રસોઈયો નહીં લૂંટારોઃ માંડવીને રેસ્ટોરાં કામ કરતો રસોઈયો એક નહીં 25 ગુનામાં છે વોન્ટેડ
ભુજ: કચ્છના બંદરીય માંડવીના કોડાય પુલ પાસેની જલારામ રેસ્ટોરન્ટમાં રસોઈયો તરીકે કામ કરતો ૩૨ વર્ષિય અનુજ ઊર્ફે અંતુ સુશીલકુમાર દિલ્હીનો ખૂંખાર વૉન્ટેડ લૂંટારો નીકળ્યો છે!.
દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચના તપાસકર્તાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અનુજ પર પૂર્વ દિલ્હીના સીલમપુર, સોનિયા વિહાર, નારેલા આઉટર, જાફરાબાદ સહિતના વિવિધ પોલીસ મથકોમાં છેલ્લાં દસ વર્ષમાં આર્મ્સ એક્ટ, લૂંટ, ચોરી, ચીલઝડપ વગેરે જેવા ૨૫ ગુના નોંધાયેલાં છે.
દિલ્હી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આઠ ગંભીર ગુનામાં વોન્ટેડ જાહેર કરેલા અને વર્ષ ૨૦૨૨થી ફરાર થઇ ગયેલા અનુજને પકડવા માટે છ મહિના અગાઉ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ખાસ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. આ ટીમે દિલ્હી, હરિયાણા,પંજાબ અને છેક રાજસ્થાન સુધી અનુજને ટ્રેક કરવા દોડધામ કરી હતી.
આ દરમ્યાન તે સીમાવર્તી કચ્છમાં છુપાયો હોવાનો ઇનપુટ મળતાં તેને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોડાય પોલીસની મદદથી જલારામ રેસ્ટોરન્ટમાંથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : વલો કચ્છ : ક્રાંતિતીર્થ ‘વીરાંજલિ ગેલેરી’નું આધુનિકીકરણ… ભુજ ઍરપૉર્ટને ‘ક્રાંતિકાર’નું નવું નામ?
દિલ્હી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, અનુજ ઉર્ફે અંતુ એક સારો રસોઈયો છે. માદક પદાર્થોનો બંધાણી બની તે લૂંટ અને ચોરીના રવાડે ચઢી ગયેલો. નિર્જન વિસ્તારો કે અંધારાવાળી જગ્યાએ તે રાહદારીઓને ટાર્ગેટ બનાવીને છરીની અણીએ લૂંટી લેતો. પોલીસની ધોંસ વધતા અંતુ દિલ્હીથી નાસીને રાજસ્થાન પહોંચ્યો હતો.
અહીં એક હોટેલમાં રસોયા તરીકે નોકરી કરતો હતો. પોલીસ પોતાને શોધતી હોવાની માહિતી મળી જતાં તે ત્યાંથી ભાગીને કોડાય આવ્યો હતો. પોલીસ સ્વજનોના ફૉન કૉલને ટ્રેસ કરતી હોઈ અંતુએ સ્વજનો સાથે ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું હતું. કોઈ અગત્યનું કામ હોય તો ક્યારેક ૧૦૦ કિલોમીટર દૂરનો પ્રવાસ ખેડીને ફોન પર સંપર્ક કરતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરીતો સહિતના આવા અનેક ખૂંખાર ગુનેગારો આશ્રય લેતાં ઝડપાયેલાં છે.