ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

આચમન : શોચી સમજીને કરેલો દરેક વિચાર મનુષ્યના કર્મ ગણાય

-અનવર વલિયાણી

માનવજન્મની ઘટમાળની સમજૂતી કર્મના સિદ્ધાંત અને પૂનર્જનમના સિદ્ધાંતમાંથી મળે છે, અને એટલે જ
-કર્મના સિદ્ધાંતની સરળ રજૂઆત એટલે

  • ‘વાવે તેવું લણે.’
  • બાવળ વાવીએ તો કાંટા જ ઊગે, આંબા નહીં જ!
  • દરેક કાર્યની અસર ઉદ્ભવે છે.
  • દરેક ક્રિયાની તેને સમાન પ્રતિક્રિયા હોય છે.
  • કર્મભૂમિમાં ઈન્સાન વાવેતર કરે છે અને પોતે જ લણે છે અને આમ ફરી ફરી કર્મની ઘટમાળમાં પડે છે.
    પરમપૂજ્ય સ્વામીશ્રી ચિદાનંદજી કહે છે કે-
  • આ નિયમ માત્ર બાહ્ય પ્રવૃત્તિ પૂરતો જ સીમિત છે- મર્યાદિત છે તેવું નથી, તેની હજુ વધુ ખુલાસાવાર સમજ આપતા ચિદાનંદ સ્વામીશ્રી કહે છે કે, દરેક બાહ્યક્રિયાનું બીજ વિચારમાં છે.
    -વિચાર બીજ બ્રાહ્યક્રિયામાં પરિણમે કે નહીં છતાં જાણી જોઈને કરેલો દરેક વિચાર મનુષ્યના કર્મ તરીકે ગણાય છે.
    -કર્મનો સિદ્ધાંત અખૂટ આશાનો જનક છે અને તે સમજાવે છે કે માનવીનું પ્રારબ્ધ તેના પોતાના હાથમાં છે, બીજા કોઈના જ નહીં.
  • માનવી પોતે જ તેના ભાવિનો ઘડવૈયો, નિર્માતા અને માલિક છે.
  • કર્મનો સિદ્ધાંત માનવીને પોતાના આદર્શ પ્રમાણેનાં યોગ્ય કર્મોનું વાવેતર કરવા પ્રેરણા આપે છે.
  • તેને ખરાબ કર્મો કરવા કોઈ બળજબરી કરતું નથી.
  • તેણે પોતે જ પોતાના વિચાર, વર્તન અને કર્મો અંગે સાવધ રહેવાનું છે.
    યાદ રહેવું ઘટે કે દેહાધ્યાસથી પર થઈ જેને પોતાના શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ થાય છે તેને આ નિયમ સ્પર્શતો નથી અને તે કર્મબંધનના ચક્રમાંથી મુક્તિ મેળવે છે.
    -તેથી પૂર્ણ બનો અને કર્મબંધન ચક્રમાંથી મુક્તિ મેળવો.
    કર્મયોગ:
    ત્રણ બાબત ધ્યાનમાં રાખો:
    ૧-કામ શરૂ કરતાં પહેલાં કલ્પના કરો અને અનુભવો કે તમે જે
    કાંઈ કર્મ કરવાના છો તે ઈશ્વરના વિરાટ સ્વરૂપના આવિષ્કારની ભવ્ય પૂજા છે.
    ૨- કામ કરતી વખતે એમ માનો કે તમે તેના કર્તા નથી. પરમાત્માની સર્વવ્યાપી શક્તિ તમને નિમિત્ત બનાવી તમારી મારફત વહે છે.
  • કર્તૃત્તભાવ સદંતર નિર્મૂળ કરો, નિમિત્ત-ભાવ કેળવો.
    ૩- કર્મ પૂરાં થાય ત્યારે ઊંડા ભાવથી હૃદયપૂર્વક ઈશ્વરને સમર્પિત કરો.
  • દિવસના અંતે આખા દિવસ દરમિયાન કરેલી બધી પ્રવૃત્તિ કૃષ્ણાર્પણ કરો.
  • આમ તમારી બધી પ્રવૃત્તિ પ્રભુની પૂજા બની જશે.
  • આ ભાવને તમારા જીવનનો એક કાયમી અંશ બનાવો.
  • તમારું સમગ્ર જીવન ઈશ્વરની નિરંતર આરાધના બની જશે.
  • તમને સર્વત્ર સદા ઈશ્વરનો અનુભવ થશે.
    સનાતન સત્ય
  • ફળની આશા સિવાય,
  • બદલાની અપેક્ષા સિવાય,
  • કર્તૃત્વની ભાવના સિવાય અને
  • આસક્તિ સિવાય
  • કરેલી નિ:સ્વાર્થ પ્રવૃત્તિ કર્મયોગ છે
  • ઈશ્વર તમને-આપણે સૌને આ આંતરિક સનાતન સત્ય સમજવાની દૃષ્ટિ આપે, તૌફિક (ભક્તિ, શક્તિ, ઈશ્વરકૃપા, શ્રદ્ધા, સામર્થ્ય) આપે.

Also Read – ચિંતન : સમાવેશીય સનાતની વિચારધારા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button