આમચી મુંબઈમહારાષ્ટ્ર

કેબિનેટ વિસ્તરણઃ છગન ભૂજબળને આંચકો, ફડણવીસની ટીમમાં સ્થાન નહીં મળ્યું

નાગપુરઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી પ્રધાનમંડળ વિસ્તરણનું સસ્પેન્સ આખરે આજે પૂરું થયું છે. પણ પ્રધાનપદના દાવેદાર ઘણા વગદાર નેતાઓને સુખદ કહો કે દુઃખદ જોરદાર આંચકા મળ્યા છે. નાગપુરમાં પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારંભ યોજાયો. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) દ્વારા કુલ નવ વિધાનસભ્યને શપથ લેવડાવ્યા હતા, પરંતુ એનસીપીના ટોચના નેતા છગન ભૂજબળનું નામ પ્રધાનમંડળના શપથગ્રહણ કરનાર નેતાઓમાં સામેલ નહોતું. છગન ભુજબળને મંત્રી બનાવાયા નહોતા.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં મરાઠા આંદોલન ઉગ્ર બન્યું હતું. ઓબીસી કેટેગરીમાં મરાઠાઓને અનામત આપવાની માગણી ઉગ્ર બનતાં જ છગન ભુજબળ મેદાનમાં આવી ગયા. તેમણે ઓબીસી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

રાજ્યમાં ઓબીસી પરિષદો અને સભાઓ યોજાઈ હતી. રાજ્યમાં મરાઠા અને ઓબીસી વચ્ચે ધ્રુવીકરણ થયું. છગન ભુજબળ વિધાનસભાની ચૂંટણી જીત્યા. તેમના સમર્થકોને આશા હતી કે તેમને મહાયુતિના વર્તમાન કેબિનેટમાં સામેલ કરવામાં આવશે, પરંતુ તેમનું પત્તુ કપાઈ ગયું. આ બધા વચ્ચે ૩૩ વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાંજ આરક્ષણની ઘટનાઓ પછી ભુજબળે નાગપુરમાં લીધેલા શપથ યાદ કરાઈ રહ્યા છે.

વર્ષ ૧૯૯૧માં મંડલ પંચને લઈને દેશભરમાં વાતાવરણ ગરમાયું હતું. મંડલ કમિશનને લઈને મહારાષ્ટ્રમાં પણ હોબાળો થયો હતો. તેમાં છગન ભુજબળ પણ કૂદી પડ્યા. તેઓ શિવસેનાના આક્રમક નેતા તરીકે જાણીતા હતા. પરંતુ તેમણે મંડલ કમિશનના મુદ્દે શિવસેનાને પહેલો ઝટકો આપ્યો હતો.

રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. ૨૧ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ છગન ભુજબળ રાજ્યની ઉપરાજધાની નાગપુરમાં તત્કાલિન મુખ્યમંત્રી સુધાકરરાવ નાઈકના મંત્રીમંડળમાં જોડાયા. નાગપુરમાં આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. હવે ૩૩ વર્ષ પછી આરક્ષણના મુદ્દે જ કદાચ તેમનું પત્તુ કપાયું હોય તેવું મનાઈ રહ્યું છે.

આ કેબિનેટ વિસ્તરણમાં પ્રધાનપદ ન પામેલા એનસીપીના ઘણા નેતાઓ નારાજ છે. અજિત પવાર આ વાતથી વાકેફ છે. તેમણે કહ્યું કે મંત્રીઓનો કાર્યકાળ અઢી વર્ષનો રહેશે. બાદમાં અન્ય ધારાસભ્યોને તક આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button