Supreme Court એ અલ્હાબાદ હાઈકોર્ટના જજને પાઠવ્યું સમન્સ, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી : અલ્હાબાદ હાઈકોર્ટના સીટીંગ જજ પર સુપ્રીમ કોર્ટે(Supreme Court)મોટી કાર્યવાહી કરી છે. જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવ દેશ બહુમતીના હિસાબે ચાલશે એવું નિવેદન આપ્યા બાદ વિવાદોમાં ફસાયા છે. સુપ્રીમ કોર્ટે કોલેજિયમે જસ્ટિસ શેખર કુમાર યાદવને સુપ્રીમ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. જસ્ટિસ શેખર કુમાર યાદવને પણ તેમના વિવાદિત નિવેદન અંગે સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ શેખર કુમાર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશનો કાયદો બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે.
અલ્હાબાદ હાઈકોર્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો
મીડિયા અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે દેશના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળનું કોલેજિયમ ટૂંક સમયમાં આ મામલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના શિયાળુ વેકેશન પહેલા એટલે કે 17 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ચર્ચા કરશે. આ પહેલા 10 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે નિવેદન સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટ્સને ટાંકીને અલ્હાબાદ હાઈકોર્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્વારા આપવામાં આવેલા ભાષણના અહેવાલોની નોંધ લીધી છે. અન્ય વિગતો પણ હાઈકોર્ટ અને કોર્ટ પાસેથી માંગવામાં આવી છે. બાબત વિચારણા હેઠળ છે.
Also Read – સંભલમાં પ્રાચીન મંદિર મળ્યુંઃ યોગી આદિત્યનાથે આપ્યું મહત્ત્વનું નિવેદન, શું રાતોરાત…?
સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઈને ભારે હોબાળો
ઉલ્લેખનીય છે કે, 8 ડિસેમ્બરના રોજ પ્રયાગરાજમાં વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં બોલતા જસ્ટિસ યાદવે કહ્યું, “આ કાયદો છે. આ કાયદો છે. કાયદો વાસ્તવમાં બહુમતીના હિસાબે કામ કરે છે. તેને પરિવાર કે સમાજના સંદર્ભમાં જુઓ. “ફક્ત તે જ સ્વીકારવામાં આવશે જે બહુમતીને સુખ અને લાભ આપે છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. વિપક્ષી નેતાઓએ ન્યાયાધીશની ટિપ્પણીને વિભાજનકારી અને ગેરબંધારણીય ગણાવી હતી.