એક દાવમાં પાંચ વિકેટઃ બુમરાહે કપિલનો વિક્રમ તોડ્યો, ઝહીર-ઇશાંતથી આગળ થયો…
બ્રિસ્બેનઃ રવિવારે અહીં બોર્ડર-ગાવસકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનો બીજો દિવસ ઑસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો, પરંતુ વર્લ્ડ નંબર-વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઘણી મહત્ત્વની સિદ્ધિઓ નોંધાવી હતી. બુમરાહે 72 રનમાં પાંચ વિકેટ લીધી હતી. તે એશિયાની બહાર ટેસ્ટ-મૅચના એક દાવમાં પાંચ કે વધુ વિકેટોની સિદ્ધિ સૌથી વધુ 10 વખત હાંસલ કરનાર ભારતીય બોલર બન્યો છે. તેણે કપિલ દેવને પાછળ રાખી દીધા છે.
આ પણ વાંચો : બુમરાહ સિવાયનું બોલિંગ-આક્રમણ નબળું, હેડ-સ્મિથની જોડીએ જીતનો પાયો નાખી આપ્યો
કપિલ દેવે એશિયાની બહાર કુલ નવ વખત ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી હતી. હવે તેઓ બુમરાહ પછી બીજા નંબર પર આવી ગયા છે.
બુમરાહે ઑસ્ટ્રેલિયામાં ત્રણ વખત, સાઉથ આફ્રિકામાં પણ ત્રણ વખત તેમ જ ઇંગ્લૅન્ડ તથા વેસ્ટ ઇન્ડિઝમાં બે-બે વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી છે. કપિલ દેવે ઑસ્ટ્રેલિયામાં પાંચ વાર તેમ જ વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લૅન્ડમાં બે-બે વાર પાંચ કે વધુ વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની ગણના એસ. ઇ. એન. એ. વર્ગના દેશો તરીકે થાય છે અને એ દેશોમાં કપિલે સાત વખત એક ઇનિંગ્સમાં પાંચ કે વધુ વિકેટ મેળવી હતી, જ્યારે બુમરાહે આઠમી વાર એ ઉપલબ્ધિ મેળવીને એમાં પણ કપિલને પાછળ રાખી દીધા છે.
બુમરાહે રવિવારે બ્રિસ્બેનના ગૅબામાં ઉસમાન ખ્વાજા, નૅથન મૅક્સ્વીની, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ અને મિચલ માર્શની વિકેટ લીધી હતી.
બુમરાહે ટેસ્ટની એક ઇનિંગ્સમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ બારમી વખત મેળવી છે અને એ સાથે તેણે ઝહીર ખાન તથા ઇશાંત શર્માને પાછળ રાખી દીધા છે. ઝહીર-ઇશાંતે 11-11 વાર દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. ભારતીય બોલર્સમાં કપિલ દેવ આ યાદીમાં 16 વખત પાંચ કે વધુ વિકેટના તરખાટ સાથે પહેલા નંબરે છે અને હવે બુમરાહ તેમની પાછળ બીજા સ્થાને આવી ગયો છે.
2010 સુધીમાં પાકિસ્તાનના ગુજરાતી-વૈષ્ણવ સ્પિનર દાનિશ કનેરિયાએ ઑસ્ટ્રેલિયામાં એક દાવમાં ત્રણ વખત પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી હતી. 2010 પછીના 14 વર્ષમાં બુમરાહ ઑસ્ટ્રેલિયામાં આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ પ્રવાસી બોલર બન્યો છે.
આ પણ વાંચો : ન્યૂ ઝીલૅન્ડનું ધબડકા પછી કમબૅક, 59 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ 319/5…
જોકે આ રેકૉર્ડમાં માત્ર ઝડપી બોલરની વાત કરીએ તો 1990ની સાલ સુધીમાં વસીમ અકરમે ઑસ્ટ્રેલિયામાં દાવમાં પાંચ વિકેટ ત્રણ વખત મેળવી હતી. એ જોતાં બુમરાહ હવે અકરમની એ ઉપલબ્ધિ પછીનો (છેલ્લા 34 વર્ષનો) પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.