ગાંધી પરિવારે મારી રાજકીય કારકિર્દી બનાવી અને બગાડી, મણિશંકર ઐયરે ગાંધી પરિવારના અનેક રહસ્યો ખોલ્યા
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે હાલમાં સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અય્યરે ગાંધી પરિવારના ત્રણ દિગ્ગજ નેતાઓ સાથે ક્યારે અને શું વાતચીત થઈ તે અંગે પણ પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. પોતાની રાજકીય સફરની વક્રોક્તિ વ્યક્ત કરતાં મણિશંકર ઐયરે કહ્યું હતું કે તેમની કારકિર્દી ગાંધી પરિવારે બનાવી હતી અને તેઓએ જ તેને બગાડી પણ દીધી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે વધુ એક પુસ્તક લખ્યું છે. આમાં તેમણે તેમના રાજકીય જીવન સાથે જોડાયેલી બાબતોનો પણ વિગતવાર ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે જાણીતા મીડિયા હાઉસ સાથેની મુલાકાતમાં તેમના આગામી પુસ્તક ‘અ મેવેરિક ઇન પોલિટિક્સ’ વિશે વાત કરી હતી તેમનું પુસ્તક ‘અ મેવેરિક ઇન પોલિટિક્સ’ જગરનોટ દ્વારા પ્રકાશિત થવાનું છે. તેમણે કહ્યું હતું કે, તેઓ છેલ્લા 10 વર્ષથી સોનિયા ગાંધીને મળ્યા નથી, રાહુલ ગાંધીને મળવાની તક મળી નથી અને પ્રિયંકા ગાંધી સાથે એકાદ વાર ફોન પર વાત કરી હતી.
મણિશંકર ઐયરે એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે તેમણે રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી, પરંતુ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી, તેમણે પ્રિયંકા ગાંધી દ્વારા તેમની શુભેચ્છા પાઠવી હતી, જેઓ તે સમયે રાજકારણમાં હતા.
મણિશંકર ઐયરે તેમના સંસ્મરણોમાં 1990ના દાયકામાં હર્ષદ મહેતાના કૌભાંડ સાથે સંબંધિત અનુભવનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું હતું કે એક વાર જ્યારે તેઓ તત્કાલિન વડાપ્રધાન નરસિમ્હા રાવને મળ્યા બાદ જ્યારે ડૉ.મનમોહન સિંહના ઘરે પહોંચ્યા તો મનમોહન સિંહે તેમને ઘરની અંદર વાત કરતા રોક્યા હતા. મનમોહને કહ્યું હતું કે તેમને શંકા છે કે તેમના ઘરમાં જાસૂસી માટે બગ લગાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : “નેહરુને પોતાનું બંધારણ હતું, ઇન્દિરા ગાંધીએ કર્યું પાપ” લોકસભામાં PM મોદીએ કોંગ્રેસને લીધી આડેહાથ…
ઐયરે પોતાના પુસ્તકમાં 2014ની લોકસભા ચૂંટણીમાં હાર વિશે લખ્યું છે. ઐયરે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 2014ની લોકસભાની શરમજનક હાર ટાળી શકાઈ હોત. જો પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ બનાવવાને બદલે વડાપ્રધાન અને મનમોહન સિંહને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હોત તો 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને આટલી ખરાબ રીતે હાર ન મળી હોત. તે સમયે પાર્ટી બંને પક્ષે વહેંચાઈ ગઈ હતી, જેને પ્રણવ મુખરજી સારી રીતે સંભાળી શક્યા હોત, પરંતુ તેમને તક આપવામાં આવી ન હતી. પ્રણવ મુખરજીને પોતાને પણ એવી જ આશા હતી કે તેમને દેશના વડાપ્રધાન બનાવવામાં આવશે અને મનમોહન સિંહને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે, પરંતુ ઉલટું જ થયું. પક્ષ પ્રમુખ અને વડા પ્રધાન રાજકારણમાં સક્રિય ન હોવાને કારણે, 2014 માં કોંગ્રેસ ખરાબ રીતે હારી ગઈ.
કોંગ્રેસે કયા રોડમેપ પર કામ કરવું જોઈએ. જેથી તેને આવનારી ચૂંટણીમાં ફાયદો મળે, એવા સવાલના જવાબમાં ઐયરે જણાવ્યું હતું કે કોંગ્રેસે ઈન્ડિ એલાયન્સના નેતૃત્વની લાલચ છોડવી પડશે અને ગઠબંધનના તમામ પક્ષને સન્માન આપતા શીખવું પડશે.
જ્યારે તેમને ભાજપમાં જોડાવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ઐયરે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ કોંગ્રેસ પાર્ટી પ્રત્યેની તેમની વફાદારી ક્યારેય છોડશે નહીં. તેઓ કૉંગ્રેસના સભ્ય હતા અને કૉંગ્રેસના જ સભ્ય રહેશે અને ક્યારેય ભાજપમાં નહીં જોડાય.