ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

મનન: શું દુ:ખી એટલે ભગવાનની વધુ નજીક?

-હેમંત વાળા

જે ઈશ્વરને ભજે, ઈશ્વરની સત્તા સ્વીકારે, ઈશ્વરના નિયમોનું પાલન કરે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્તવા તત્પર હોય, સર્વત્ર ઈશ્વરને જુએ, જે કંઈ મળે તે ઈશ્વરની પ્રસાદી સમજે અને સર્વત્ર ઈશ્વરના ન્યાયનું સામ્રાજ્ય જુએ, તે ભગવાનની નજીક હોય. સુખી પણ ભગવાનની નજીક હોય અને દુ:ખી પણ. સફળ વ્યક્તિ પણ ભગવાનનું સાનિધ્ય પામી શકે અને નિષ્ફળ પણ. સંપન્ન વ્યક્તિ ઈશ્વની કૃપા મેળવી શકે અને વંચિત પણ.

દુ:ખી પણ ભગવાનની નજીક આવી શકે. સામાન્ય રીતે એમ કહેવાય કે તે વ્યક્તિ કદાચ સંજોગોથી થાકી ગયો હોય, તે પોતાની પરિસ્થિતિથી વધુ નાસીપાસ થયો હોય, આશાનું કિરણ તેને ક્યાંય દેખાતું ન હોય, જે જીવનથી કંટાળી ગયો હોય-આ બધાં કારણોને લીધે તે દુ:ખી વ્યક્તિ ઈશ્વરના શરણે વધુ દ્રઢતાથી જાય તો નવાઈ નહીં. ટકી રહે અને જો તે પૂર્ણતાથી ઈશ્વરનું શરણું લે તો ચોક્કસ ઈશ્ર્વર તેની નજીક હોય.

ઈશ્વર આમ પણ નોંધારાના આધાર કહેવાય છે, દીન દુખિયાના બેલી કહેવાય છે, કરુણાના સાગર જણાય છે. ઈશ્વરને પણ પોતાનાં દુ:ખી સંતાનોને મદદ કરવાની સહજમાં ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. તેથી જ એમ કહેવાતું હશે કે ઈશ્ર્વર દુ:ખીનું પહેલા સાંભળે.

ગીતામાં કહ્યું છે કે ચાર પ્રકારના લોકો ઈશ્વરને ભજે છે – આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ સૂચિમાં આર્ત અર્થાત દુ:ખીનો સમાવેશ સૌપ્રથમ થાય છે. અર્થાત દુ:ખી ભગવાનની વધુ નજીક હોવાની સંભાવના તો ખરી જ. તે ત્યારે જ કે જ્યારે દુ:ખમાં તે ભગવાનના શરણમાં જાય. દુ:ખી પોતાના દુ:ખથી ત્રસ્ત હોય એટલા માટે ભગવાનને યાદ કરે.

ઈશ્વરની કૃપાથી તે દુ:ખથી મુક્તિ ઇચ્છતો હોય. તેને એવી આશા હોય કે સર્વશક્તિમાન ઈશ્વર પોતાના દુ:ખને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે, અને તેથી જો તે પ્રસન્ન થાય તો વરદાન સ્વરૂપે દુ:ખ દૂર થઈ શકે. ઇતિહાસ અને પુરાણમાં આવાં ઘણાં ઉદાહરણો સ્થાપિત થયેલા છે.

જો ઈશ્વરના ભક્તોની ચાર શ્રેણી નક્કી કરવામાં આવે તો નીચેથી બીજા સ્તરે દુ:ખી આવે. દુ:ખ અને પીડા બે ભિન્ન વસ્તુ છે. પીડા એ શારીરિક ઈજા કે વૃદ્ધત્વને કારણે આકાર લેતી ઘટના છે, જ્યારે દુ:ખ એ એક પ્રકારે માનસિક સ્થિતિ છે. કેટલાક લોકો એમ માને છે કે પીડા માનસિક પણ હોઈ શકે. જ્યારે મગજની અંદર કોઈ વિકાર પ્રવેશે કે મગજને કોઈ ભૌતિક ઈજા પહોંચે તો મગજને પણ પીડા થાય. પણ આ પણ શારીરિક પીડાનો જ પ્રકાર થયો. પીડા સ્થૂળ અસ્તિત્વ સાથે સંકળાયેલી અનિચ્છનીય ઘટના છે, જ્યારે દુ:ખ એ સૂક્ષ્મ અસ્તિત્વમાં આકાર લેતી ઘટના છે.

સમાજમાં પોતાની યોગ્યતા પ્રમાણે ન્યાય ન મળવાનું દુ:ખ હોય. પ્રિયજનના વિરહનું પણ દુ:ખ હોય. ઇચ્છિત પરિસ્થિતિનો અભાવ, આકસ્મિક રીતે આવી ચડેલી કોઈ નકારાત્મક ઘટના, યોગ્ય સમયે પોતાના સપના સાકાર ન થવાની સંભાવના, કારણ કે અકારણ થયેલું અપમાન, પોતાના માટે સમાજમાં સ્થાપિત થયેલ કોઈ ગેરસમજ, વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનો ગાળો, પોતાના ગણેલા લોકો તરફથી મળેલો તિરસ્કાર – આવી કંઈક અનેક બાબતો છે જે દુ:ખનું નિમિત્ત બની શકે.

આવી પરિસ્થિતિમાં ધીરજવાન વ્યક્તિ પરિસ્થિતિનું અવલોકન અને વિશ્ર્લેષણ કરી વ્યવહારિક ઉકેલ શોધવા પ્રયત્ન કરે. સંસારની કટુ વાસ્તવિકતા સમજમાં આવે તો પણ ચોક્કસ પ્રકારના દુ:ખની અનુભૂતિ ઓછી થઈ શકે. જે વ્યક્તિ પોતાના આદર્શ માટે તટસ્થ હોય તે પણ સામાન્ય રીતે દુ:ખભરી પરિસ્થિતિથી દૂર રહી શકે.

પોતાને નિમિત્ત ગણી કર્તાપણાના ભાવથી મુક્ત રહી શકનાર વ્યક્તિને દુ:ખ સ્પર્શી ન શકે – જેને ફળની આશા નથી તે દુ:ખી ન થાય. દુ:ખથી મુક્તિ જોઈતી હોય તો વ્યક્તિએ નિર્લેપ રહેવું પડે, સાક્ષીભાવ જાળવવો પડે, મમત્વથી દૂર થવું પડે, સ્વાર્થ અને અહંકારથી મુક્તિ મેળવવી પડે, સંસારનાં સમીકરણોને યથાર્થ સ્વરૂપે સમજવા પડે અને ઈશ્ર્વરના ન્યાયમાં વિશ્વાસ રાખવો પડે. આ બધા સાથે જો ઈશ્વર ભક્તિનો સાથ મળે તો દુ:ખ પણ આનંદ આપી શકે.

આ પણ વાંચો…એક મહિના સુધી માંગલિક કાર્યો રહેશે બંધ, ખરમાસના નકારાત્મક પ્રભાવથી બચવા કરો આ ઉપાય…

અર્થાર્થી એટલે જેને ધનની અપેક્ષા છે તે. ધન વિવિધ સ્વરૂપે હોઈ શકે. સંપત્તિ-પૈસો તો ધન છે જ પણ માન સન્માન, સત્તા, પદ, સામાજિક સ્વીકૃતિ જેવી બાબતોને પણ ધન સાથે સાંકળી શકાય. જે વ્યક્તિમાં ક્ષમતા હોય તે આ અર્થને પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકે. પણ જો ક્ષમતા ઓછી હોય અથવા ક્ષમતા કરતાં વધારેની અપેક્ષા હોય તો ઈશ્વરનું શરણું લેવાનો વિચાર આવે. ભક્તની શ્રેણીમાં કદાચ આ સૌથી નીચેની શ્રેણી છે. અહીં લોભ અને મોહનું પ્રભુત્વ વધુ હોય તેથી આ પ્રકારના ભક્તને એટલું મહત્ત્વ ન આપી શકાય.

સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે, આ સૃષ્ટિમાં વિવિધ તત્ત્વો ક્યારે અને કેવી રીતે પ્રગટ થયા હશે, માનવી માટેની સંભાવનાઓ કઈ, હું કોણ, આ બધી વ્યવસ્થા પાછળ જો કોઈ ઈશ્વર હોય તો તે કેવો હશે, સમગ્ર સૃષ્ટિના સર્જનનો ભાવ તેના મનમાં કેવી રીતે અને કયાં કારણોસર પ્રગટ થયો હશે – આવા અનેક પ્રશ્ર્નો છે જેનો જવાબ શોધવા જિજ્ઞાસુ તત્પર હોય છે.

જ્યારે આ પ્રશ્ર્નો તેની પહોંચની બહાર જણાય ત્યારે તે એવી કોઈ શક્તિનું શરણું ઈચ્છે કે જેના પ્રતાપે, જેની કૃપાથી તેને જવાબ પ્રાપ્ત થઈ શકે-જ્ઞાન માટે તે ઈશ્વરને પ્રાર્થના કરે, તે ઈશ્વરની ભક્તિ કરે. આ પ્રકારના ભક્તને માત્ર જ્ઞાનની ઈચ્છા હોવાથી તેમની શ્રેણી આર્ત, અર્થાર્થી કરતાં ઊંચી ગણાય.

પછી જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, અને જ્ઞાનીને ઈશ્ર્વરની મહત્તા અને તેના ઐશ્વર્યની પ્રતીતિ થતાં તે ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય. આ શ્રેષ્ઠ ભક્ત છે. અહીં ઈશ્ર્વરની ભક્તિ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે ઈશ્વર છે. અહીં નથી કોઈ માગણી કે નથી કોઈ અપેક્ષા, અહીં માત્ર ઈશ્વર-સમર્પણ અને ઈશ્વર-સાનિધ્યનો ભાવ પ્રવર્તમાન રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button