વિશ્વની બીજી પ્રત્યેક વિચારધારા માત્ર એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય તેમ જણાય છે. તેની સરખામણીમાં સનાતની વિચારધારા, સનાતની આધ્યાત્મ, આ ક્ષેત્રની દરેક સંભાવનાઓને જાણે પોતાની અંદર સમાવી લે છે. અહીં કોઈ એક આખરી પુસ્તક નથી, અહીં કોઈ એક અંતિમ વિધાન નથી, અહીં કોઈ એક ઇષ્ટદેવ નથી, અહીં કોઈ એક ગુરુ નથી, અહીં કોઈ એક માત્ર પરંપરા નથી.
જે પણ માર્ગે આગળ વધી શકાય એ માર્ગ અહીં સ્વીકૃત છે. જરૂરી એ છે કે અંતે વ્યક્તિ ‘પરમ’ને પામે, ‘સ્વયં’ના સત-ચિત-આનંદ સ્વરૂપને જાણે અને તેમાં અંતે સ્થિત થાય.
અહીં વેદ પણ ચાર છે, ઉપનિષદ ૧૦૮ જેટલા છે, માન્ય દર્શન ૬ પ્રકારના છે, ૧૮ પુરાણો છે, ભગવદ્ ગીતા સાથે અન્ય ગીતાઓ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે જેમાં અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા,
બ્રહ્મ ગીતા વગેરેનું વિશેષ મહત્ત્વ છે. વિષ્ણુના અવતાર પણ ૧૦ છે. એકંદરે અહીં કોઈ એક વિચારધારાની વાત નથી. સનાતનની સંસ્કૃતિ સમાવેશીય છે. અહીં શૈવ, વૈષ્ણવ અને શાક્ત એ ત્રણેય પરંપરા સમાન રીતે સ્વીકૃત છે.
અહીં ભક્તિમાર્ગનું પણ આગવું મહત્ત્વ છે, તો જ્ઞાનને પણ પરમ સ્થિતિ પામવાનું એક અગત્યનું સાધન ગણાવાયું છે.
નિષ્કામ કર્મનું પણ એટલું જ મહત્ત્વ છે અને સાથે સાથે યોગથી પણ પૂર્ણતાને પામી શકાય તેમ સ્થાપિત થયેલું છે. અહીં સેવા-દાનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ધ્યાન-તપનું પણ છે.
અહીં સંન્યાસ માર્ગ દ્વારા મુક્તિની પ્રાપ્તિ માટે માર્ગ નિર્ધારિત કરાયો છે તો સાથે સાથે ગૃહસ્થ પણ, તટસ્થતા અને સાક્ષીભાવે, સામાજિક ઉત્તરદાયિત્વ પર નિભાવતા નિભાવતા તેજ સ્થિતિને પામી શકે છે તેમ સ્થાપિત કરાયું છે. સમગ્ર વિશ્ર્વને જ્યારે એક કુટુંબ માનવામાં આવે ત્યારે દરેક સભ્યને તેની રૂચિ પ્રમાણે જે તે માર્ગ પસંદ કરવાની અહીં સ્વતંત્રતા છે.
અહીં માત્ર આત્માનું જ અસ્તિત્વ છે એનું માનવું હોય તો તેમ માનીને પણ માર્ગ પર આગળ વધવાની મંજૂરી છે. જો આત્મા અને પરમાત્માને ભિન્ન માનવા હોય તો તે પણ માન્ય છે. જો આત્મા, પરમાત્મા સાથે પ્રકૃતિનું અસ્તિત્વ પણ એટલું જ મહત્ત્વનું છે તેમ સ્થાપિત કરીને આગળ વધવું હોય તો તેની પણ મંજૂરી છે. હું સ્વયં બ્રહ્મ છું એવી ધારણા કે ક્ષર-અક્ષર અને પરમાત્મા ભિન્ન ભિન્ન છે
તેવી ધારણા, અને એવી બધી જ ધારણા અહીં સ્વીકૃત છે. અગત્યનું ‘પરમ’ સ્થિતિને પામવાનું છે. માર્ગ ગમે તે હોય અંતે તો લક્ષ્ય ‘તે’ એક જ રહેશે.
સનાતની સંસ્કૃતિમાં, સનાતની આધ્યાત્મમાં ‘વિચાર’નું મહત્ત્વ છે. અહીં વિચારની જાગૃતિને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં પ્રશ્ર્નોત્તરી દ્વારા શિષ્યને સંદેશો પહોંચાડાય છે. પ્રશ્ન જરૂરી છે, પ્રશ્ન મહત્ત્વનો હોય તે જરૂરી છે, પ્રશ્ન ઘૂંટાયેલો હોય તે જરૂરી છે, પ્રશ્નની તીવ્રતા અને અગત્ય પણ એટલી જ જરૂરી છે. પ્રશ્નથી જવાબ ઉદ્ભવે અને આવા જ જવાબોના સમૂહરૂપે સનાતની શાસ્ત્રોનું સર્જન થયું છે.
સનાતની વિચારધારાના મૂળમાં પ્રશ્ર્ન છે. પ્રશ્ર્નના મૂળમાં ચોક્કસ પ્રકારનું ચિંતન હોય. આવા ચિંતન પાછળ ‘મૂળ’ સુધી પહોંચવાનો આશ્રય હોય. પ્રશ્ર્નાર્થી માટે આવા પ્રશ્ર્નો ક્યારેક જીવન મરણની બાબત જેવો હોય. આ પ્રશ્ર્નો એવા હોય કે જેના જવાબ માટે યોગ્ય વ્યક્તિ શોધવી જ પડે. આ યોગ્ય વ્યક્તિ એટલે ગુરુ.
ગુરુ પરંપરામાં ગુરુઓની ‘શીખ’માં પણ ભિન્ન ભિન્ન ‘કેન્દ્રબિંદુ’ હોય. પ્રત્યેક ગુરુ એક વિશેષ ‘બ્રહ્મ-વાક્ય’ આધારિત શિક્ષા આપે. ક્યાંક ‘અહમ્ બ્રહ્માસ્મિ’ તો ક્યાંક ‘પ્રજ્ઞાનમ્’ બ્રહ્મની આસપાસ જ્ઞાન વણાયેલું હોય. અંતે તો બંને એક જ સ્થાને પહોંચાડે, પરંતુ પ્રારંભમાં અને માર્ગમાં ક્યાંક ભિન્નતા હોય. આ ભિન્નન્નતા માન્ય પણ છે અને જરૂરી પણ. આવી સ્વતંત્રતા માત્ર સનાતની આધ્યાત્મ, સનાતનની સંસ્કૃતિ આપે છે.
અહીં વાલિયા લૂટારાને ‘રામ’ નામનો મંત્ર આપવામાં આવે છે જ્યારે એ જ નારદ મુનિ દ્વારા ધ્રુવને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર-દાન કરાય છે. બંનેના હેતુ ભિન્ન છે, અને તેથી બંનેના માર્ગ ભિન્ન રહેવાના. યોગ્ય ગુરુ વ્યક્તિની ક્ષમતા, માનસિકતા, લક્ષ્ય, તત્પરતા તથા સ્થિતિ પ્રમાણે માર્ગદર્શન આપે.
Also Read – શિવ રહસ્ય: આરાધ્ય બંધાયેલા હોય છે આરાધકથી, આરાધક જે વરદાન માગે તે આપવું જ રહ્યું
દરેક વ્યક્તિની ક્ષમતા ભિન્ન ભિન્ન હોય, તે ચોક્કસ સમયગાળામાં પરિણામ મેળવવા આતુર હોય, તેની મનોભૂમિકા પણ વિવિધતા ધરાવતી હોય, દરેક શિષ્યનું લક્ષ્ય પણ ભિન્ન ભિન્ન હોય અને તે લક્ષ પ્રાપ્ત કરવાની તેમની તત્પરતા અને તે માટેની સંલગ્ન તીવ્રતા પણ અલગ હોય, સાથે સાથે તેની સામાજિક-કૌટુંબિક-આર્થિક-વ્યક્તિગત સ્થિતિ પણ ભિન્ન ભિન્ન હોય, તો પછી માર્ગમાં ભિન્નતા તો સ્વાભાવિક છે. સનાતનની સંસ્કૃતિ આ ભિન્નતાને સ્વીકારે છે અને તેમને ઉત્સવિય બનાવી કાર્યક્ષમ સ્વરૂપે રૂપાંતરિત કરે છે.
આવી સ્વતંત્રતાને કારણે ક્યાંક નકારાત્મક બાબતો પણ પ્રવેશી જાય. તેથી કેટલાક દર્શન એવા છે કે જેને વેદોનું પ્રમાણ નથી. મજાની વાત એ છે કે તેને પણ દર્શન તરીકે સ્વીકારાયા છે, આ તે દર્શન ‘નાસ્તિક’ ગણાય. અહીંથી એમ તો સ્થાપિત થાય છે જ કે સનાતનની સંસ્કૃતિમાં બધું જ સ્વીકાર્ય જ નથી, જેના આધાર તરીકે વેદ-સિદ્ધાંત હોય તે પ્રત્યેક માર્ગ અહીં માન્ય છે.
આ પણ એક વિશાળ સંભાવના આપે છે. સંભાવનાઓનું આ ક્ષેત્ર, તેનો વિસ્તાર, તેનો ગાળો તથા તેમાં સમાવિષ્ટ બાબતોની વિશાળ સૂચિ જોતા એમ સ્પષ્ટ થાય છે કે આ સંસ્કૃતિમાં કોઈપણ બાબત શેષ રાખવામાં નથી આવી. પરમ સ્થિતિને પહોંચવા માટેના પ્રત્યેક સંભવિત માર્ગનો અહીં સમાવેશ કરાયો છે. આ સંસ્કૃતિની આ સમૃદ્ધિ પણ છે અને તેમાં લક્ષ્ય-પરાયણતા પણ છે.
છતાં પણ સમજવાની વાત એ છે કે અહીં જે તે સંભાવના ત્યારે માન્ય બને જ્યારે એ સંભાવના સમર્થ ગુરુ દ્વારા સ્વીકૃત કરાયેલી હોવી જોઈએ. કોઈપણ વ્યક્તિ દ્વારા પ્રચારિત કરાયેલી કોઈપણ વિચારધારા એટલી સહજતાથી માન્ય નથી થતી. સિદ્ધ મહાપુરુષ દ્વારા માન્ય વિચારધારા અહીં માન્ય છે, અને તે માટે પણ સંભાવનાઓ અપાર છે.