ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

ઈકો-સ્પેશિયલ : રિઝર્વ બૅન્કના નવા ગવર્નર શું છે ? એમની સામે તાત્કાલિક પડકાર?

-જયેશ ચિતલિયા

સંજય મલ્હોત્રા

સૌથી લાંબી મુદત માટે રિઝર્વ બૅન્કના ગવર્નર રહેનાર શક્તિકાંત દાસને સ્થાને હવે નવા ગવર્નર તરીકે અત્યાર સુધી નાણાં ખાતામાં સચિવ રહી ચૂકેલા સંજય મલ્હોત્રા આવી ગયા છે ત્યારે ફાઈનાન્સિયલ જગતમાં અનેકવિધ અપેક્ષાઓ ફરતી થઈ છે, જેમાં સૌથી વધુ ચર્ચા નવા ગવર્નર એમની પ્રથમ પૉલિસીમાં રેટકટ (વ્યાજદરમાં કાપ) લાવશે કે કેમ તે વિશે થઈ રહી છે.
સંજય મલ્હોત્રા સામે સંવેદનશીલ પડકાર ઈન્ફલેશન-ગ્રોથ (મોંઘવારી અને આર્થિક વિકાસ)ની સમતુલા જાળવવાનો છે. મલ્હોત્રાજી એમની પ્રથમ મોનેટરી પૉલિસી ફેબ્રુઆરીમાં જાહેર કરશે. આ પૉલિસીમાં નવા ગવર્નર રેટકટ વિશે કેવો અભિગમ અપનાવે છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

નવા ગવર્નર સામે હાલ ફુગાવાનો અને નીચા ગયેલા ગ્રોથ રેટનો અને રૂપિયાના વેલ્યુએશનનો પડકાર ઊભો છે. છેલ્લા અમુક સમયથી રૂપિયો ડૉલર સામે સતત ડાઉન થતો ગયો છે. આ ઉપરાંત, ગ્લોબલ સ્તરે યુદ્ધ-તનાવ સંજોગો અને અનિશ્ર્ચિતતા પણ સતત લટકતી તલવારની જેમ ઊભા છે. આ બધું તો ક્યારનું છે અને હજી કેટલો સમય રહેશે એ કળી શકાય એમ નથી. એની સામે ટકી રહેવા દેશ અને રિઝર્વ બૅન્ક ઘણેઅંશે સક્ષમ હોવાનું પુરવાર થયું છે. અલબત્ત, આ પરિબળો કેટલેક અંશે ડિસ્કાઉન્ટ પણ થઈ ગયાં છે ત્યારે સતત વધી રહેલો પડકાર સાયબર સિક્યુરિટીનો અને કરન્સી વેલ્યુએશનનો છે, જે સતત ગંભીર બનતો જાય છે.

Also read: મુમ્બા: હજારો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સ્ટાર્ટ-અપ

નિવૃત્ત થતા ગવર્નર શક્તિકાંત દાસે તાજેતરમાં કરેલું એક વિધાન મહત્ત્વનું છે, જેમાં એમણે કહ્યું છે કે એમના સમયકાળમાં રિઝર્વ-સેન્ટ્રલ બૅન્ક અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ (કેન્દ્ર સરકાર) ના સંબંધ સુમેળભર્યા રહ્યા છે. આ પરંપરા નવા ગવર્નર પણ જાળવશે એમાં એમને વર્તમાન ટીમ પૂર્ણ સહયોગ આપશે એવી આશા છે. નાણાકીય નીતિઓ બાબતે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક વચ્ચે વૈચારિક-નીતિવિષયક સામ્યતા-સહમતી હોવી અર્થતંત્ર માટે અગત્યની ગણાય. હવે રિઝર્વ બૅન્ક સામે જે કામોની યાદી છે, તેમાં ફાઈનાન્સિયલ ઈન્કલુઝન (નાણાકીય સર્વસમાવેશ અર્થાત્ દેશના સામાન્ય માણસને પણ આર્થિક બાબતોમાં ગણતરીમાં લેવાય.) છે. તેમ જ ફાઈનાન્સિયલ ઈનોવેશન, નવી કરન્સી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી-સીબીડીસી) સૌથી મોટી પ્રાયોરિટી છે.

આ મુદ્દો હાલ તો ટ્રમ્પના નિવેદન બાદ નવેસરથી ચર્ચામાં આવ્યો છે. આપણી ડિજિટલ કરન્સી રિઝર્વ બૅન્ક અન્ય દેશો સાથે વેપાર કરવામાં ઉપયોગમાં લેવા માગે છે. ખૈર, આ મામલો આગામી સમયમાં તેનો રંગ બતાવશે. સાઈબર અટેક સામે સજાગ ને સક્ષમ બનવું પડશે હાલ તો વધી રહેલા સાયબર અટેક ગંભીર સમસ્યા અને પડકાર બનીને ઊભા છે. આ સંકટ બૅન્કો અને નાણાં સંસ્થાઓ માટે હોવાની સાથે સામાન્ય માણસો માટે પણ છે, જે બધા બૅન્કો સાથે એક યા બીજા સ્વરૂપે જોડાયેલા છે.
બૅન્કિંગ સિસ્ટમ પર એમનો વિશ્ર્વાસ છે. જો કે, હવે તો રિઝર્વ બૅન્કના નામનો દુરુપયોગ પણ સાયબર કૌભાંડીઓ-અપરાધીઓ મોટે પાયે કરવા લાગ્યા છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જેટલાં પણ નેટ કનેકટેડ-બૅન્ક કનેકટેડ છે તે બધાં જ સાયબર અટેકનો ભોગ બની શકે છે માટે બૅન્કોએ સતત અને અતિસક્રિય રહેવાની સજાગતા રાખવાની છે.

આ ઉપરાંત મની લોન્ડરિંગ, હવાલા, બેનામી નાણાકીય વ્યવહારો પણ રિઝર્વ બૅન્ક અને બૅન્કો માટે માથાનો દુખાવો અને ટેન્શનાં કારણો બની વધતા જાય છે. એક સમય હતો, જયારે બૅન્કો લોન ડિફોલ્ટર્સથી હેરાન-પરેશાન રહેતી હતી. દેશભરની બૅન્કો માટે એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટસ) અને વિલફુલ ડિફોલ્ટર્સનો ભારે બોજ હોવાથી મોટા ભાગની બૅન્કોની બેલેન્સશીટ ખખડી ગઈ હતી, અલબત્ત, આજે આ સમસ્યા ઘણે અંશે ઘટી રહી છે અને બૅન્કોની બેલેન્સશીટ કિલન-ચોખ્ખી થતી જાય છે.

ઈકોનોમિક રિફોર્મ્સ ઝડપી થશે હવે વિકાસદર (જીડીપી)ના મુદ્દે ભારતનો આર્થિક વિકાસદર નીચે ગયો છે, જેને સરકાર આગામી વરસે ૮ ટકા આસપાસ લઈ જવાનું લક્ષ્ય રાખે છે. આ માટે સરકારે સંખ્યાબંધ રિફોર્મ્સ કરવાનાં આવશે, આમ તો મોદી સરકાર છેલ્લાં દસ વરસથી વધુ આક્રમક સ્વરૂપે આર્થિક સુધારા અમલમાં મૂકી રહી છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી-પાવર, કૃષિ વગેરે જેવી બાબત મુખ્ય છે, જ્યારે આગામી બજેટ (ફેબ્રુઆરીમાં)માં વધુ સુધારા માટેની તૈયારી અત્યારથી જોરમાં છે.

Also read :બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : બ્રાન્ડની સફળતા એટલે લાંબા-ટૂંકા ગાળાનું સચોટ સંકલન

બીજી તરફ, રાજકીય મોરચે સરકારને મળી રહેલી સફળતા નવો આત્મવિશ્ર્વાસ જગાવી રહી છે. ગ્લોબલ સ્તરે ભારતના વધી રહેલા વર્ચસ્વને લીધે ગ્લોબલ લેવલે એ આકર્ષણ જગાવે અને જમાવે એવા રિફોર્મ્સ અનિવાર્ય પણ છે. રિઝર્વ બૅન્ક આ વિષયમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેથી નવા ગવર્નર સંજય મલ્હોત્રાને શુભેચ્છા આપીએ કે એમને પણ દેશના વિકાસને વધુ નક્કર-મજબૂત અને વ્યાપક બનાવવામાં સફળતા મળે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button