Welcome Gukesh: ગુકેશ સ્વદેશ પરત ફર્યો, એરપોર્ટ પર હજારો ચાહકોએ કર્યું સ્વાગત
ચેન્નઈઃ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનું આજે સ્વદેશ પરત ફર્યો હતો. અહીંના એરપોર્ટ પર સેંકડો ચાહકો, તમિલનાડુ સરકાર અને રાષ્ટ્રીય મહાસંઘના અધિકારીઓ દ્વારા ગુકેશનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 18 વર્ષીય ગુકેશ ગયા અઠવાડિયે સિંગાપોરમાં ચીનના ડીંગ લિરેનને 7.5-6.5 થી હરાવી સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો હતો અને રશિયાના ગૈરી કાસ્પારોવનો રેકોર્ડ તોડ્યો હતો. કાસ્પારોવ 1985માં 22 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.
એરપોર્ટ પર હજારો લોકો પહોંચ્યા
ઘરે પરત ફર્યા બાદ ગુકેશે તેને સાથ આપવા બદલ તમામનો આભાર માન્યો હતો. યુવા ખેલાડીને નજીકથી જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો એરપોર્ટ પહોંચ્યા હતા. ગુકેશે કહ્યું હતું કે તે અદભૂત છે. તમારા સમર્થનથી મને ઘણી ઉર્જા મળી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવી એ એક મહાન લાગણી છે. તેણે કહ્યું હતું કે ભારતમાં ટ્રોફીને પરત લાવવી ખૂબ મહત્વની છે. આ સ્વાગત બદલ આભાર. હું આશા રાખું છું કે આગામી થોડા દિવસોમાં આપણે સાથે મળીને ઉજવણી કરીને સારો સમય વિતાવીશું.
શાલ ઓઢાડીને સ્વાગત કરાયું
કામરાજ એરપોર્ટ પર પહોંચ્યા પછી તમિલનાડુની સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી અને તેની શાળા વેલામ્મલ વિદ્યાલયના સ્ટાફે ગુકેશને એરપોર્ટ લાઉન્જમાં શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. ગુકેશે તેની ચેસની સફર વેલામ્મલ સ્કૂલથી શરૂ કરી હતી.
ચાહકોનું અભિવાદન કર્યા પછી ગુકેશ ફૂલોથી શણગારેલી કાર પર પોતાના ઘરે જવા રવાના થયો હતો. તે પોતાના માતા-પિતા, સંબંધીઓ અને મિત્રો સાથે ઉજવણી કરવા ઘરે પરત ફરતા પહેલા તેણે મોગાપ્યેરની વેલામ્મલ સ્કૂલમાં મીડિયા સાથે વાત કરી હતી.
આવતીકાલે વલ્લાહજાહ રોડ પર સ્વાગત
ગુકેશના પિતા ઇએનટી સર્જન ડૉક્ટર રજનીકાંત સમગ્ર સ્પર્ધા દરમિયાન તેમની સાથે હતા જ્યારે તેમની પદ્માવતી અંતિમ રાઉન્ડ પછી સિંગાપોર પહોંચ્યા હતા. ગુકેશની માતા માઇક્રોબાયોલોજિસ્ટ છે. મંગળવારે વલ્લાહજાહ રોડ સ્થિત કલૈવનાર આરંગમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ખાસ આયોજિત પરેડ દ્વારા પ્રતિષ્ઠિત સભાગૃહમાં લઈ જવામાં આવશે.
આ પણ વાંચો : હું પૈસા માટે ચેસ રમતો નથીઃ ગુકેશે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી મન મૂકીને વાતો કરી
તમિલનાડુ સરકારે આપ્યા પાંચ કરોડ
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન ગુકેશને પાંચ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવા સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. ગુકેશની ઐતિહાસિક જીત પછી સ્ટાલિને ‘એક્સ’ પર લખ્યું હતું કે, “સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશની શાનદાર સિદ્ધિને માન આપવા માટે 5 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.
વર્લ્ડ ટાઈટલ જીતનાર બીજો ભારતીય
તેમની ઐતિહાસિક જીતે દેશને અપાર ગર્વ અને આનંદ આપ્યો છે. તે ભવિષ્યમાં ચમકતો રહે અને વધુ ઊંચાઈ સુધી પહોંચે. મહાન વિશ્વનાથન આનંદ પછી ગુકેશ વર્લ્ડ ટાઇટલ જીતનાર માત્ર બીજો ભારતીય છે. આનંદે અહીં તેની એકેડમીમાં ટીનેજરની રમતને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.