ખ્યાતિ હૉસ્પિટલનાં ડિરેકટર રાજશ્રી કોઠારીના રિમાન્ડ મંજૂર, વકીલે કર્યાં ચોંકાવનારા ખુલાસા…
અમદાવાદઃ છેલ્લા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીને (rajshree Kothari) શનિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી ઝડપી પાડી હતી. આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં (Ahmedabad Rural District and Sessions Court) રજૂ કરવામાં આવી હતી. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ખ્યાતિ હૉસ્પિટલના પાર્ટનર્સની અમદાવાદના નરોડા (Naroda) વિસ્તારમાં 100 બેડની હૉસ્પિટલ શરૂ કરવાની યોજના હતી. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હાલ ઝડપથી વિકસી રહ્યો છે અને આ વિસ્તારમાં ઘણી જાણીતી હૉસ્પિટલોની બ્રાંચ આવેલી છે. ખ્યાતિ હોસ્પિટલ ખોટમાં ચાલતી હતી તેમ છતાં આરોપીઓ આ માટે પૈસા ક્યાંથી લાવવાના હતા તે અંગે પોલીસે હવે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : સતાધાર વિવાદમાં હવે પોલીસ તપાસ શરૂ; સાધુ સંતોનું વિજયબાપુને સમર્થન
કોર્ટમાં બંને પક્ષે કલાકથી વધુ ચાલી દલીલો
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બંને પક્ષોના વકીલોએ એક કલાકથી વધુ દલીલ ચાલી હતી. જે બાદ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં દરરોજના 10 ઓપરેશનનો ટાર્ગેટ હતો. ડો. પ્રશાંત વઝીરાણી પીએમજેએવાય પર રજિસ્ટર્ડ નથી. તેઓ સીડીના રિપોર્ટ કરતાં વિપરિત રિપોર્ટ તૈયાર કરતા હતા.
રાજશ્રીની હૉસ્પિટલમાં કેટલી ભાગીદારી?
ઝડપાયેલા આરોપી રાજશ્રી કોઠારી હૉસ્પિટલનાં ડિરેક્ટર અને ભાગીદાર છે. ખ્યાતિકાંડમાં આરોપી રાજશ્રી કોઠારીએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. રાજશ્રી કોઠારીની ખ્યાતિ હૉસ્પિટલમાં 3.61 ટકાની ભાગીદારી પણ છે. હૉસ્પિટલના ડિરેક્ટર્સ અને ચેરમેનની મીટિંગમાં વધુમાં વધુ ફ્રી કેમ્પના આયોજનનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. પીએમજેએવાય કાર્ડવાળા દર્દીઓને શોધી બીમારીનો ડર બતાવીને તેમને હૉસ્પિટલ લાવીને ઓપરેશન કરી દેવામાં આવતું હતું.
કેસ કઈ રીતે પ્રકાશમાં આવ્યો હતો?
કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ પણ વાંચો : પોલીસની જ માઠી દશા? એક વર્ષમાં 10 PI સસ્પેન્ડ!
ખ્યાતિ કાંડના ઝડપાયેલા 8 આરોપી
ડૉ. પ્રશાંત વઝીરાણી
ચિરાગ રાજપૂત
મિલિન્દ પટેલ
રાહુલ જૈન
પ્રતીક ભટ્ટ
પંકિલ પટેલ
ડૉ. સંજય પટોલીયા
રાજશ્રી કોઠારી