગતા ચાર્જીસ
૨) હોટેલ કે ઍરલાઇન્સનું બુકિંગ બાઉન્સ થવાની સ્થિતિમાં મળતું કવરેજ
૩) પ્રવાસ દરમિયાન પ્રવાસીના ઘરે થનારી ચોરી સામેનું રક્ષણ
૪) ભારતમાં લાગુ થતું પર્સનલ ઍક્સિડન્ટ કવરેજ
૫) પાછા ફરવામાં વિલંબ થવો કે વહેલા પાછા આવી જવું પડે એવી સ્થિતિમાં વિમાનભાડાંમાં આવનારા તફાવત સામેનું રક્ષણ
પાત્રતા અને કવરેજની મર્યાદા
૧) ઉંમર: સર્વસાધારણ પ્લાનમાં છ મહિનાથી લઈને ૭૦ વર્ષની ઉંમર સુધીની વ્યક્તિઓને આવરી લેવાય છે. વરિષ્ઠ નાગરિકો માટેના પ્લાનમાં ૭૧થી ૮૫ વર્ષની ઉંમરના લોકો સામેલ હોય છે.
૨) પૉલિસીનો સમયગાળો: પ્લાનનો સમયગાળો ચારથી ૧૮૦ દિવસ સુધીનો હોય છે. અમુક નિશ્ર્ચિત સ્થિતિમાં આ સમયગાળો લંબાવવાનું શક્ય હોય છે.
૩) વીમાની રકમ: વીમા હેઠળ ૨૫,૦૦૦થી ૧,૦૦,૦૦૦ અમેરિકન ડૉલર સુધીનું કવરેજ મળે છે. રૂમ રેન્ટ કે સર્જરી જેવા નિશ્ર્ચિત ખર્ચમાં પેટા મર્યાદા પણ હોઈ શકે છે.
વાત કપાતની…
પ્રવાસ વીમા પૉલિસી હેઠળ અમુક રકમ ડિડક્ટિબલ એટલે કે કાપીને મળતી હોય છે, જેમકે…
૧) તબીબી સારવારનો ખર્ચ અને બચાવ કામગીરી: ૧૦૦ ડૉલર
૨) દાંતમાં દુખાવો થવાની તાકીદની સ્થિતિમાં રાહત મેળવવા માટેની સારવાર: ૧૦૦ ડૉલર
૩) ચેક ઈન કરાયેલો સામાન પહોંચવામાં થતો વિલંબ: ૧૨ કલાક
૪) પાસપોર્ટ ગુમ થવો: ૨૫ ડૉલર
૫) અંગત જવાબદારી: ૧૦૦ ડૉલર
૬) કનેક્ટિંગ ઉડ્ડયન ચૂકી જવાની સ્થિતિ: ૧૨ કલાકનો વિલંબ
પૉલિસીની મુદતમાં વૃદ્ધિ
અમુક સંજોગોમાં પ્રવાસ લંબાવવો પડતો હોય છે. એવા વખતે વિમાનની ટિકિટની તારીખ પણ લંબાવવી પડે છે અને પ્રવાસ વીમાના પ્લાનની મુદત પણ લંબાવવી પડે છે. આ સ્થિતિમાં પૉલિસી પૂરી થવાના ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં ગુડ હેલ્થ ડિક્લેરેશન ફોર્મ’ સુપરત કરીને પોલિસીની મુદત વધારવા માટેની વિનંતી કરી શકાય છે.
આ પણ વાંચો…Free માં આધાર અપડેટ કરાવવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ છે અંતિમ તારીખ
આમ પ્રવાસનું આયોજન કરતી વખતે પ્રવાસ વીમાની ખરીદીનો પણ વિચાર કરવો જરૂરી છે. અનેક પ્રકારના પ્લાન, એનાં કવરેજ તથા લાભને ધ્યાનમાં રાખીને પ્રવાસી પોતાની જરૂરિયાતો અનુસારની પૉલિસી કઢાવીને પ્રવાસ ચિંતામુક્ત બનાવી શકાય છે.
પૉલિસીમાં કઈ બાબતો આવરી લેવાઈ નથી અને બીજી કઈ મર્યાદાઓ છે એના વિશે પૂરેપૂરી માહિતી જાણી લેવા પૉલિસીની દરેક શરતો અને એના નિયમો ધ્યાનપૂર્વક વાંચી જવા અને જરૂર પડ્યે વીમા કંપનીને પૂછી લેવું વધુ સારું.