મોર્નિંગ મ્યૂસિંગ : મર્દને પણ દર્દ થાય છે… અતુલ સુભાષની જેમ અનેક પુરુષ ઘરેલુ હિંસાનો ભોગ બની રહ્યા છે.
-રાજ ગોસ્વામી
ગયા અઠવાડિયે બેંગલુરુમાં સોફ્ટવેર પ્રોફેશનલ અતુલ સુભાષની દુ:ખદ આત્મહત્યાએ પૂરા દેશને હચમચાવી નાખ્યો છે. પત્નીથી અલગ રહેતા અતુલે આત્મહત્યા કરતાં પહેલાં ૨૪ પાનાંનો એક લાંબો પત્ર લખીને અને એક કલાકનો વીડિયો રેકોર્ડ કરીને પત્ની અને એના સંબંધીઓએ કાનૂનની મદદથી એની પર કેટલો અત્યાચાર ગુજાર્યો હતો તેની વિગતવાર વાતો કરી હતી.
એણે સોશિયલ મીડિયા પર પોતાની છેલ્લી પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલન મસ્કને ભારતીય પુરુષોને વોકિઝમ અને કાનૂની સતામણીથી બચાવવા અપીલ કરી હતી. અતુલ પત્નીથી અલગ થઈ ગયો હતો, પરંતુ પત્ની અને એના પરિવાર દ્વારા વારંવાર આરોપો અને અદાલતી કેસોએ અતુલને તોડી નાખ્યો હતો. સુસાઈડ નોટમાં અતુલે કહ્યું હતું કે નિકિતા અને એના પરિવારના સભ્યોએ એની સામે ઘરેલુ હિંસા, હત્યાનો પ્રયાસ, દહેજની સતામણી સહિત ૯ કેસ દાખલ કર્યા હતા. અતુલ અને નિકિતાએ ૨૦૧૯માં લગ્ન કર્યાં હતાં.
અતુલે કહ્યું કે એમનાં લગ્ન પછીથી નિકિતા અને એનો પરિવાર કોઈ ને કોઈ બહાને એની પાસેથી પૈસાની માગણી કરી રહ્યો હતો. વીડિયોમાં અતુલ કહે છે કે મારે આત્મહત્યા કરવી જોઈએ, કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું તે મારા દુશ્મનોને મજબૂત બનાવી રહ્યો છે. મારા કરવેરાના પૈસાથી કોર્ટ અને પોલીસવ્યવસ્થા મને, મારા પરિવારને અને સારા લોકોને હેરાન કરશે….’ ભારતમાં અતુલ પહેલો નથી. પત્નીપીડિત આવા હજારો પુરુષ મૃત્યુ પામ્યા છે. ૩૪ વર્ષીય અતુલના કિસ્સામાં સિસ્ટમ એની વિરુદ્ધ થઈ ગઈ હતી. કાનૂની અને સામાજિક વ્યવસ્થામાં ઘણો પક્ષપાત છે. તેમાં માત્ર સ્ત્રીઓને જ સાંભળવામાં આવે છે, પુરુષોને નહીં. પુરુષોને હેરાન કરવામાં આવે છે. આઈપીસીની કલમ ૪૯૮ હેઠળ પુરુષો સામે ઇરાદાપૂર્વક કેસ દાખલ કરવામાં આવે છે. ખુદ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે આમાંથી ૯૫ ટકા કેસ નકલી હોય છે.
Also read: નવા વર્ષે… નવી ટૅકનોલૉજી શું છે નવા આવિષ્કાર – અપડેટ ને એનિમેશન્સ? નવા વર્ષે… નવી ટૅકનોલૉજી
મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદાનો ઉપયોગ પુરુષોને પ્રતાડવા માટે હથિયાર તરીકે થઈ રહ્યો છે. કેટલા પુરુષો ઘરેલુ હિંસાનો ભોગ બને છે તે જાણવા માટે ભારતમાં કોઈ સરકારી અભ્યાસ કે સર્વેક્ષણ નથી, પરંતુ કેટલીક એનજીઓ ચોક્કસપણે આ દિશામાં કામ કરી રહી છે. ‘સેવ ઇન્ડિયન ફૅમિલી ફાઉન્ડેશન’ અને ‘માય નેશન’ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં નેવું ટકાથી વધુ પતિઓએ ત્રણ વર્ષના સંબંધમાં ઓછામાં ઓછી એક વાર ઘરેલુ હિંસાનો અનુભવ કર્યો છે. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે જ્યારે પુરુષો પોલીસ અથવા અન્ય કોઈ પ્લૅટફૉર્મ પર આની ફરિયાદ કરવા માગતા હતા ત્યારે લોકો એના પર વિશ્ર્વાસ કરતા નથી અને એમને હસી કાઢવામાં આવે છે.
‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો’ના આંકડા મુજબ દેશમાં પુરુષોમાં આત્મહત્યાનો દર મહિલાઓની સરખામણીએ બમણો છે. આની પાછળનાં અન્ય કારણોમાં પુરુષો પણ ઘરેલુ હિંસાનો ભોગ બનેલા હોવાનું કહેવાય છે, જે કોઈ પણ મંચ પર ફરિયાદ પણ કરી શકતા નથી. તેમ છતાં એવું નથી કે પુરુષ સામેની હિંસા વિશે કોઈ જાણતું નથી અથવા તેની સામે અવાજ ઉઠાવાતો નથી. જોકે, આ અવાજ સાવ મંદ છે અને પછી ખૂબ જ ઝડપથી શાંત થઈ જાય છે. અતુલની આત્મહત્યાથી પહેલી વાર દેશ આ વિશે વધુ વાત કરતો થયો છે.
થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં ‘ભારતીય જનતા પાર્ટી’ના કેટલાક સાંસદોએ માગ કરી હતી કે ‘રાષ્ટ્રીય મહિલા આયોગ’ની તર્જ પર ‘રાષ્ટ્રીય પુરુષ આયોગ’ જેવી કોઈ બંધારણીય સંસ્થાની પણ રચના થવી જોઈએ. આ વિશે એમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પત્ર લખનારા સાંસદોમાંના એક હરિનારાયણ રાજભરે તે સમયે દાવો કર્યો હતો કે પત્નીઓ દ્વારા સતામણીનો ભોગ બનેલા ઘણા પુરુષો જેલમાં છે, પરંતુ કાયદા દ્વારા એકલા પડી જવાના ડરથી ઘરેલુ દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવતા નથી અને સમાજમાં એમની મજાક ઉડાવવામાં આવે છે. પુરુષોના આયોગની માગના સમર્થનમાં રજૂ કરવામાં આવેલી દલીલોમાં સૌથી મોટી દલીલ એ છે કે મહિલાઓનું રક્ષણ કરતા કાયદાનો પુરુષો સામે દુરુપયોગ કરવામાં આવ્યો છે. પુરુષોની સતામણીના કિસ્સાઓ પણ છે, પરંતુ આ કાયદો માત્ર સ્ત્રીની સતામણીને જ મંજૂર રાખે છે.
હકીકતમાં, પુરુષોનો એક વર્ગ માને છે કે આપણા સમાજમાં માત્ર મહિલાઓ જ પીડિત અથવા ઉત્પીડિત નથી. એવા ઘણા પુરુષ પણ છે, જે ઘરે અને સમાજમાં અત્યાચાર અને સતામણીનો સામનો કરી રહ્યા છે. એ દિવસો ગયા જ્યારે માત્ર મહિલાઓ પર જ જબરદસ્તી થતી હતી. આજે પુરુષો પણ ગુંડાગીરીનો ભોગ બને છે. આજે ઘરેલુ હિંસા, સતામણી, પુરુષો સામે શારીરિક અને માનસિક દુર્વ્યવહારની ઘટનાઓ પણ વધી રહી છે અને તેના કારણે ઘણા પરિણીત પુરુષો આત્મહત્યા પણ કરી રહ્યા છે.
લગભગ ચાર વર્ષ પહેલાં ઘરેલુ હિંસા અથવા સતામણીનો ભોગ બનેલા પુરુષોને મદદ કરવા માટે, એક સ્વૈચ્છિક સંસ્થાએ ‘સિફ’ નામની એક એપ્લિકેશન બનાવી હતી, જેના દ્વારા આવા પુરુષ એમની પીડા નોંધાવી શકતા હતા. સંસ્થાએ આવા પુરુષોને કાનૂની સહાય પણ પૂરી પાડી હતી. એનજીઓના વડા અમિત કુમાર કહે છે કે આ એપ દ્વારા ૨૫ રાજ્યોનાં ૫૦ શહેરોમાં ૫૦ એનજીઓનો કાનૂની મદદ માટે સંપર્ક કરી શકાય છે. એમણે દાવો કર્યો છે કે હેલ્પલાઈન શરૂ થયાના ૫૦ દિવસની અંદર એમને ૧૬,૦૦૦થી વધુ કોલ્સ આવ્યા છે. ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન ‘સેવ ઇન્ડિયન ફૅમિલી ફાઉન્ડેશન’ દ્વારા ટેલિફોનિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
Also read: કોઈ અવાજ કર્યા વિના, રોબોટ ક્રાંતિની ટોચ પર ઊભું છે ભારત
દરમિયાન, ઇન્દોર સ્થિત પુરુષ સંસ્થા અને ‘નેશનલ કમિશન ફોર મેન કોઓર્ડિનેશન કમિટી’, દિલ્હીને પણ પુરુષોની હેલ્પલાઈન પર ઘણી ફરિયાદો મળી હતી. તેમાં જાણવા મળ્યું છે કે લોકડાઉનના દિવસો દરમિયાન પત્નીઓએ એમના પતિને હેરાન કરવાના કેસોમાં ૩૬ ટકાનો વધારો થયો હતો, કારણ કે ઘણા પુરુષો ઘરે બેસવા માટે કામ છોડી દે છે અથવા ઑફિસ બંધ હોવાને કારણે ઘરેથી કામ કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં આ પુરુષો એમની પત્નીઓના વલણને કારણે ડિપ્રેશનમાં રહેવા લાગ્યા હતા.