વડા પ્રધાન મોદીએ પાર્વતી કુંડથી કૈલાશ પર્વતના દર્શન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે સવારે ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ પિથોરાગઢ જિલ્લાના જોલિંગકાંગથી આદિ કૈલાશ પર્વતના દર્શન કર્યા, તેમણે પાર્વતી કુંડ પાસે આવેલા મંદિરમાં પૂજા અર્ચના કરી.
પરંપરાગત પાઘડી અને રંગા(શરીરના ઉપરના ભાગમાં પહેરવામાં આવતા વસ્ત્રો)માં સજ્જ વડા પ્રધાન મોદીએ પાર્વતી કુંડના કિનારે આવેલા પ્રાચીન શિવ-પાર્વતી મંદિરમાં આરતી કરી હતી. સ્થાનિક પૂજારીઓ તેમની પૂજા સંપન કરાવી હતી.
વડા પ્રધાન મોદી કૈલાસ શિખર સામે હાથ જોડીને થોડો સમય ધ્યાન કર્યું. આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી હાજર હતા, જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઈન્સ્ટાગ્રામ’ પર વડા પ્રધાન રીલ પણ પોસ્ટ કરી છે.
ધીકારીએ જણાવ્યું હતું કે કુમાઉ પ્રદેશની તેમની એક દિવસની મુલાકાત દરમિયાન વડા પ્રધાન સરહદ પર આવેલા ગુંજી ગામની પણ મુલાકાત લેશે. આ સિવાય વડાપ્રધાન અલ્મોડામાં ભગવાન શિવના અન્ય પ્રસિદ્ધ નિવાસ સ્થાન જાગેશ્વરની પણ મુલાકાત લેશે. જાગેશ્વરથી તેઓ પાછા પિથોરાગઢ જશે જ્યાં તેઓ એક જનસભાને સંબોધશે. આ દરમિયાન તેઓ લગભગ 4200 કરોડ રૂપિયાના ખર્ચના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.
ઉત્તરાખંડમાં સ્થિત આદિ કૈલાશ હિન્દુઓ માટે સૌથી પવિત્ર સ્થળો પૈકીનું એક છે. અગાઉ અહીં પહોંચવા માટે લાંબો રસ્તો હતો, જેને પગપાળા જ કવર કરવો પડતો હતો અને તેમાં ઘણા દિવસો લાગતા હતા, પરંતુ લિપુલેખ સુધી મોટરેબલ રોડ બનાવવામાં આવતા હવે યાત્રા સરળ બની છે. લિપુલેખથી આગળ ભારત-નેપાળ-તિબેટ સરહદ છે અને તેનાથી આગળનો વિસ્તાર નાગરિકો માટે સુલભ નથી. અહીંથી કૈલાશ પર્વતની ઝલક જોઈ શકાય છે.