મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણ: મહાયુતિમાં પ્રધાનોનું ‘પર્ફોર્મન્સ ઓડિટ’…

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે મહાયુતિના સાથી પક્ષો તેમના કાર્યકાળ દરમિયાન પ્રધાનોનું ‘પર્ફોર્મન્સ ઓડિટ’ કરવા સહમત થયા છે.
આ પણ વાંચો : જહાં નહીં ચૈના વહાં નહીં… છગન ભુજબળનો અજિત પવારનો પક્ષ છોડવાનો સંકેત…
ફડણવીસે કોઈ સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે, તેમના પક્ષના પ્રધાનોને અઢી વર્ષનો સમય મળશે અને જે લોકો સારી કામગીરી કરશે તેઓ પ્રગતિ કરશે.
નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજિત પવારે પણ કહ્યું હતું કે, ‘બિન-કાર્યક્ષમ’ લોકોને અઢી મહિનામાં પણ બદલી શકાય છે.
ફડણવીસે કહ્યું હતું કે, મહાયુતિ સરકાર મહારાષ્ટ્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ‘અમે પોર્ટફોલિયો ફાળવણી અંગે નિર્ણય લઈ લીધો છે અને બે થી ત્રણ દિવસમાં તેની જાહેરાત કરવામાં આવશે. અમે ઝડપી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.’
ફડણવીસે કહ્યું હતું કે, તેમણે અને તેમના ડેપ્યુટીઓએ નવા પ્રધાનોને કહ્યું છે કે તેમનું પર્ફોર્મન્સ ઓડિટ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે જે ભાજપના નેતાઓને કૅબિનેટમાં સ્થાન ન મળ્યું તેમને સંગઠનમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે.
શિંદેએ કહ્યું હતું કે, તેમણે શિવસેના પક્ષ સ્તરે નવા પ્રધાનોને અઢી વર્ષ આપવાનો નિર્ણય લીધો છે.
‘જેઓ સારું કામ કરશે તેઓ પ્રગતિ કરશે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
ફડણવીસે શાસક મહાયુતિને ‘ઈવીએમની સરકાર’ ગણાવવા બદલ વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ)ની ટીકા કરી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની કેબિનેટમાં અધધધ 20 મરાઠા પ્રધાન: એક મુસ્લિમ અને એક જ બ્રાહ્મણ
‘અમારી સરકાર સત્તામાં આવી કારણ કે દરેક મત મહારાષ્ટ્રને ગયો છે. મારી સરકાર બંધારણ મુજબ કામ કરે છે અને બંધારણની ગરિમાનું સન્માન કરવું અમારી પ્રાથમિકતા છે,’ મુખ્ય પ્રધાને કહ્યું હતું. (પીટીઆઈ)