પ્રદૂષણનું સ્તર માપવા માટે બીએમસી ખરીદશે ચાર મોબાઈલ વૅન…
નવા વર્ષમાં ટેન્ડર પ્રક્રિયા અમલમાં આવશે ૬૫૬ બાંધકામને નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ જેવા મોટા શહેરમાં પ્રદૂષણનું સ્તર માપવા માટે પૂરતી યંત્રણા ન હોવાથી આગામી નવા વર્ષમાં સુધરાઈ દ્વારા ચાર નવી મોબાઈલ વૅન ખરીદવામાં આવવાની છે. હાલ વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર માપવા માટે એક મોબાઈલ વૅન ઉપલબ્ધ છે. નવી મોબાઈલ વૅન માટે બહુ જલદી ટેન્ડર પ્રક્રિયા અમલમાં મુકાશે, તે માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણ: મહાયુતિમાં પ્રધાનોનું ‘પર્ફોર્મન્સ ઓડિટ’…
મુંબઈમાં હાલ મોટા પાયા પર ચાલી રહેલા મેટ્રો સહિત અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના કામોને કારણે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે સુધરાઈએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી છે. છતાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે બાંધકામને સ્થળે ઉપાય યોજના અમલમાં મૂકવા માટે પાલિકાએ ચેતવણી પણ આપી છે.
પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનને અમલમાં નહીં મૂકનારા સામે પાલિકા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વોર્ડ સ્તરે પાલિકાએ કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ટીમ પણ તહેનાત કરી છે. છતાં હવાની ગુણવત્તા માપવા માટે યંત્રણાની અછત હોવાનું જણાઈ આવ્યું છે.
હાલ ભાયખલા, ઘાટકોપર, ગોવંડી, કાંદિવલી, શિવડી જેવા સ્થળે પ્રદૂષણનું સ્તર માપવા માટેની યંત્રણા પાલિકાએ બેસાડી છે પણ પ્રદૂષણનું સ્તર માપવા માટે મોબાઈલ વૅન ફક્ત એક જ છે. પાલિકાની હેલ્પલાઈન પર પ્રદૂષણ બાબતે કોઈ ફરિયાદ આવે તો મોબાઈલ વૅન તાત્કાલિક મોકલીને પ્રદૂષણનું સ્તર માપવામાં આવે છે. હાલ એક જ વૅન હોવાથી ફરિયાદ આવે ત્યારે વૅન તાત્કાલિક મોકલવી મુશ્કેલ બને છે. તેથી પાલિકાએ ચાર મોબાઈલ વૅન ખરીદવાનો નિર્ણય લીધો છે, તે માટે ટેન્ડર પ્રક્રિયા જાન્યુઆરી ૨૦૨૫થી ચાલુ થશે.
આ પણ વાંચો : કુર્લા કિલર બસ અકસ્માતઃ મૃત્યુઆંક વધીને ૮ થયો, ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત
નિયમોનું ઉલ્લંઘન કરનારા ૬૫૬ નોટિસ
શહેરમાં પ્રદૂષણ રોકવા માટે પાલિકા દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. એ સિવાય પાલિકાએ તમામ પ્રોજેક્ટના ઠેકાણે સંબંધિત કૉન્ટ્રેક્ટર પણ એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ પ્લાન રજૂ કરવાની સૂચના આપી છે. જે બાંધકામના સ્થળે પ્રદૂષણના નિયમનું પાલન થતું ન હોવાનું જણાયું છે ત્યા ડેવલપરોને કારણ દર્શાવો નોટિસ પણ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધી શહેરમાં ૬૫૬ નોટિસ મોકલવામાં આવી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.