ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

શિવ રહસ્ય: આરાધ્ય બંધાયેલા હોય છે આરાધકથી, આરાધક જે વરદાન માગે તે આપવું જ રહ્યું

-ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
પ્રસન્ન ભગવાન શિવ દુન્દુભિનિર્હાદને વરદાન આપવા વિંદ્યાચલ પવત પર પહોંચે છે. વરદાન માગતા દુન્દુભિનિર્હાદ કહે છે, ‘હે દેવાધિદેવ તમે વરદાન આપવા જ માગતા હો તો મને એવું વરદાન આપો કે હું વનમાં વનચર બની શકું, જળમાં જળચર બની જાઉં અને રાત્રે વાઘ બની શકું.’ ભગવાન શિવ ‘તથાસ્તુ’ કહી ત્યાંથી વિદાય લે છે.

વરદાન મળતાં અસુર માતા દિતિની આજ્ઞાથી બ્રાહ્મણોના પ્રધાન સ્થાન વારાણસી પર હુમલો કરે છે અને બ્રાહ્મણોને મારવા માંડે છે. કાશી પહોંચી વનમાં વનચર બનીને સમિધા લેનાર, જળમાં જળચર બનીને સ્નાન કરનાર અને રાત્રે વાઘ બનીને સૂતેલા બ્રાહ્મણોને ખાવા માંડે છે.

બ્રાહ્મણો પર થઈ રહેલા અત્યાચારથી ત્રાહિત ઋષિ દધિચી કૈલાસ પહોંચે છે. દુ:ખી ઋષિ દધિચીને જોઈ ભગવાન શિવ કહે છે, ‘હવે સમય આવી ગયો છે તેને હું દંડ અવશ્ય આપીશ.’ ક્રોધાયમાન ભગવાન શિવ દુન્દુભિનિર્હાદને શોધે છે અને રાત્રે વાઘના રૂપમાં દેખાતાં જ પોતાની બગલમાં દબાવી દે છે અને તેના માથા પર વજ્રથી પણ કઠોર મુક્કો મારે છે.

એ મુષ્ટિપ્રહારથી તથા બગલમાં દબાવાથી તે અત્યંત વ્યથિત થઈ ગયો અને પોતાની ગર્જનાથી પૃથ્વી અને આકાશને કંપાવતો મૃત્યુને વર્યો. સમગ્ર વારાણસી પંથકના બ્રાહ્મણો ભગવાન શિવના ચરણમાં પડયા અને જયજયકાર કરતાં એમની સ્તુતિ કરવા લાગ્યા.

ભગવાન શિવ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપતાં બોલ્યા કે, જે મનુષ્ય અહીં આવીને મારા આ રૂપનાં દર્શન કરશે, નિસ્સંદેહ હું એનાં બધાં પાપોને નષ્ટ કરી દઈશ. જે માનવ મારા આ વ્યાઘ્રેશ્ર્વર ચરિત્રને સાંભળીને અને હૃદયમાં મારા આ લિંગનું સ્મરણ કરીને સંગ્રામમાં પ્રવેશ કરશે એને અવશ્ય વિજયની પ્રાપ્તિ થશે. જે મનુષ્ય વ્યાઘ્રેશ્ર્વરના પ્રાગટ્ય સંબંધી આ પરમોત્તમ ચરિત્રને સાંભળશે અથવા બીજાને સંભળાવશે તે પોતાનાં સમસ્ત મનોવાંછિત ફળ મેળવી મોક્ષને વરશે. આ શિવલીલા સંબંધી આ અનુપમ વ્યાખ્યાન સ્વર્ગ, યશ અને લાંબુ આયુષ્ય આપનાર તથા પુત્રપૌત્રની વૃદ્ધિ કરનારું છે.’


બીજી તરફ દેવર્ષિ નારદની આરાધનાનો સ્વર સમગ્ર સંસારમાં પહોંચવા લાગ્યો. ત્વષ્ટા ઋષિને એ સ્વરથી કંપન થવા લાગી.
ત્વષ્ટા ઋષિ: ‘હે માતા શક્તિ હે ભગવાન શિવ, મને દેવર્ષિ નારદના સ્વરનો ભય લાગવા માંડયો છે, મારી ભૂલ થઈ હતી. હું તેમને શ્રાપથી મુક્ત કરવા માગું છું. જો મેં સંસારમાં ધર્મ અને ભક્તિ ફેલાવવા કોઈ યોગદાન આપ્યું હોય તો એ મારા કર્મનું ફળ દેવર્ષિ નારદને મળે અને તેઓ ફરી માનવમુખ પ્રાપ્ત કરે.’

આટલું સાંભળતાં જ ભગવાન શિવ ‘તથાસ્તુ’ કહે છે. એ જ ક્ષણે દેવર્ષિ નારદ વાનરમુખથી માનવમુખ પ્રાપ્ત કરે છે. પોતાને ફરી માનવમુખ મળતાં તેઓ કૈલાસ પહોંચે છે અને માતા પાર્વતી અને ભગવાન શિવના ચરણે આશીર્વાદ લઈ બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે.


બ્રહ્મલોક ખાતે પોતાના માનસપુત્રને આવેલા જોઈ માતા સરસ્વતી અને બ્રહ્માજી તેમને આવકારે છે.
માતા સરસ્વતી: ‘પુત્ર નારદ તમને ઘણા વખતે અહીં જોઈ આનંદિત થઈ છું.’
બ્રહ્માજી: ‘પુત્ર નારદ આપ ફરી માનવમુખ સાથે આ સંસારમાં ધર્મના પ્રચાર માટે કાર્યરત થઈ જાઓ એવી મારી ઇચ્છા છે, પણ તે પહેલાં વૈકુંઠધામ જઈ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ લો.’

દેવર્ષિ નારદ: ‘જેવી તમારી આજ્ઞા.’ આટલું કહી માતા સરસ્વતી અને બ્રહ્માજીને નમસ્કાર કરી ત્યાંથી વિદાય લઈ વૈકુંઠધામ તરફ પ્રયાણ કરે છે.


વૈકુંઠધામ ખાતે પોતાના પરમ ભક્તને પધારેલા જોઈ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ આનંદિત થઈ ઊઠે છે.
માતા લક્ષ્મી: ‘દેવર્ષિ નારદ વૈકુંઠલોકમાં તમારું સ્વાગત છે, પણ તમારો નારાયણ.. નારાયણ..નો સ્વર સંભળાયો નહીં.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘હા નારદ, હું ઇચ્છુ છું કે તમે પહેલાંની જેમ જ ફરી નારાયણ.. નારાયણ…ના સ્વર સાથે પૃથ્વીલોક પર ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત થઈ જાઓ.’

પ્રસન્ન દેવર્ષિ નારદ નારાયણ.. નારાયણ…ના સ્વર સાથે પૃથ્વીલોક તરફ આગળ વધે છે.


બીજી તરફ ઋષિ ત્વષ્ટા માતા શક્તિ પાસેથી વરદાન મેળવે છે કે તેઓને યજ્ઞમાંથી એક પુત્ર મળશે જે સમસ્ત સંસારમાં અસુરોના ભટકી રહેલા આત્માઓના સંયોજનથી બનેલો હશે અને તે બળશાલી અને વિનાશકારી હશે. વરદાન મળતાં ઋષિ ત્વષ્ટા યજ્ઞકુંડમાં પુત્ર કામનાથી આહુતિ આપવાનું શરૂ કરે છે થોડા જ સમયમાં સમસ્ત સંસારની ભટકી રહેલી આત્માઓ એક પછી એક યજ્ઞકુંડમાં પ્રવેશ કરે છે. ભટકતી આત્માઓનું પ્રવેશવાનું બંધ થતાં એક મહાકાય અસુર પ્રગટ થાય છે અને કહે છે, ‘પિતાશ્રી આપની સેવામાં આપનો પુત્ર વૃત્રાસુર હાજર છે. આદેશ આપો મારે શું કરવાનું છે.’

ઋષિ ત્વષ્ટા: ‘વૃત્રાસુર હું ઇચ્છુ છું કે સ્વર્ગલોકમાં વસતા દેવરાજ ઇન્દ્ર અને દેવગણોના અહંકારનો વિનાશ થાય.’
વૃત્રાસુર: ‘પિતાશ્રી જેવી તમારી આજ્ઞા, હું તુરંત સ્વર્ગલોક પર આક્રમણ કરી દેવરાજ ઇન્દ્ર અને દેવગણોનો નાશ કરીશ.’
ઋષિ ત્વષ્ટા: ‘નહીં પુત્ર હું ઇચ્છુ છું કે પહેલાં તમે એક અજ્ઞાત સ્થળે બ્રહ્માજીની આરાધના કરી વરદાન મેળવો અને ત્યાર બાદ સ્વર્ગલોક પર રહેતા સમસ્ત દેવગણનો વિનાશ કરો.’

વૃત્રાસુર: ‘અવશ્ય પિતાશ્રી તમારી આજ્ઞા મુજબ બ્રહ્માજી પાસે વરદાન મેળવી દેવરાજ ઇન્દ્ર અને દેવગણોનો નાશ કરીશ.’
વૃત્રાસુર એક અજ્ઞાત સ્થળે બ્રહ્માજીની આરાધના કરવા માંડે છે. ઘણાં વર્ષોની તપસ્યા બાદ વૃત્રાસુરનો સ્વર સ્વર્ગલોક સુધી પહોંચવા માંડે છે. ગભરાયેલા દેવરાજ ઇન્દ્ર બ્રહ્મલોક પહોંચે છે.

દેવરાજ ઇન્દ્ર: ‘બ્રહ્માજીની જય હો. વૃત્રાસુર તમારી પાસેથી વરદાન મેળવવા તપસ્યા કરવા લાગ્યો છે, તેનો સ્વર બ્રહ્મલોક સુધી પહોંચી જાય તોપણ સ્વર્ગલોકની સુરક્ષા હેતુ તમે એને વરદાન આપશો નહીં.’

બ્રહ્માજી: ‘દેવરાજ એ કઈ રીતે શક્ય છે, આરાધ્ય બંધાયેલા હોય છે આરાધકથી. આરાધક જે વરદાન માગે તે આપવું જ રહ્યું. તમે તમારી સુરક્ષાની વ્યવસ્થા પોતે કરી લો, તમને ઘણી વખત મોકો આપવામાં આવ્યો છે. હું તમને કોઈ સહાય નહીં કરી શકું.’

નિરાશ દેવરાજ ઇન્દ્ર ત્યાંથી વિદાય લે છે અને પવનદેવ, અગ્નિદેવ અને વરુણદેવ સાથે વૃત્રાસુર પર આક્રમણ કરે છે. પવનદેવની અતિઝડપી વાયુ, અગ્નિદેવની પ્રચંડ અગ્નિ, વરુણદેવની અતિવૃષ્ટિ વૃત્રાસુરની તપસ્યા વિચલિત કરી શકતી નથી. અંતિમ પ્રયાસ તરીકે દેવરાજ ઇન્દ્ર તેમના વજ્રનો ઘાત વૃત્રાસુર પર કરે છે, પણ વજ્રનો ઘાત પણ વૃત્રાસુર સહન કરી લે છે. નિ:સહાય દેવરાજ ઇન્દ્ર અને દેવગણ ત્યાંથી વિદાય લે છે. હવે વૃત્રાસુર વધુ કઠિન તપસ્યા કરવા લાગ્યો અને અંતે તેનો ધ્વનિ બ્રહ્મલોક પહોંચવા લાગ્યો. પ્રસન્ન બ્રહ્માજી વૃત્રાસુર પાસે પહોંચે છે.

બ્રહ્માજી: ‘ઊઠો વૃત્રાસુર, હું પ્રસન્ન છું વરદાન માગો.’

વૃત્રાસુર: ‘પરમપિતા તમે પ્રસન્ન થયા એ જ મોટી સિદ્ધિ છે, પણ તમે વરદાન આપવા જ માગતા હો તો મને એવું વરદાન આપો કે સ્વર્ગલોક કે અન્ય લોકના કોઈ પણ દેવ મારો વધ ન કરી શકે.’
બ્રહ્માજી: ‘તથાસ્તુ.’

વરદાન આપી બ્રહ્માજી ત્યાંથી વિદાય લે છે. વરદાન મેળવી વૃત્રાસુર ઋષિ ત્વષ્ટા પાસે પહોંચે છે.
વૃત્રાસુર: ‘પિતાશ્રી તમારી આજ્ઞા મુજબ હું બ્રહ્માજી પાસે વરદાન મેળવવા સફળ થયો છું. હવે સ્વર્ગલોક પર આક્રમણ કરવાની આજ્ઞા આપો જેથી હું આપણા શત્રુ દેવરાજ ઇન્દ્ર અને દેવગણોનો વિનાશ કરી શકું.’
ઋષિ ત્વષ્ટા: ‘વિજયી ભવ.’

આશીર્વાદ મળતાં જ વૃત્રાસુર પોતાના સૈન્યને લઈ સ્વર્ગલોક પર આક્રમણ કરવા પ્રસ્થાન કરે છે. (ક્રમશ:)
માગશરના આર્દ્રા નક્ષત્રમાં શિવપૂજાનું મહત્ત્વ (આજે)

આજે સોમવાર, તા. ૧૬ ડિસેમ્બરના રોજ માગશર માસનું મહાઆર્દ્રા નક્ષત્ર શિવપૂજા માટે ઉત્તમ છે. આ દિવસે શિવપૂજા કરવાથી ૧૦૦૦ મહાશિવરાત્રીનું પુણ્ય-લાભ પ્રાપ્ત થશે. આજે આપ શિવ આરાધના કરી કષ્ટ અને સંકટોથી મુક્તિ મેળવી મનવાંછિત ફળ પામી શકો છો.

Also Read – માનસ મંથન: ભજન કરવું હોય તો દુનિયાને સુધારવા માટે સમય બરબાદ ન કરવો, પોતાનાં પગલાં પર ધ્યાન આપવું

શિવપુરાણ મુજબ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે કોણ શ્રેષ્ઠની હુંસાતુંસી ચાલી રહી હતી ત્યારે નિરાકાર ભગવાન શિવ તેમની સમક્ષ જ્યોતિર્મય લિંગ સ્વરૂપે પ્રગટ થયા. આ જ્યોતિર્મય લિંગનો છેડો ક્યાંય ન મળ્યો. બંને દેવોને ભગવાન શિવના મહત્ત્વની જાણ થતાં તેમણે ભગવાન શિવના એ જ્યોતિર્મય લિંગની પૂજા-અર્ચના કરી.

એ દિવસ એટલે માગશર માસના આર્દ્રા નક્ષત્રનો દિવસ. ૨૭ નક્ષત્રોમાં આર્દ્રા નક્ષત્રના સ્વામી ભગવાન શિવ છે. આ દિવસે શિવપૂજા કરી માતા શક્તિનાં દર્શન કરનાર વ્યક્તિ ભગવાન શિવનો પ્રિય થઈ જાય છે.

આજે શિવ મંદિર જઈ ભગવાન શિવનાં દર્શન કરી તેમની આરતી ઉતારવી અને ભોગ ધરવો. ત્યાર બાદ ૧૧, ૨૧, ૫૧ અથવા ૧૦૮ દીપ પ્રગટાવવા. મંદિર ન જઈ શકો તો ઘરે પણ દીપ પ્રગટાવવા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button