એર ઈન્ડિયાની ફ્લાઈટ કલાકો સુધી રન-વે પર રહી પણ…
મુંબઈઃ હવાઈ યાત્રા માટે પ્રવાસીઓ મોંઘા ભાવની ટિકિટ ખર્ચ્યા પછી કંપનીઓ પ્રવાસીઓને સારી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જઈ રહી છે, જેના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયા દરમિયાન તુર્કીમાં ઈન્ડિગો ફ્લાઈટના ધાંધિયા વચ્ચે આજે મુંબઈથી દિલ્હી જનારી ફ્લાઈટ રન-વે પર કલાકો સુધી રોકી રાખવાને કારણે પ્રવાસીઓએ પ્રશાસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
આ મુદ્દે એક પ્રવાસીએ કહ્યું હતું કે આજે સવારે સાડા દસ વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો. મુંબઈના ટર્મિનલ-૨થી દિલ્હી જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI ૨૯૯૪ દ્વારા પ્રવાસ કરનારા પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર રઝળી પડ્યા હતા.
એર ઈન્ડિયાના પ્લેનને રન-વે પર લાંબા સમય સુધી ઊભું રાખવામાં આવ્યું હતું. વિમાન કેટલા વાગ્યે ઉપડશે તેના અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નહોતી. વિમાનના રહેલા પ્રવાસીઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. હંમેશ મુજબ વિમાન ક્યારે ટેકઓફ કરશે તેની કોઈ જાણકારી પ્રવાસીઓને આપવામાં આવી નહોતી.
આ પણ વાંચો: મેટ્રો-ટુ-મેટ્રો રૂટ પર એર ઈન્ડિયામાં મુસાફરી આરામદાયક બનશે! વિસ્તારા સાથે મર્જર પહેલા લેવાયો આવો નિર્ણય
ત્યાર બાદ પ્રવાસીઓને કહેવામાં આવ્યું હતું કે તેમને બીજા વિમાન મારફત દિલ્હી મોકલવાની તૈયારી કરી હતી, પરંતુ એના પછી પણ કોઈ વ્યવસ્થા કરી નહોતી. પ્રવાસીઓને વિમાનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. તેમને ભોજન આપવાને બદલે તેમને સવારના નાસ્તાના નાના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.
વિમાનનો અંદરનો એક વીડિયો પણ જોવા મળ્યો હતો. આ વીડિયોમાં પ્લેનની અંદર હાજર મુસાફરો વ્યથિત અને કંટાળેલા જોવા મળ્યા હતા. પ્લેન તેના નિર્ધારિત સમયના કલાકો બાદ પણ ટેક ઓફ કરી શક્યું નથી. આ બાબત એર ઇન્ડિયા તરફથી હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. અહીં એ જણાવવાનું કે આ અગાઉ ઈન્ડિગોની સિસ્ટમ ઠપ થવાને કારણે તુર્કીના ઈસ્તંબુલથી દિલ્હી આવનારી ફ્લાઈટના સેંકડો પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા હતા.