ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

માનસ મંથન: ભજન કરવું હોય તો દુનિયાને સુધારવા માટે સમય બરબાદ ન કરવો, પોતાનાં પગલાં પર ધ્યાન આપવું

-મોરારિબાપુ

બાપ! હનુમાનજીએ અશોકવાટીકામાં મા જાનકીજીની સ્થિતિ જોઈ. સીતાજીનું મન ક્યાં છે? સીતાજીની દ્રષ્ટિ ક્યાં છે? હનુમાનજીએ જોયું કે માએ નેત્રોને લગાવ્યાં છે પોતાના ચરણોમાં અને મનને લગાવ્યું છે રામના ચરણોમાં. આ ભક્તિ કરવાની પદ્ધતિ છે.

જેણે ભજન કરવું હોય એણે પોતાની આંખ પોતાના પગલાં પર રાખવી. બીજો શું કરે છે, બીજો ક્યાં જાય છે? એમાં ન જવું. મારાં પગલાં કેમ છે? નયન પોતાના પગલાંમાં, આચરણમાં અને મન રામના સ્મરણમાં. આ ભક્તિની શર્ત છે.

જેણે ભજન કરવું હોય તેને પોતાના પગલાં જોવા કે મારું આચરણ કેવું છે. હું ને તમે તો રાત-દિવસ, ફલાણો આમ છે અને ફલાણો તેમ છે, તેમાં જ રહીએ છીએ. તમે બોલ્યા કરશો એટલે સામેવાળો સુધરી જવાનો છે? આ દુનિયા તમારાથી સુધરવાની છે? શું કામ તમે સમય બરબાદ કરો છો? ઘણા માણસો આમ જ આખો વખત હિસાબ કરતાં હોય છે. બહુ ખોટી ઊર્જા વપરાય છે.

ઘણા માણસો ભેગાં થાય એટલે કહે કે, ફલાણા ભાઈ ગામમાં કરોડપતિ છે. તે તું ગણવા ગયો હતો? અને એ તને કંઈ આપવાનો છે? તારા નામે મિલકત કરવાનો છે? કારણ વગર શું કામ તારી શક્તિ બગાડે છે.

આ જેને ભજન કરવું હોય તેના માટેની વાત છે. તમે આટલી એકાગ્રતાથી ભગવદ્કથાને પીઓ છો એટલે વધારે ને વધારે કહેવાની ઈચ્છા થાય છે. મનેય ઘણીવાર થાય છે કે હું શું કામ આટલી મહેનત કરું છું? પણ નહીં, એમ લાગે છે કે, અત્યારે ખબર નહીં પડે. પણ વ્યાસગાદી સફળ નહીં પણ સુફળ થઇ રહી છે.સફળ થવું અને સુફળ થવું એમાં ફેર છે.

તમે બુદ્ધિની ચાલાકી કરો. બીજા પાસેથી પૈસા કમાઈ લો, તો તમે સફળ થયા પણ સુફળ ન થયા. એનું પરિણામ સારું નહીં આવે. જેણે ભક્તિ કરવી હોય તેને પોતાના પગલાં જોવાં. ઘણા માણસો આવું બહુ કરે. ફલાણા તો આમ કરે છે, ફલાણો ખોટું કરે છે, ફલાણો ચોરી કરે છે. પેલો તો બધાને છેતરે છે. આ આમ કરે છે ને પેલો તેમ કરે છે.

આપણે ઠેકો લઈને નીકળ્યા છીએ? આપણે ક્યાં આ બધી જવાબદારીઓ ઉપાડી છે? આપને લાખ કહીએ છીએ તો પણ માનતા નથી આપણું. તું શું કામ દુ:ખી થાય છે? શું કામ કલ્પનાના મહેલો ચણો છો? આપણું આપણાં ઘરના નથી માનતા. શું કામ કોઈના પર આધાર રાખો છો? અરે, તમારું મન તમારું કહ્યું નહિ માનતું! તમારી બુદ્ધિ તમારું કહ્યું નથી કરતી. તમારી ઇન્દ્રિયોની એક એક વૃત્તિ તમારાં કાબૂમાં નથી! તમે કઈ બાબતમાં સફળ થયા છો?

અમારે ત્યાં એક ભગત હતા. તે કહેતા કે તમે ગમે તેને પૂછો કે કેમ, મજામાં? એટલે કહેશે કે હા, બહુ મજામાં. શેની મજામાં છો તું? તારો ભાઈ તારી સાથે બોલતો નથી. તારો દીકરો તારાથી જુદો રહે છે.

પતિ-પત્ની છૂટાછેડા લેવાની તૈયારી કરે છે. મજા શેની છે? મજા તો તું હરિ ભજી લે તેમાં છે. તમે દશા તો જુઓ! તમે ઈર્ષ્યા કરો, તમે નિંદા કરો, તમે કુથલી કરો, તમે આ કરો, તે કરો. કઈ મજા છે, સમજાતું નથી. તમે કોની નિંદા કરો છો? કોના પર દયા કરો છો? વેદાંતમાં એ મૂઢતા છે.

કબીર સાહેબની એક સાખી છે જે યાદ નથી પરંતુ તેનો ભાવ કંઈક આવો છે-ભીડમાં ચાલશે એ ભટકી જશે. એકલા ચાલશે એ પહોંચી જશે. ભીડમાં જશે એ ભટકી જશે. ભીડથી મુક્ત બની જાઓ. આપણને તો ભીડમાં લહેર આવે છે. આપણી આજુબાજુ માણસો કેટલાં? એમાં લહેર આવે છે!

એકાંતે સુખમાસ્યતામ… એકલા પાડો. એકલા જશે એ પહોંચી જશે. ભીડ મારી નાખે છે. અને કાં તો ભીડમાં રહીને એકલા બનતા શીખો તો વાત બને. પણ એ બધી વ્યાખ્યાઓ થાય, બાકી મુશ્કેલ છે. હું પણ વ્યાસગાદી પરથી બોલી જાઉં, બહુ રૂડું લાગે. બાકી અનુભૂતિ ઘણી મુશ્કેલ હોય છે. બધાની વચ્ચે એકલા રહેવું, મુશ્કેલ છે. ક્યાંક તો પકડાઈ જ જાય, માણસ. જેનું અખંડ હરિ ભજન છે, જેને ચોવીસ કલાક ભજનમાં ઓછા પડતાં હશે, એવા માણસો ગમે ત્યાં એકલાં રહી શકે.

આ પણ વાંચો…મનન: શું દુ:ખી એટલે ભગવાનની વધુ નજીક?

ભીડમાં હશે તે લૂંટાઈ જશે. એને લોકો લૂંટી લેશે. ભીડ તો લૂંટી લે બાપ! જેને ભજન કરવું છે તેને જાનકીજી બતાવે છે કે, પોતાના પગલાં પર દ્રષ્ટિ રાખવી. બીજાનું શું છે, કેમ છે, એ જોવું નહીં. વેદાંતમાં સીતાનું રૂપ શાંતિ છે પણ જ્યારે ભક્તિની ચર્ચા ચાલે છે ત્યારે સીતાજી ભક્તિમાર્ગમાં ભક્તિનું રૂપ છે. તે પોતાના પર નજર રાખે છે. મારું વર્તન કેમ છે? મારું જીવન કેવું છે? અને મન રામના ચરણોમાં લીન રહે.

(સંકલન: જયદેવ માંકડ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button