મહારાષ્ટ્રની કેબિનેટમાં અધધધ 20 મરાઠા પ્રધાન: એક મુસ્લિમ અને એક જ બ્રાહ્મણ
ઓબીસી, આદિવાસી, રાજપુત, દલિતોને પણ અપાયું સ્થાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની સરકાર પર મરાઠા સમાજનો દબદબો હોવાનું જોવા મળ્યું હતું. બે નાયબ મુખ્ય પ્રધાનો અને 18 પ્રધાનો સાથે લગભગ પચાસ ટકા ખાતા મરાઠા પ્રધાનોના હાથમાં છે. રાજ્યના બધા જ સમાજને પ્રધાન મંડળમાં સમાવિષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાતું હોવા છતાં મરાઠા સમાજનો દબદબો પ્રધાનમંડળ પર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રની સરકારનું રવિવારે જે વિસ્તરણ થયું તેમાં કુલ 39 પ્રધાનોને શપથ લેવડાવવામાં આવેલા જેમાં 33 કેબિનેટ કક્ષાના અને છ રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થાય છે. આની સાથે રાજ્યની કેબિનેટમાં કુલ પ્રધાનોની સંખ્યા 42 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં પ્રધાનોની મહત્તમ સંખ્યા 43 હોઈ શકે છે એટલે કે હજી કેબિનેટમાં એક પ્રધાનપદ રિક્ત રાખવામાં આવ્યું છે.
રાજ્યની કેબિનેટમાં ફક્ત એક જ મુસ્લિમ હસન મુશ્રીફને સ્થાન મળ્યું છે. બીજી તરફ ભાજપને જે ઓબીસીનો પક્ષ માનવામાં આવે છે તે ઓબીસી સમાજના ફક્ત 13 લોકોને પ્રધાનપદાં મળ્યા છે. બે કુણબી-મરાઠા છે જેમને ઓબીસીનો દરજ્જો મળ્યો છે, પરંતુ તેઓ મરાઠા સમાજના જ છે.
આ પણ વાંચો: ચૂંટણીમાં કારમી હાર કે અન્ય કોઇ કારણ, હિંદુત્વના એજન્ડા પર પાછી ફરી રહી છે ઉદ્ધવ ઠાકરેની સેના
કેબિનેટમાં બ્રાહ્મણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત ફક્ત ઉદય સામંતને સ્થાન આપવામાં આવ્યું છે, જે કાયસ્થ બ્રાહ્મણ સમાજના છે, જેમને વગદાર માનવામાં આવે છે.
રાજપુત સમાજના જયકુમાર રાવલને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મારવાડી અને જૈન સમાજના મંગલ પ્રભાત લોઢાને સ્થાન અપાયું છે. આદિવાસી સમાજના અશોક ઉઈકે અને નરહરિ ઝીરવાળને સ્થાન મળ્યું છે. એસસી એટલે કે દલિત સમાજના સંજય સાવકારે અને સંજય શિરસાટને કેબિનેટમાં સ્થાન અપાયું છે.
કૅબિનેટમાં આટલી મોટી સંખ્યામાં મરાઠા સમાજના લોકો હોવા છતાં મરાઠા અનામત માટે લડત આપી રહેલા મનોજ જરાંગે પાટીલે ફરી આંદોલન છેડવાની ચિમકી આપી છે.