Surat પોલીસે કર્યો નકલી ચલણી નોટ ધુસાડવાના ષડયંત્રનો પર્દાફાર્શ, આટલા કરોડની નોટો ઝડપાઈ…
સુરત : ગુજરાતની સુરત(Surat)પોલીસે નકલી ચલણી નોટ ધુસાડવાના ષડયંત્રનો પર્દાફાર્શ કર્યો છે. પોલીસે રુપિયા 2.57 કરોડની નકલી નોટો જપ્ત કરી છે. તેમજ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓએ બેંકો, બજારો અને સામાન્ય લોકોને છેતરવા માટે આ નકલી નોટો તૈયાર કરી હતી.
આ પણ વાંચો : ખ્યાતિ કાંડઃ પેનલ ડૉકટરની તપાસમાં મોટો ખુલાસો, લોકોને ધમકાવીને કરાવતાં હતા ઑપરેશન…
બંડલમાં ઉપર અને નીચેની નોટ અસલી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શનિવારે સાંજે બની હતી. જ્યારે ચાર આરોપીઓ સારોલી વિસ્તારમાં ત્રણ બેગ લઈને પગપાળા જઈ રહ્યા હતા. આ તપાસ દરમિયાન તે ઝડપાઈ ગયા હતા. સારોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓએ પાસેથી રુપિયા 500ની નકલી ચલણી નોટોના 43 બંડલ મળી આવ્યા હતા. દરેક બંડલમાં 1,000 નોટો હતી. જેમાં બંડલમાં ઉપર અને નીચેની નોટ અસલી હતી. જેથી લોકોને છેતર શકાય. આ સિવાય પોલીસે વધુ 21 બંડલ રિકવર કર્યા છે જેમાં 200 રૂપિયાની 1000 નકલી ચલણી નોટો હતી.
તમામ સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ
આ નકલી ચલણી નોટો પર ન તો કોઈ સીરીયલ નંબર હતો અને ન તો તેના પર ભારતીય રિઝર્વ બેંકનો સ્ટેમ્પ હતો. આ નોટો પર ભારતીય ચિલ્ડ્રન બેંક લખેલું હતું. જે નકલી હોવાનો સ્પષ્ટ સંકેત હતો. આ આરોપીઓની ઓળખ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના અહિલ્યાનગરના રહેવાસી દત્તાત્રેય રોકડે, રાહુલ વિશ્વકર્મા અને રાહુલ કાલે તરીકે થઈ છે, જ્યારે એક આરોપી સુરતનો રહેવાસી ગુલશન ગુગાલે છે. આ તમામ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 318 (2) (છેતરપિંડી), 61 (ગુનાહિત કાવતરું) અને 62 (ગંભીર અપરાધ કરવાના પ્રયાસની સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : માત્ર સુરખાબ જ નહીં, આ રૂપકડાં પક્ષીઓ પણ બન્યા છે કચ્છના મહેમાન
પોલીસનું કહેવું છે કે આ કોઈ મોટી ગેંગ હોઈ શકે છે. જે દેશભરમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહી હતી. આરોપીઓની પૂછપરછ ચાલુ છે અને પોલીસને આશા છે કે આ કેસમાં તેમની પાસેથી વધુ મહત્વની માહિતી મળી શકે છે.