આપણું ગુજરાતકચ્છ

માત્ર સુરખાબ જ નહીં, આ રૂપકડાં પક્ષીઓ પણ બન્યા છે કચ્છના મહેમાન

ભુજ : આગવી વન્યજીવ શ્રૃષ્ટિ અને ભૌગોલિક વિષમતાઓ ધરાવતા ભાતીગળ પ્રદેશ કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી નિયમિત થઇ રહેલા ભારે વરસાદને કારણે અહીં આવતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દેશ-વિદેશના પક્ષીવિદોના દાયકાઓથી આકર્ષણરૂપ રહેલા નખત્રાણા તાલુકાના પક્ષી અભયારણ્ય છારીઢંઢ નજીક આવેલા ભગાડીયા ઢંઢમાં હાલ મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ વિચરતા જોવા મળી રહ્યા છે.

રૂપકડા કુંજ પક્ષીને ગુજરાતી ભાષામાં “કુંજ્ડી” પણ કહેવાય છે. આ પક્ષીની ખાસિયત એ છે કે, જૂથમાં ઉડતી વખતે તેમના સમૂહનો આકાર અંગ્રેજીના અક્ષર ‘V’ જેવો હોય છે જે મોટાભાગે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે જોવા મળે છે.રણ, ઘાસિયાં મેદાન,કાંટાળાં જંગલ, વેટલૅન્ડ ઉપરાંત વિશાળ સમુદ્રી કિનારો ધરાવતા કચ્છ પ્રદેશમાં જોવા મળતી ભૌગોલિક વિશેષતાઓને કારણે વિવિધ પ્રજાતિના પક્ષીઓ માટે એક આદર્શ રહેણાકનું સ્થાન બને છે અને પ્રવાસી પક્ષીઓ કચ્છમાં આવવાનું પસંદ કરે છે. છારીઢંઢ એ ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવે છે.

અહીં ઘાસિયા મેદાનમાં નાના જીવજંતુઓ મોટી સંખ્યામાં હોય છે એટલે પક્ષીઓને ખોરાક મળી રહે છે. વેટલૅન્ડનાં પક્ષીઓ છીછરા પાણીમાં રહેવાનું પસંદ કરે અને ત્યાં નાની માછલીઓ તેમનો ખોરાક બને છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છારીઢંઢ વિસ્તારને રૂપકડાં યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ ૨૦૦૮માં સંરક્ષિત જાહેર કરાયો છે. છારીઢંઢ અને તેની આસપાસ ૫૦૦૦થી વધુ પાણીના ધોધ, પક્ષીઓની ૨૫૦ જેટલી પ્રજાતિઓ અને વન્ય પ્રાણીઓની ૫૫ અલગ-અલગ પ્રજાતિઓ નોંધવામાં આવી છે. શિયાળા દરમિયાન ૩૦,૦૦૦થી વધુ સામાન્ય ક્રેન્સ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : વલો કચ્છ : ક્રાંતિતીર્થ ‘વીરાંજલિ ગેલેરી’નું આધુનિકીકરણ… ભુજ ઍરપૉર્ટને ‘ક્રાંતિકાર’નું નવું નામ?

ડેલમેટિયન પેલિકન,ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક નેકેડ સ્ટોર્ક અને ઇન્ડિયન સ્કિમર જેવી લુપ્ત થતી જતી પ્રજાતિઓ દર વર્ષે આ વેટલેન્ડ્સમાં આવે છે.

હજારો ફ્લેમિંગો તેમના સમાગમ ચક્ર માટે,સામાન્ય ક્રેન્સ અને સેંકડો પેઇન્ટેડ સ્ટોર્ક,રેપ્ટર્સ અને સ્પૂનબિલ્સ સહિત અન્ય પક્ષીઓ અહીં જોઈ શકાય છે. ભીની માટી યાયાવર પક્ષીઓ ઉપરાંત ચિંકારા, વરુ, કારાકલ,રણમાં જ જોવા મળતી બિલાડીઓ અને રણના શિયાળને પણ આકર્ષે છે.

વરસાદના કારણે કચ્છ તરફ વહેતી નદીઓના પાણી અહીં ઠલવાય છે અને માટીના કારણે આ વિસ્તાર કાદવ યુક્ત બને છે જે વિદેશી પક્ષીઓના રહેઠાણ માટે એક આદર્શ જગ્યા હોવાથી દર વર્ષે શિયાળામાં હાડથીજાવતી ઠંડીથી બચવા માટે પોતાના ઋતુ પ્રવાસ દરમિયાન પક્ષીઓ આ સ્થળે રહેણાંક બનાવતા હોય છે.

ફુલાય ગામના જાણીતા ગાઈડ અને તસવીરકાર મૂકીમભાઇ મુતવાએ જણાવ્યું હતું કે, કુદરતના કરિશ્મા સમી આ જગ્યાએ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ જેવાં કે કચ્છની ઓળખ સમા સુરખાબ,પેલિકન,યુરોપિયન રોલર, સ્થાનિક બાજ,ગરુડ,બતક,ટીટોડી જેવા-જાત જાતના અને દેશ વિદેશના પંખીઓનો જમાવડો જોવા મળે છે. પ્રાકૃતિક સૌંદર્ય અને પક્ષીસૃષ્ટિના કારણે દેશ-વિદેશના સહેલાણીઓ અને પક્ષીવિદો માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button