સ્પોર્ટસ

બુમરાહ સિવાયનું બોલિંગ-આક્રમણ નબળું, હેડ-સ્મિથની જોડીએ જીતનો પાયો નાખી આપ્યો

Focus…
Keywords….Bumrah, test, partnership

બ્રિસ્બેનઃ અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર શનિવારે મેઘરાજાએ જોરદાર બૅટિંગ કરી હતી તો સતત બીજી સેન્ચુરી ફટકારનાર ટ્રેવિસ હેડ (152 રન, 160 બૉલ, અઢાર ફોર) અને સ્ટીવ સ્મિથ (101 રન, 190 બૉલ, બાર ફોર)ની જોડીએ રવિવારે ફટકાબાજી કરીને ઑસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં વિજય માટેનો મજબૂત પાયો નાખી આપ્યો હતો. બીજા દિવસની રમતના અંતે કાંગારૂઓનો સ્કોર સાત વિકેટે 405 રન હતો. હવે ભારતે પણ પ્રથમ દાવમાં તોતિંગ સ્કોર નોંધાવવો પડશે, નહીં તો ઑસ્ટ્રેલિયા સતત બીજી ટેસ્ટ જીતીને સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવવાનો મોકો ઝડપી લેશે.

સોમવાર, મંગળવાર અને બુધવારે પણ વરસાદ પડવાની આગાહી છે. જોકે વર્ષા નહીં થાય તો ગૅબાના મેદાન પર રનનો વરસાદ જરૂર જોવા મળશે.

ભારતના બોલિંગ-આક્રમણમાં ફક્ત જસપ્રીત બુમરાહ (25-7-72-5) અસરદાર હતો. એ સિવાય ટીમ ઇન્ડિયાનું બોલિંગ-આક્રમણ એકંદરે નબળું હતું જેને કારણે હેડ-સ્મિથ ચોથી વિકેટ માટે 302 બૉલમાં 241 રનની ભાગીદારી કરવામાં સફળ થયા હતા. પ્રથમ સત્રમાં ભારતીય બોલર્સે કાંગારૂ બૅટર્સ પર અસર પાડી હતી, પણ પછી દિશાહીન થઈ જતાં હેડ-સ્મિથે પ્રભુત્વ જમાવ્યું હતું.

શનિવારે વરસાદને કારણે ફક્ત 13.2 ઓવર બોલિંગ થઈ શકી હતી જેમાં ઑસ્ટ્રેલિયાએ વિના વિકેટે 28 રન બનાવ્યા હતા. રવિવારે 88 ઓવરમાં કાંગારૂઓએ બીજા 377 રન ઉમેર્યા હતા.

પહેલી ત્રણમાંથી બે વિકેટ બુમરાહે લીધી હતી. તેણે ઉસમાન ખ્વાજા (21 રન) અને નૅથન મૅક્સ્વીની (નવ રન)ને અનુક્રમે વિકેટકીપર રિષભ પંત તથા સેક્નડ સ્લિપમાં વિરાટ કોહલીના હાથમાં કૅચઆઉટ કરાવ્યા હતા. ત્યાર બાદ માર્નસ લાબુશેન (12 રન)ની વિકેટ 21 વર્ષીય પેસ બોલર નીતિશ કુમાર રેડ્ડીએ લીધી હતી. તેણે તેને બીજી સ્લિપમાં કોહલીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

સ્ટીવ સ્મિથ અને મિચલ માર્શ (પાંચ રન)ની મહત્ત્વની વિકેટ બુમરાહે લીધી હતી અને ત્યાર પછી બુમરાહે જ હેડનો કૅચ પંતના હાથમાં અપાવ્યો હતો, પણ ભારતીય બોલર્સ પૅટ કમિન્સ (20 રન) અને વિકેટકીપર ઍલેક્સ કૅરી (45 નૉટઆઉટ)ની સાતમી વિકેટ માટેની 58 રનની ભાગીદારી બનતી નહોતા રોકી શક્યા.

101 ઓવરમાં સાત વિકેટે થયેલા 405 રનના સ્કોર સાથે ઍલેક્સ કૅરી સાથે મિચલ સ્ટાર્ક (સાત રન) નૉટઆઉટ હતો. કમિન્સની વિકેટ મોહમ્મદ સિરાજે લીધી હતી.

જોકે પેસ બોલર આકાશ દીપ શરૂઆતમાં સારી બોલિંગ કર્યા બાદ 24.4 ઓવરમાં 78 રનના ખર્ચે એકેય વિકેટ નહોતો લઈ શક્યો. લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાને 76 રનમાં વિકેટ નહોતી મળી.

ઑસ્ટ્રેલિયાના સાતેય બૅટર કૅચઆઉટ થયા હતા. ત્રણ કૅચ પંતે અને ત્રણ કોહલીએ પકડ્યા હતા, જ્યારે એક કૅચ રોહિત શર્માને ફાળે આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button