ટોપ ન્યૂઝનેશનલ

Manipurમાં ફરી હિસા; બે મજૂરોની ગોળી મારીને હત્યા

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી હિંસા ભડકી હોવાના અહેવાલો મળી રહ્યા છે. શનિવારે બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. જેમાંથી બે બિહારના મજૂરો હતા. આ સાથે જ પોલીસે એન્કાઉન્ટરમાં એક આતંકીને પણ ઠાર કર્યો છે. કાકચિંગ જિલ્લામાં શનિવારે સાંજે બે મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

બંને મૃતકો બિહારના
પ્રાપ્ત વિગતો અનુસાર બંને યુવકો કાકચિંગના મૈતી બહુમતીવાળા વિસ્તારમાં રહેતા હતા. કાકચિંગ-વાબગાઈ રોડ પર પંચાયત ઓફિસ નજીક સાંજે લગભગ 5:20 વાગ્યે અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મજૂરો પર હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મણિપુરમાં મૈતી અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે તેની હત્યા થઈ હોવાની શક્યતા છે.

પોલીસે આપ્યું નિવેદન
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, બંને મજૂરો સાયકલ પર તેમના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક બંદૂકધારીઓએ બંનેને ગોળી મારી દીધી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ બંને મજૂરોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જો કે હજુ સુધી હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી.

Also Read – પોલીસની જ માઠી દશા? એક વર્ષમાં 10 PI સસ્પેન્ડ!

મણિપુરમાં હિંસાનો દોર
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ગયા મે મહીનાથી હિંસાનો દોર ચાલી રહ્યો છે. મણિપુરમાં આ ઘટનાઓની શરૂઆત કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી ‘આદિવાસી એકતા માર્ચ’ બાદ થઈ હતી. મૈતી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના વિરોધમાં આ માર્ચ કાઢવામાં આવી રહી હતી અને તે દરમિયાન કુકી અને મૈતી સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના કારણે હિંસા અને તણાવ શરૂ થયો હતો જે હજુ પણ રાજ્યમાં ચાલુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button