ઘર-ઘરથી કચરો ભેગો કરવા પર ફી: કાનૂની જોગવાઈઓનો અભ્યાસ કરાશે
‘યુઝર ફી’ લાગુ કરવા માટે કાયદાકીય અભ્યાસ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસડબ્યુએમ)ના બાય-લોઝમાં સૂચિત ફેરફાર કરી શકાય કે નહીં તે માટે કાયદાકીય જોગવાઈઓની તપાસ કરવાનો નિર્દેશ સોમવારે યોજાયેલી બેઠકમાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને આપ્યો હતો. પાલિકા ઘર-ઘરમાંથી કચરો જમા કરવા તેનો નિકાલ કરવા માટેનો તેનો થતો ખર્ચ હવે મુંબઈગરાના માથા પર ‘યુઝર ફી’ના નામે થોપવા માગે છે, જેની સામે સામાજિક કાર્યકર્તા જ નહીં પણ રાજકીય સ્તરે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આના માટે સાયન્ટીફિક અને ન્યાયપૂર્ણ મોડલ વિકસિત થાય નહીં ત્યાં સુધી સૂચિત ફીને રદ કરવાની પણ તેમણે માગણી કરી છે.
એસડબ્લુએમ રુલ્સ, ૨૦૧૬ હેઠળ કેન્દ્ર સરકારે મ્યુનિસિપલ સંસ્થાઓને કચરાના વ્યવસ્થાપન સેવાઓમાં સુધારો કરવા માટે ‘યુઝર ફી’ વસૂલ કરવા માટેની સત્તા આપી છે. સ્થાનિક પાલિકાના પેટાનિયમોમાં રહેલા નિર્દેશ મુજબ વેસ્ટ જનરેટરો આ ફી ચૂકવવાની રહેશે.
સોમવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓએ પાલિકાના મુખ્યાલયમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને સૂચિત સુધારા સાથેનું પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં એસડબ્યુએમના પેટાનિયમોમાં ફેરફારો અને તેના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ સંભવિત વિરોધને ધ્યાનમાં રાખીને બાય-લોઝમાં સુધારો કરવા માટે કાયદાકીય અભ્યાસ કરશે.
આ પણ વાંચો…શિંદે સરકારના 12 પ્રધાનોને પડતા મૂકવાના કારણો
પાલિકાએ હજી સુધી ‘યુઝર ફી’ માટેની રકમ નક્કી કરી નથી. પરંતુ ૫૦૦ સ્કેવર ફૂટ સુધીના વિસ્તાર માટે ૧૦૦ રૂપિયા અને તેનાથી મોટી જગ્યા માટે ૫૦૦ રૂપિયાથી લઈને ૧,૦૦૦ રૂપિયા સુધીની ફી વિચારી રહી છે. આ ફી પ્રોપર્ટી ટેક્સના બિલમાં ઉમેરવામાં આવશે અને તેને કારણે શહેરમાંથી નીકળતો કચરો ભેગો કરવાથી લઈને તેના રિસાઈકલિંગ અને નિકાલમાં મદદ થશે એવો દાવો પાલિકાએ કર્યો છે.