ગુજરાતીઓના મતો પર જીતેલી મહાયુતિએ ગુજરાતીઓની કરી અવહેલના…
પાંચ ગુજરાતી વિધાનસભ્યો પણ કૅબિનેટમાં એકેય નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાગપુરમાં રવિવારે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં કુલ 39 વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા, પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે ગુજરાતી મતદારોએ ભાજપ અને મહાયુતિને લોકસભા અને વિધાનસભામાં સતત સાથ આપ્યો હતો તે જ ગુજરાતી સમાજની મહાયુતિ દ્વારા પ્રધાનમંડળના ગઠનમાં અવહેલના કરવામાં આવી હતી.
વિધાનસભામાં પાંચ અને સત્તાધારી પક્ષમાં ચાર ગુજરાતી વિધાનસભ્યો હોવા છતાં ગુજરાતી પાસેથી મત માગતા ભાજપે એક પણ વિધાનસભ્યને પ્રધાન બનાવ્યો નથી. જેના કારણે ગુજરાતીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેનું પરિણામ આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં જોવા મળે એવી શક્યતા છે.
એમએમઆરમાં વિધાનસભામાં પાંચ વિધાનસભ્યો હોવા છતાં, ભાજપે કોઈને પ્રધાન બનાવ્યા નથી. 2014માં પીઢ ગુજરાતી નેતા પ્રકાશ મહેતાને તક આપવામાં આવી હતી, પરંતુ આ વખતે એકેયને તક મળી નથી.
આ પણ વાંચો : લાડકા ભાઈએ લાડકી બહેનની કરી અવગણના એકનાથ શિંદેની પાર્ટીએ એકેય મહિલા પ્રધાન ન આપી
મુલુંડથી મિહીર કોટેચા, ઘાટકોપરથી પરાગ શાહ, ચારકોપથી યોગેશ સાગર, અંધેરીથી મુરજી પટેલ સત્તાધારી મહાયુતિના વિધાનસભ્યો છે, જ્યારે મુંબાદેવીથી અમીન પટેલ કૉંગ્રેસના ગુજરાતી વિધાનસભ્ય છે. આમ વિધાનસભામાં પાંચ ગુજરાતી સભ્યો છે. આમાંથી એકને કેબિનેટમાં તક આપવામાં આવશે એવું માનવામાં આવતું હતું, પરંતુ કોઈને તક આપવામાં આવી નથી. ગુજરાતીઓ ભાજપ માટે માત્ર વોટબેંક બની ગયા છે.
ગુજરાતી બહુમતી ધરાવતી બેઠકો પરથી બિનગુજરાતી ઉમેદવાર આપીને પહેલાં ગુજરાતી સમાજની લાગણીને ઘા કરવામાં આવ્યા હતા અને હવે કૅબિનેટમાં એકેય ગુજરાતીને સ્થાન ન આપીને ભાજપે ગુજરાતીઓના ઘા પર મીઠું ચોપડવાનું કામ કર્યું છે અને તેનું પરિણામ આગામી મુંબઈ મહાનગર પાલિકા સહિત રાજ્યની બધી મનપાની ચૂંટણીમાં જોવા મળી શકે છે.
મુંબઈમાંથી ફક્ત મંગલ પ્રભાત લોઢા અને આશિષ શેલારને કૅબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતી ક્વોટામાંથી મારવાડી સમાજના મંગલ પ્રભાત લોઢાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે શહેરના ગુજરાતીઓને સ્વીકાર્ય નથી.