ચૂંટણીમાં કારમી હાર કે અન્ય કોઇ કારણ, હિંદુત્વના એજન્ડા પર પાછી ફરી રહી છે ઉદ્ધવ ઠાકરેની સેના
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ઉદ્ધવ જૂથે પોતાની રણનીતિ બદલી છે. પાર્ટીના નેતાઓના તાજેતરના નિવેદનો દર્શાવે છે કે પાર્ટી તેના મૂળ હિન્દુત્વ એજન્ડા પર પરત ફરી રહી છે.
ઓગસ્ટમાં શેખ હસીના સરકારના પતન બાદ પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે પાર્ટીએ હાલમાં કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. આ ઉપરાંત હાલમાં જ ઉદ્ઘવ સેનાએ મુંબઈના દાદર સ્ટેશનની બહાર “80 વર્ષ જૂના” હનુમાન મંદિરને બચાવવા માટે આગળ આવી છે, જેને રેલવે દ્વારા તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. એટલું ઓછું હોય તેમ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ મંદિરમાં ‘મહા આરતી’ કરી ભાજપને ઘેરવાનો સંકેત આપી દીધો હતો.
અગાઉ 6 ડિસેમ્બરે, ઉદ્ધવ સેનાએ ઇન્ડિ ગઠબંધનના કેટલાક સાથીઓની નારાજગી વધારી હતી જ્યારે ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી અને વિધાન પરિષદના સભ્ય (MLC) મિલિંદ નાર્વેકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બાબરી મસ્જિદ વિધ્વંસની તસવીર શેર કરી હતી અને સાથે શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેનું નિવેદન પણ પોસ્ટ કર્યું હતું કે, “જેઓએ આ કર્યું તેના પર મને ગર્વ છે.” આ પગલાથી અસ્વસ્થ થઇને સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અબુ આઝમીએ રાજ્યમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)થી અલગ થવાની જાહેરાત કરી દીધી હતી અને કહ્યું હતું કે તેમની પાર્ટી રાજ્યમાં વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)થી અલગ થઈ રહી છે, જેમાં શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો પણ સમાવેશ થાય છે.
ઉદ્ધવ ઠાકરેએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તે જાણવા માંગ્યું હતું કે ભારતે પાડોશી દેશોમાં હિન્દુઓની સુરક્ષા માટે શું પગલાં લીધા છે.
2019માં મુખ્ય પ્રધાન પદ સંભાળ્યા બાદ પ્રથમ સત્રમાં ઉદ્ધવ ઠાકરેએ એક વાર તો જીભ કચરી હતી કે તેમની પાર્ટીએ ધર્મને રાજકારણ સાથે ભેળવીને ભૂલ કરી છે. 2019 માં ભાજપ સાથે સંબંધો તોડ્યા પછી, શિવસેના (યુબીટી) એ કોંગ્રેસ અને એનસીપી સાથે જોડાણ કર્યું હતું, પણ આ જોડાણને લોકોએ જાકારો આપી દીધો હતો અને તેને કારણે ઉદ્ધવ સેનાના મહારાષ્ટ્રમાં પરંપરાગત મતદાર આધાર ગુમાવી દીધો હતો.
આ પણ વાંચો…તો શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થશે!
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં બીએમસીની ચૂંટણી યોજાશે. મુંબઇ મહાનગર પાલિકા દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા છે, જેના પરથી પકડ ગુમાવવાનું ઉદ્ધવ સેનાને પાલવે તેમ નથી. ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાઓથી ઉદ્ધવ સેનાની આઁખ ખુલી ગઇ છે, તેથી જ હવે પાર્ટી તેના મુખ્ય હિંદુત્વના મુદ્દા પર પાછી ફરી રહી છે.