નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે તેમના આદેશનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા તેઓ કોઈપણ હદ સુધી જશે. સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી એક જનહિતની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જર્સની રોજગાર અને સુકા શૌચાલયનું નિર્માણ (પ્રતિબંધ) અધિનિયમ, 1993 તેમજ મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013 કાયદાના આદેશ છતાં અમલમાં મૂકવામાં આવ્યો નથી.
મેન્યુઅલ સ્કેવેન્જિંગ એ માનવ મળમૂત્રને મેન્યુઅલી હેન્ડલ કરવાની પ્રથા છે. દેશના અનેક સ્થળે આ પ્રથા હજી પણ ચલણમાં છે. (આ કામ કરનારા લોકો મેલુ ઉપાડનારા તરીકે ઓળખાય છે) સર્વોચ્ચ અદાલતે સેપ્ટિક ટાંકીઓ અને ગટરોની જોખમી રીતે મેન્યુઅલ સફાઈને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. કોર્ટે કહ્યું છે કે આ મુદ્દો માનવ ગરિમા સાથે જોડાયેલો છે.
જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે આ કેસની પ્રગતિ પર નિરાશા વ્યક્ત કરી હતી અને કોર્ટના આદેશનો જાણીજોઈને અનાદર કરવા બદલ તિરસ્કારનો આદેશ જારી કરવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો. આદેશોના પાલન પર મૌખિક રીતે ટિપ્પણી કરતા, જસ્ટિસ ધૂલિયાએ કહ્યું હતું કે સરકાર આ બાબતને મહત્વ આપતી નથી, પણ એક વાત ચોક્કસ છે કે અમે તેને છોડીશું નહીં. આ માનવીય ગૌરવનો પ્રશ્ન છે. આ બાબત અમારી માટે ઘણી મહત્વની છે. અમે તેને છોડીશું નહીં. અમે આદેશનું પાલન સુનિશ્ચિત કરવા માટે કોઈપણ હદ સુધી જઈશું, પછી ભલે તે ગમે તે હોય. કોર્ટે કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવાની મંજૂરી આપી હતી. સોગંદનામામાં કોર્ટના આદેશનું પાલન ન કરવા માટેના કારણોનો ઉલ્લેખ કરવા પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ફુગાવો ઘટયો: શું ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડશે?
20 ઑક્ટોબર 2023ના રોજ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે એક વર્ષની અંદર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેન્યુઅલ સફાઈ કામદારોનો રાષ્ટ્રીય સર્વે કરવામાં આવે . જો કે, સિનિયર એડવોકેટ અને એમિકસ ક્યુરી કે. પરમેશ્વરે કોર્ટને જણાવ્યું હતું કે હજુ સુધી આવો કોઇ સર્વે કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે સર્વે જિલ્લા સ્તરીય સર્વે સમિતિની મદદથી કરવાનો હોય છે અને ઘણા રાજ્યોમાં જિલ્લા સ્તરીય સર્વે સમિતિની રચના પણ કરવામાં આવી નથી. તેમણે એમ પણ કહ્યું કે સેન્ટ્રલ મોનિટરિંગ કમિટીની પણ ચાર વર્ષથી બેઠક મળી નથી.
2018થી ચાલી રહેલા આ કેસમાં કોર્ટે શોધી કાઢ્યું હતું કે 1993 અને 2013ના અધિનિયમમાં જોગવાઈઓ હોવા છતાં, દેશના તમામ ભાગોમાં મેન્યુઅલ સફાઈ કરવી પડે તેવા ગંદા શૌચાલય બનાવવા અને મેન્યુઅલ વર્ક કરવાની પ્રથા ચાલુ છે. આ કાયદાની જોગવાઇ હોવા છતાં પણ આ મામલે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી નથી. આ અંગે કોર્ટે 20 ઓક્ટોબર 2023ના રોજ જરૂરી આદેશો કર્યા હતા, જેનું હજી સુધી પાલન થયું ના હોવાથી કોર્ટે નિરાશા વ્યક્ત કરી હતી.