રૂ.35ની કિંમતની આમલીનું પેકેટ સુપર માર્કેટને રૂ.55,000માં પડ્યું
જાગો ગ્રાહક જાગો કહેવાય છે, પરંતુ સ્વાભાવિક રીતે ગ્રાહકો જાગતા નથી. નાની નાની તો શું મોટી છેતરપિંડી સામે પણ મોટા ભાગના ગ્રાહકો કન્ઝ્યુમર કોર્ટ કે પોલીસ સ્ટેશને જતા નથી. પણ આ ગ્રાહક જ્યારે જાગે ત્યારે છેતરનારને ભારે પડતું હોય છે. આવી જ ઘટના વડોદરા ખાતે બની છે જેમાં એક ખૂબ જ જાણીતા સુપર માર્કેટ જે એક મોટી બ્રાન્ડ હેઠળ કામ કરે છે, તેને કન્ઝ્યુમર કોર્ટે પાઠ ભણાવ્યો છે.
શહેરની એક સુપરમાર્કેટમાં વર્ષ 2017માં આમલીના પેકેટ પર દોઢ રૂપિયો ગ્રાહક પાસેથી વધારે વસૂલ્યો હતો. અહીં 200 ગ્રામના પેકેટ પર 1.5 રૂપિયા વધુ વસૂલવામાં આવતા હતા. જોકે એક જાગૃત નાગરિકને આ અંગે ખબર હતી કે, આવા પેકેટ્સ પર આવી રીતે ચાર્જ વસૂલવા એ ગેરકાયદેસર છે.
આથી તેણે આ અંગે સ્ટાફને જાણ કરી કે, આ પેકેટ પરની પ્રિન્ટેડ કિંમત 35.5 રૂપિયા છે. તેમ છતાં ગ્રાહકો પાસેથી 37 રૂપિયા લેવામાં આવે છે. તેમણે આ અંગે અવાજ ઉઠાવ્યો છતાં તેમની સમસ્યાનો કોઈ અંત ન આવ્યો. ગ્રાહકોને થતા અન્યાયને લઈ તેમણે ઑગસ્ટ-2017માં સુપર માર્કેટ સામે દાવો માંડ્યો હતો. આ વિવાદના 6 વર્ષ બાદ આખરે ગ્રાહકના પક્ષમાં ચૂકાદો આવ્યો હતો.
વડોદરા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર રિડ્રેસલ કમિશને સુપરમાર્કેટને આદેશ આપ્યો કે, તેઓ 1.5 રૂપિયા 9 ટકાના વ્યાજ સાથે તેમને પરત કરે. સુપરમાર્કેટે આમલીના પેકેટ પર ગ્રાહક પાસેથી 1.5 રૂપિયા વધુ વસૂલ્યા હતા.
ઉપરાંત કમિશને કહ્યું કે કંપની પોતાની પ્રોડક્ટ પર વધુ ચાર્જ લગાવીને તેનું વેચાણ કરી ગ્રાહકો પાસેથી મોટો નફો કમાઈ રહી છે. આથી તેમણે કંપનીને ગ્રાહક કલ્યાણ ફંડમાં પણ રૂ.50,000ની રકમ જમા કરવા આદેશ આપ્યો છે. આ સાથે કાયદાકીય ખર્ચ પેટે રૂ. 5,000 ફરિયાદી ગ્રાહકને આપવા પણ આદેશ કર્યો છે.