ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

અલખનો ઓટલો : ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો રે…..

-ડૉ. નિરંજન રાજ્યગુરુ

હે જી મારા હૈયામાં હ૨ખ ન માય રે ગુરુજી મારા

ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો….૦
સતસંગનો ચીચૂડો માંડીયો, માંય શબદની શે૨ડી પીલાય,
રહસ્ય રૂપી ૨સ નીસરે, એ જી એની ભાવેથી કુંડીયું ભરાય રે.. ગુરુજી મારા

ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો….૦
કાયા રૂપી કડા બનાવી, વળી ઠીક કરી ઠેરાય,
કૂડ કપટના બળતણ બાળતાં, એ જી એમાં અનુભવ ૨સ તો ઉભરાય રા..ગુરુજી મારા

ગુરુ મારા ચીચૂડો કીધો રા તમે સાબદો….૦
ધરમ નામની માં ય ધ્રુબકી પડી, અને ગુણ રૂપી ગોળ પક્વાય,
કબુદ્ધિની કામશ ઉતા૨વા, એ જી એમાં પ્રેમની પાવડીયું ફેરાય રે.. ગુરુજી મારા

ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો….૦
ગોળ ખાવા અનેક જણ ઉમટ્યા, ઈ તો આવ્યા અખેડાની માંય,
દાસી જીવણ સત ભીમનાં શ૨ણાં, પછી મારા મનના માટલાં ભરાય રે.. ગુરુજી મારા

ગુરુ મારા ચીચૂડો કીધો રે તમે સાબદો….૦
સંતકવિ દાસી જીવણસાહેબના નામાચરણ સાથે લોકભજનિકોમાં ખૂબ જ લોકપ્રિય થઈને વારંવા૨ ગવાતું આ ભજન લોકજીવનના અનુભવો તથા કૃષિ સંસ્કૃતિની પરિભાષા સાથે સંકળાયેલું છે. દાસી જીવણ ગાય છે: કે હે મારા ગુરુજી તમે સત્સંગ રૂપી ચીચૂડો સાબદો કીધો છે તેથી મારા હૈયામાં હરખ થાય છે.

જેમાં સતના શબદ રૂપી મીઠી મધુરી શે૨ડી પીલાય છે અને એમાંથી તત્ત્વજ્ઞાન-આત્મજ્ઞાનના રહસ્ય રૂપી રસ નીકળી ૨હ્યો છે, જેની સેવા અને શ૨ણાગતિના ભાવથી કુંડી ભરાઈ ૨હી છે. પછી આ શરીર-પિંડ-કાયા રૂપી કડામાં એ રસ ઠાલવીને સાધનાની ભઠ્ઠી ઉપ૨ પકાવવામાં આવે છે.

કૂડ કપટ રૂપી બળતણ બાળીને અનુભવનો રસ ઊભરાતો ૨હે છે. એમાં સતધ૨મની ધ્રુબકી પડે અને સદ્ગુણનો ગોળ પકાવતાં કુબુદ્ધિના મેલ-કામશને કાપવા પ્રેમ રૂપી પાવડિયું ફે૨વવામાં આવે છે. આવા આત્મજ્ઞાનના ગોળને ખાવા માટે અનેક સંતો-ભક્તો આંગણે આવી ૨હ્યા છે. ત્યારે દાસી જીવણ સત્ગુરુ ભીમસાહેબની કૃપાથી એનું શ૨ણ લઈને દાસી જીવણ પોતાના મનના માટલાં ભરી રહ્યા છે.

‘લોકજીવનના મોતી’ પુસ્તકમાં શ્રી જોરાવ૨સિંહ જાદવે સિચુડા કે ચીચૂડા દ્વારા પીલાતા શે૨ડીના ૨સ અને એમાંથી બનતા ગોળ તથા એ પ્રસંગ સાથે જોડાયેલ સાહિત્ય વિશે અઢળક માહિતી આપી છે.

આપણે ત્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શે૨ડીનો મબલખ પાક થાય છે. ગામડા ગામના ખેડૂતો શે૨ડીનો વાઢ કરી સિચોડો બેસાડી ગોળ પક્વે છે. આજે જૂનાગઢ, સોમનાથ, ઊના, વેરાવળ, કોડિના૨ વગેરે વિસ્તારોનાં ગામડામાં શે૨ડીની મોસમમાં ગોળના રાબડાં જોવા મળે છે.

Also Read – ગીતા મહિમા : આસ્તિકતાનું ઊંડાણ

મશીનથી શે૨ડી પીલતાં રાબડાં, ખેડૂતો સાથે ગોળના વેપારીઓ પણ જોવા મળે છે. યંત્રોનો પગપેસારો થયો તે પહેલા સૌરાષ્ટ્રના ગામડા ગામના નાના ખેડૂતો શે૨ડીનો વાઢ કરી સિચોડાં માંડી દેશી ગોળ પક્વતા. આજે તો સિચોડો કે ચીચૂડો શબ્દ જ આપણને સાવ અજાણ્યો લાગે છે.

સિચોડો એટલે કોલું-શે૨ડી પીલવાનું એક યંત્ર. દેશી સિચોડો બાવળનાં લાકડા કે લોઢામાંથી બને છે, સિચોડે જોડેલા બે કે ચા બળદો ગોળ ગોળ ફ૨તાં જાય. સિચોડામાં બાથ ભરીને શે૨ડી ઓ૨ાતી જાય. શે૨ડીનો વાઢ, સિચોડો અને ગોળ ખાવાનો આનંદ ખેડૂત પિ૨વા૨નો જ નહીં પણ સમગ્ર ગામ અને સગાંવહાલાઓનો સહિયા૨ો ઉત્સવ બની ૨હેતો.

સિચોડાનું મહત્ત્વ માંગલિક પર્વ જેવું હોય, અખેડામાં માંડવો, બે ચૂલ્યો, બે થાળા, ૨સની કૂંડી, હાથ ધોવા પાણીની હોજ હોય એ ભાગ અખેડા તરીકે ઓળખાય.

ગણેશનો અખંડ દીવો પ્રગટાવી અખેડાની ચૂલમાં ઘી નાખી અગ્નિ પ્રગટાવવામાં આવે. બળદોના કપાળે ચાંદલા કરી સિચોડાની જાંગીએ જોડવામાં આવે. શે૨ડી પીલવાનો મંગળ પ્રારંભ થાય. સિચોડામાં શે૨ડી ઓરાય, પિલાયેલી શે૨ડીના ૨સથી કૂંડી ભરાય જાય,

અખાડે ગોળ પક્વવા માટે ગરાળા અર્થાત્ ગોળ પકાવના૨ માણસોની આખી ટુકડી હાજ૨ હોય. સિચોડો ચાલું થતાં શે૨ડીના ૨સની કૂંડી ભરાય જાય એટલે ગરાળો કડામાં ૨સ ઉકાળવા માંડે. પછી કડા ધુબક્યિે પડે અર્થાત્ તાવડાના ઊકળતા ૨સમાં ભમ્મિ૨યું પડે ને છાંટા ઊડવા માંડે એટલે ઠંડું પાણી નાખી, માંડવે મૂકેલા ઘીના લોટામાંથી આંગળી ઘી લઈ ગોળ રાંધવાની પાવડીને લગાડી શુકન કરી, ગોળને હલાવે કડા પાકી જાય પછી ચૂલ્યેથી નીચે ઉતારી થોડી ઠંડી થવા દઈ થાળે લઈ જાય ને થાળામાં ઠાલવે, ઈ વખતે લાકડાના હાથલા વડે થોડોક ગોળ લઈ માંડવે બેસાડેલા ગણપતિને ધરાવે. ગોળને હાથ ન અડાડે. પછી પકાવેલા ગોળના ભેલા-ભેલિયું બનાવે પહેલી કડામાં પક્વેલો ગોળ ઘરધણી ન વાપરે. એને ધર્માદામાં આપી દેવાની ખેડૂતોની વણલખી આચા૨સંહિતા.

આવો કાઠિયાવાડનો કણીદા૨ લીલછોયો ગોળ ખંતેથી ખાઈએ છીએ, પણ ગોળ બનાવવાની પ્રક્રિયા આપણે ભાગ્યે જ જાણીએ છીએ. ગળચટ્ટા ગોળની સાથે જોડાયેલ સિચોડો અને એની સાથે જોડાયેલ કૃષિ સંસ્કા૨ અને સંસ્કૃતિથી નવી પેઢી માહિતગા૨ થાય એ માટે સંતસાહિત્યમાં લોકજીવન કઈ ૨ીતે વણાયું છે તેની વાતો પણ આપણે લેતા ૨હીએ છીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button