ગુજરાતના હાઈફાઈ ગરબાના પાસની કિંમત પણ હાઈફાઈ
15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. એક સમયે શેરીમાં સાથે મળીને રમાતા ગરબા હવે ગ્રાન્ડ ઈવેન્ટ બની ગયા છે અને ખર્ચાળ પણ. એક સમયે શેરીમાં ગરબે રમતા ભૂલકાઓને નાસ્તો કરાવવામાં આવતો ને ઈનામો આપવામાં આવતા જ્યારે હવે તમારે સામેથી મસમોટી ફી ચૂકવી પાસ લેવા પડે છે અને પરિધાનથી માંડી ફૂડના પૈસા પણ ખર્ચવા પડે છે. અમદાવાદ-વડોદરા-રાજકોટ આ પ્રકારની નવરાત્રી માટે ખાસ જાણીતા છે અને ખેલૈયાઓ ખૂબ જ દસ દાખવતા હોવાથી પાસની કિંમત પણ ઊંચી હોય છે.
આ વખતે પાસ ખરીદવા મોંઘા પડી શકે છે. અમદાવાદના પ્રીમિયમ ગરબા વેન્યૂના પાસની સરેરાશ કિંમત 1000થી 1500 રૂપિયા સુધીની છે. મંડળી ગરબાના સીઝન પાસે એટલે કે નવે નવ દિવસના એક વ્યક્તિના પાસની કિંમત 9 હજાર રૂપિયા છે.
નવરાત્રીના આડે હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહી ગયો છે. ખેલૈયાઓનો તરવરાટ ચરમસીમાએ છે. નવરાત્રીની ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટમાં થતાં ભવ્ય ગરબા આયોજનોમાં ભાગ લેવા માટે લોકો થનગની રહ્યા છે.
પાસના સેટિંગ પડે તો કહેજો એવું નવરાત્રી શરૂ થાય એના લગભગ મહિના પહેલાથી જ લોકોના મોંએ સાંભળવા મળતું હોય છે. ફ્રી પાસ ના મળે તો પણ ગરબા રસિકો ખરીદીને જુદા-જુદા પાર્ટી પ્લોટ્સમાં જતા હોય છે. જોકે, આ વખતે પાસ ખરીદવા માટે થોડો વધારે ખર્ચ કરવો પડી શકે છે. અમદાવાદમાં યોજાતા કેટલાય કોમર્શિયલ ગરબાના પાસ મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે. વ્યક્તિ દીઠ પાસની કિંમત 9 હજાર રૂપિયા સુધીની છે.
સારી સર્વિસ, મનને ગમી જાય તેવો માહોલ અને યૂનિક ડેકોરેશન પાછળ થતો ખર્ચ પાસ મોંઘા થવાનું કારણ છે તેમ આયોજકો કહી રહ્યા છે. અમદાવાદમાં થતાં મંડળી ગરબાનું આયોજન કોમન ઈવેન્ટ્સ પ્લાનિંગ ટીમ દ્વારા કરવામાં આવે છે. આ ટીમના સભ્યએ જણાવ્યું હતું કે મંડળી ગરબાનો એક રાતનો એક પાસ 1500 રૂપિયામાં મળે છે જ્યારે સીઝન પાસ 9000 રૂપિયામાં વેચી રહ્યા છે.
અમદાવાદના આ પ્રીમિયમ ગરબા આયોજનોમાંથી કેટલાયમાં પાસથી ફક્ત એન્ટ્રી જ થઈ શકે છે, તેમાં ફૂડનો સમાવેશ નથી કરવામાં આવ્યો. એટલે કે, તમારે નાસ્તા માટે અલગથી રૂપિયા ખર્ચવા પડશે.
પાસમાં પણ કેટેગરી હોય છે. જનરલ પાસ, ગોલ્ડ પાસ એ રીતે જેવા પાસ તેવા પૈસા. અમુક આયોજકોએ એસી ડોમ બનાવ્યા છે જેથી ગરમી કે વરસાદ બન્નેમાં ખેલૈયાઓને તકલીફ ન પડે. આ સાથે મોટા મોટા ગાયકો અને ડેકોરેશન, ફૂડ વગેરેમાં પણ ખર્ચ થતો હોય છે.
જોકે આટલો ભાવ હોવા છતાં પણ વહેલા તે પહેલાના ધોરણે જ પાસ મળતા હોય છે અને સમયસર ન જાઓ તો ન મળે તેટલો ઉત્સાહ ખેલૈયાઓ બતાવતા હોય છે.