ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ઊડતી વાત -: રાજુ રદી સરકારને આપશે ‘ભેટ’ બોલો, કઈ?

ભરત વૈષ્ણવ

‘મહારાજજજ્, તમને તો લોટરી લાગી ગઇંઈ,’ ચંદુએ લથડતા અવાજે જીભથી સૂસવાટની સીટી મારતાં કહ્યું. રાજુ અકરાંતિયાની જેમ તૂટી પડ્યો હતો. રાજુને ‘હિચકી’ તરીકે ઓળખાતી બ્રાન્ડેડ હેડકી ડેઇલી સિરિયલના એપિસોડની માફક આવતી હતી. પાંચ મિનિટમાં તો હેડકીની સિલ્વર, ગોલ્ડન અને પ્લેટિનમ જ્યુબિલી ઊજવાઈ ગઈ.

‘રાજુ, એની માને. તું ક્યાં મારી માંડે છે? મને એકલાને જ લોટરી લાગી છે? તમને પણ જેકપોટ જ લાગ્યો છેને? ખાલીપીલી બકવાસ કરે છે.’ મેં પણ પેગમાંથી સીપ મારીને ડોલનશૈલીમાં ડાયલોગ માર્યો. પછી ચખણા નામે ઓળખાતા ખાદ્યપદાર્થનો બુકડો મારતાં કહ્યું. આપણે ત્યાં એમ કહેવાય છે કે જયાં બુકડો ત્યાં વાઇન ઢૂંકડો.’

‘ગિરધરલાલ મહારાજ, તમે તો વિપ્ર છો. તમને બકલ નંબર ૭૮૬ મળ્યો છે. આને વિચિત્રતા ન કહેવાય તો શું કહેવાય?’ રાજુએ જાણે મોટી જોક મારી હોય તેમ મોગેમ્બોની જેમ અટહાસ્ય કર્યું. પછી રડી પડયો. પીનારને જાતજાતના સ્વિંગ આવતાં હોય છે.

‘રાજુડા, આપણે તો ઇશ્વર અલ્લાહ તેરે નામમાં માનીએ છીએ. ઉપર જઈએ ત્યારે શું લઈ જવાનું છે? કોરું મોઢું ભીનું કરી જવાનું છે. આ સિપાઇડાની નોકરીમાં શું મળે છે અને વળે છે? એટલે કાયમ દિલ બળે છે પછી દિલ વાઇન તરફ વળે છે. પેટમાં પેગ જાય છે અને આ ગિરધરલાલ ગુપ્ત સામ્રાજ્યના ચક્રવર્તી સમ્રાટ બની જાય છે…. મેં ફિલસૂફ અંદાજમાં ડાહી ડાહી વાત કરી. ગિરદરલાલ, દારૂબંધી આપણી લાઇફલાઇન છે. આપણને દારૂ પકડવાના પૈસા મળે છે. દારૂ છોડવાના પૈસા મળે છે. બુટલેગરની ગાડીનું પાઈલોટિંગ કરી સલામત જગ્યાએ ગાડી પહોંચાડવાના પૈસા મળે છે. દારૂની બાટલીના પુરાવા સગેવગે કરવાના પૈસા મળે છે.

Also read: મોર્નિંગ મ્યૂસિંગ: આધુનિક કે ગમાર, સ્ત્રીને આજે પણ બુદ્ધિમાં કમતર ગણવામાં આવે છે

માલખાનામાં પડેલ દારૂ પીવા મળે. પછી બિન્દાસ્ત કહી દેવાનું કે ઉંદરડા ત્રણ કરોડ રૂપિયાની બાટલી પી ગયા.’ કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના. પોલીસની વર્દી છે એટલે સંતુ રંગીલીના સ્ટેન્ડે જઈ ફ્રી ઓફ દારૂ પીવાનો. કડક નોટોની ગડી પણ લઈ આવવાની. આપણી તો પાંચે આંગળી દારૂમાં ડૂબાડૂબ છે. દારૂબંધી તો આપણા માટે કામધેનુ છે. મૂઈ સરકારને રેવન્યુ લોસ છે. એમાં આપણા કેટલા ટકા? રાજુએ દારબંધીથી બેવડા પોલીસ બેડાને થતા લાભ વિસ્તારથી વર્ણવ્યા.

“રાજુડા, ‘નેતિ નેતિ ઇતિ’ એવું વાક્ય તે સાંભળ્યું છે? ગુજરાત આ સૂત્રને વરેલું છે. આપણે ત્યાં દારૂબંધી હોવા છતાં વરસમાં ચાર-પાંચ દિવસ ડ્રાય ડે જાહેર કરવા પડે છે. દારૂનો ઑર્ડર કરો અને ફ્રી હોમ ડિલિવરી રોકટોક વિના મળે છે. બીજા રાજ્યમાં દારૂની છૂટ હોવા છતાં બેવડા રોડ પર પડેલા જોવા મળતા નથી. આપણે ત્યાં ગલીએ ગલીએ જોવા મળે છે. આપણી જાહોજલાલી દારૂબંધીને કારણે છે. બાકી પગારમાં લૂમ વળે? મેં રાજુને સમજાવ્યું.

‘આગલી સરકાર તો બેકાર હતી. આપણા કાર્યક્ષેત્રમાં દારૂની રેડમાં દસ હજારનો દારૂ પકડાય તો આપણા ગળામાં ફાંસીનો ફંદો ફસાવવાની કાર્યવાહી કરતી હતી, કેમ કે તમામ પોલીસવાળા હટ્ટાકટ્ટા અને તગડા. કોઈ પતંગ જેવો પાતળો નહીં. પરિણામે જાડો જણ જોઇને શૂળીએ ચડાવે તેવો અંધેરીનગરીના ગંડુ રાજા જેવો ઘાટ હતો. આપણી કોઇ વેલ્યુ જ નહીં.

ચોર કોટવાળને દંડે તેવું નહીં, પરંતુ કોટવાળ જ કોટવાળને દંડે. માનો કે લોઢું લોઢુંને કાપે. આપણે ફફડતા દિલે દારૂનો વહીવટ કરવાનો. સસલાની જેમ ફફડતાં પાર્ટી કરવાની શું કંકોડા મજા આવે? દારૂનો કેફ ચડે તે પહેલાં જ કેફ ઊતરી જાય….’ રાજુએ દારૂનો ઘૂંટડો ચાવતાં ચાવતાં અને ચખણા પીતાં પીતાં ફરિયાદ કરી.

રાજુ, તારી વાત સાચી છે. આપણે પાંચ કરોડ ટ્રિલિયન ડૉલર ઇકોનોમીનો ઢોલ પીટીએ છીએ. વિશ્ર્વની ત્રીજી આર્થિક સત્તા હોવાના ખોંખારા ખાઈએ છીએ. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી હોય તો દસ હજાર રૂપિયાનો દારૂ પકડાય તો દારોગાનો પટો ઉતારવાની વાત કયાં ન્યાયસંગત છે? કેટલીક બ્રાંડના દારૂની એક બોટલની કિંમત દસ હજાર રૂપિયા હોય તો એક બોટલ પકડાય તો પણ આપણો કોલર પકડવાનો નિર્ણય તઘલખી નિર્ણય કહેવાય.’ મેં રાજુની વાતને સમર્થન આપ્યું.

‘ગિરધરલાલ, ભલું થજો આ સરકારનું કે હવે અઢી લાખ રૂપિયાથી વધુ રકમનો દારૂ પકડાય તો જ આપણી વિરુદ્ધ કામગીરી કરવાની તેવો હવાલદારલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયને વધાવીને છાપામાં આખું પાનું ભરીને મોટી જાહેરાત આપી દારૂબંધીના કડક અમલ માટે કરેલ નિર્ણય બદલ લાખ લાખ નહીં પણ નિખર્વ અભિનંદન આપણે પોલીસ બેડાએ શરાબપ્રિય સરકારને આપવા જોઈએ.

Also read :વિશેષ: અમેરિકાની ચૂંટણીમાં ત્યાં વસેલા ભારતીયોના મત ગૅમચેન્જર બનશે?

અલબત, જાહેરાતનું બિલ બુટલેગર આલમને મોકલી ચુકવણું કરવા કહી દેવાનું. બુટલેગર અને આપણું ગાંધી વૈદનું સહિયારું છે કે નહીં?’ રાજુએ નવા નિર્ણયનું સ્વાગત-અભિવાદન-અભિનંદન કર્યાં. ‘રાજુ, આ નિર્ણય બદલ સરકારનું સન્માન કરવું જોઇએ.’ મેં પ્રસ્તાવ મૂકયો.

‘સરકારનું સૂતરની આંટીથી સ્વાગત કરીએ.’ રાજુએ સૂચન કર્યું. ‘એ જામશે નહીં.’ મેં પ્રસ્તાવ રિજેક્ટ કર્યો. ‘તો બુકે આપીએ.’ રાજુએ બીજો પાસો ફેંક્યો. ‘તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચાંદી કે સોનાની આઇડોલ આપીએ.’ રાજુએે નવો સૂઝાવ મૂકયો. રાજુ, આઇડિયા અચ્છા હૈ. પરંતુ બજેટ વધી જશે.’ મેં પાણીમાંથી પોરો કાઢ્યો.

‘તો પછી તમે જ સજેસ્ટ કરો.’ ‘આપણે સરકારને સ્મોકડ વ્હીસ્કીની બોટલ ભેટ તરીકે આપીએ.’ મેં રાજુને સૂચન કર્યું.
તમે માનશો? વાઇનનું એક ટીપું પીધાં સિવાય રાજુને બારમા પડેલી તમામ બોટલનો નશો ચડી ગયો! હવે નશો ઊતરે પછી સરકારના સન્માનનો સમારંભ યોજી નાખીએ. નેક કામમાં દેર અચ્છી નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button