પુષ્પા-2ના દસમાં દિવસના કલેક્શને સૌને ચોંકાવ્યા, બીજા વીક એન્ડમાં પણ હાઉસફૂલ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ થિયેટરોમાં રૂલ કર રહી છે. મોટાભાગના થિયેટરોમાં તમામ શૉ પુષ્પા-2ના છે અને ફૂલ કેપેસિટીમાં ચાલે છે. શનિવારે ફિલ્મનો દસમો દિવસ હતો અને ફિલ્મે ભારતમાં રૂ. 62.3 કરોડનો ધંધો કર્યો છે. જેમાં હિન્દી ફિલ્મે રૂ. 46 કરોડ અને તમિળ રૂ.13 કરોડનો બિઝનેસ કર્યો હતો.
બીજો શનિવાર હોવા છતાં ફિલ્મે સારો એવો બિઝનેસ કર્યો છે.
શુક્રવારે બૉક્સ ઓફિસ પર ફિલ્મે 36 કરોડનો બિઝનેસ કર્યો હતો. અત્યાર સુધીમાં ફિલ્મે રૂ. 824 કરોડનો ભારતમાં બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેલુગુ કરતા પણ હિન્દી વર્ઝનમાં વધારે કમાણી કરી છે. કુલ તમામ ભાષાની કમાણીમાંથી એકલી હિન્દી ફિલ્મની કમાણી રૂ. 498 કરોડ થઈ છે.
આ પણ વાંચો: એક હજાર કરોડનો દલ્લો એકઠો કરી લીધો છતાં પુષ્પા-2 આ ફિલ્મોથી પાછળ
પુષ્પા-2એ અત્યાર સુધીમાં રૂ. 1000 કરોડનો વકરો કર્યો છે. શનિવારના આ આંકડાને જોતા રવિવારે વધારે કમાણીની આશા જાગી છે. જો રવિવારે પણ આવી જ કમાણી કરશે તો પુષ્પા-2 કોરોનાની મહામારી પછીની એવી પહેલી ફિલ્મ સાબિત થશે જેણે બીજા વીક એન્ડમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો હોય. અગાઉ કોરોના પહેલા બાહુબલી-2 અને દંગલે રિલિઝના બીજા વીક એન્ડમાં રૂ. 100 કરોડની કમાણી કરી હતી.
આ ફિલ્મની રિલિઝ બાદ હીરો અલ્લુ અર્જુન જેલમાં ગયો હોવાનો મુદ્દો પણ ખૂબ જ ચગ્યો છે. 4થી ડિસેમ્બરે ફિલ્મના પ્રિમિયર શૉ સમયે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગમાં એક મહિલા મૃત્યુ પામી હતી.
સુરક્ષાની ચોક્સાઈ કર્યા વિના અહીં અલ્લુ આવ ચડ્યો હતો અને તેને જોવા માટે થયેલી ધક્કામુક્કીમાં મહિલાનું મોત થયું હતું. આ કારણસર અલ્લુએ જમાનત મળી હોવા છતાં એક રાત જેલમાં વિતાવવી પડી હતી. અલ્લુએ જેલમાંથી બહાર નીકળ્યા બાદ માફી પણ માગી હતી.