ભારતીય ફીલ્ડરનો અદભુત ડાઇવિંગ કૅચ… વર્લ્ડ નંબર-થ્રી કૅરિબિયન કેપ્ટનને પૅવિલિયન ભેગી કરી
નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટર મિન્નુ મણિએ રવિવારે સાંજે અહીં ડી. વાય. પાટીલ ગ્રાઉન્ડ પર વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી-20 મૅચ દરમ્યાન ફીલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન સાથે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.
તેણે ઝીલેલા શાનદાર કૅચને કારણે વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હૅલી મેથ્યુઝે વહેલાં પૅવિલિયન ભેગા થવું પડ્યું હતું.
એ સાથે મિન્નુએ મેદાન પરની ચપળતા, નિર્ભયતા અને સચોટતાનું સુંદર ઉદાહરણ આપ્યું હતું. તે આ મૅચમાં સબ્સ્ટિટયૂટ ફીલ્ડર હતી.
વેસ્ટ ઇન્ડિઝને જીતવા 196 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. તેમની ઇનિંગ્સ હજી તો શરૂ થઈ હતી અને બીજી ઓવર પેસ બોલર ટિટાસ સાધુએ શરૂ કરી હતી. વર્લ્ડ નંબર-થ્રી બૅટર હૅલી હજી તો ક્રીઝમાં માંડ સેટ થઈ હતી ત્યાં ઓવરના બીજા જ બૉલમાં આઉટ થઈ ગઈ હતી. ટિટાસના બૉલમાં હૅલી પુલ શૉટ મારવા ગઈ, બૉલ તેના ધાર્યા કરતાં ઊંચો હતો અને તેના મિસ-ટાઇમ્ડ તથા રિસ્કી શૉટમાં બૉલ હવામાં ઊંચે ગયો હતો. મિડ-ઓન પરથી મિન્નુ બૉલ પર નજર રાખતી પાછળ દોડી આવી હતી અને ડાઇવ મારીને તેણે અદભુત ડાઇવિંગ કૅચ પકડી લીધો હતો.
આ પણ વાંચો : નવી મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતને જિતાડવા બદલ જેમાઈમા-સ્મૃતિની મીડિયામાં ભરપૂર પ્રશંસા…
હૅલી માત્ર એક રનમાં આઉટ થઈ ગઈ હતી. આ અદભુત કૅચ બદલ સાથી ખેલાડીઓ મિન્નુને અભિનંદન આપવા દોડી આવી હતી.
મિન્નુનો ચમત્કાર અહીં પૂરો નહોતો થયો. તેણે પછીથી રાધા યાદવના બૉલમાં શિનેલ હેન્રીનો પણ સુંદર કૅચ પકડ્યો હતો.
ટિટાસ સાધુએ સૌથી વધુ ત્રણ તેમ જ રાધા અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 196 રનના ટાર્ગેટ સામે 20 ઓવરમાં સાત વિકેટે 146 રન બનાવી શકી હતી અને ભારતનો 49 રનથી વિજય થયો હતો.