હવે રાણીબાગની પણ મોબાઈલ ઍપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા સહિત પ્રવાસીઓના માનીતા ગણાતા ભાયખલાના વીરમાતા જિજાબાઈ બોટનિક ઉદ્યાન ઍન્ડ ઝૂની તમામ માહિતી હવે મોબાઈલ ઍપ પર ઉપલબ્ધ થશે, તેનાથી મુલાકાતીઓને રાણીબાગમાં ફરવું વધુ સુવિધાજનક થશે.
મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે સેવ રાની બાગ બોટનિકલ ગાર્ડન ફાઉન્ડેશન અને બિનસરકારી સંસ્થા નાગર સાથે સંયુક્ત રીતે મુંબઈ બોટોનિકલ ગાર્ડન ઍન્ડ ઝૂ મોબાઈલ ઍપ લોન્ચ કરી હતી.
આ ઍપની મદદથી મુલાકાતીઓે બોટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગને વધુ સારી રીતે જાણી શકશે અને ઊંડાણમાં તેની માહિતી મેળવી શકાશે. ચાર કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા ૨૫૬ પ્રજાતિઓના ૪,૦૦૦ વૃક્ષોમાં રાણીબાગ ફેલાયેલું છે અને આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલા રાણીબાગના તમામ ખૂણાઓ સુધી પહોંચવું મુલાકાતીઓ માટે અમુક વખતે મુશ્કેલ હોય છે, જેમા હવે આ ઍપ મદદરૂપ થઈ રહેશે.
Also Read – ઘર-ઘરથી કચરો ભેગો કરવા પર ફી: કાનૂની જોગવાઈઓનો અભ્યાસ કરાશે
રાણીબાગમાં સોમવારે આ ઍપનુ ઉદ્ઘાટન રાજ્યના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી ડી.એમ. સુખતનકર હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ ઍપમાં અનેક મહત્ત્વના ફંકશન છે, જે મુલાકાતીઓ માટે પર્સલન ગાઈડ બની રહેશે. વૃક્ષો, પ્રાણીઓની જગ્યા તથા હેરિટેજ સ્મારક અને રીઅલ ટાઈમ નેવિગેશન રૂપે મદદ કરશે.
આ ઍપની મદદથી મુલાકાતીઓને રાણીબાગમાં પાણીની પરબ, શૌચાલય, કેફેટેરિયા અને બાળકોના રમવાની જગ્યાની માહિતી મળશે. એક વખત મફતમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો તા આખા રાણીબાગની માહિતી એક ક્લીક પર મળશે.