ટેનિસ-લેજન્ડ આન્દ્રે ઍગાસી ભારતમાં બે સુપરસ્ટાર ખેલાડીને મળ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાનો ટેનિસ-લેજન્ડ આન્દ્રે ઍગાસી ભારતના પ્રવાસે આવ્યો છે અને તે ભારતના બે ટેનિસ-સિતારા લિએન્ડર પેસ તથા રોહન બોપન્નાને મળ્યો.
1992થી 2003 દરમ્યાન ટેનિસ સિંગલ્સના કુલ આઠ ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ ઉપરાંત ઍટલાન્ટા ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ઍગાસીએ શુક્રવારે પરેલની એક પંચતારક હોટેલમાં પિકલબૉલ નામની રમતની પિકલબૉલ વર્લ્ડ રૅન્કિંગ (પીડબ્લ્યૂઆર) ડુપાર ઇન્ડિયન લીગનું લૉન્ચિંગ કરતી કહ્યું હતું કે પિકલબૉલની રમત ભારતમાં થોડા સમયમાં લોકપ્રિય થઈ જશે. મારી દૃષ્ટિએ ટેનિસ સૌથી કઠિન રમત છે, જ્યારે ટેનિસની જેમ ક્રિકેટમાં પણ નવાસવા ખેલાડીએ પાયાના નિયમો જાણવા પડતા હોય છે. જોકે પિકલબૉલમાં એવું નથી.
આ પણ વાંચો : પ્રથમ જૂનિયર મહિલા એશિયા કપમાં ભારતીય અંડર-19 ટીમની કેપ્ટન બની નિક્કી પ્રસાદ
આ એવી રમત છે જેમાં ખેલાડી રમતો જાય અને જેમ-જેમ પડકારોને ઝીલતો જાય એમ-એમ એના નિયમોથી પરિચિત થતો જાય.’ પિકલબૉલ એવી રમત છે જેમાં મૂળભૂત નિયમો ટેનિસની રમતના છે, જ્યારે એ ટેબલ ટેનિસ જેવા રૅકેટથી અને પ્લાસ્ટિક બૉલથી રમાય છે. બન્ને ખેલાડી (સિંગલ્સ કે ડબલ્સ) વચ્ચે 34 ઇંચ ઊંચી નેટ હોય છે. ભારતનો ટેનિસ-લેજન્ડ લિએન્ડર પેસ અમેરિકાના ઍન્દ્રે ઍગાસીનો ફૅન છે અને ભારત આવેલા પોતાના આ હીરોને પેસ મળ્યો હતો અને તેની સાથે એક ટૉક-શોમાં ઘણી ચર્ચા કરી હતી.
એ પહેલાં, શુક્રવારે પિકલબૉલની લીગના લૉન્ચિંગ વખતે ઍગાસી અને બોપન્ના વચ્ચે પિકલબૉલની એક્ઝિબિશન મૅચ રમાઈ હતી. બોપન્ના 43 વર્ષની ઉંમરે તાજેતરમાં (જાન્યુઆરીમાં) ઑસ્ટ્રેલિયન ઓપનનું ડબલ્સનું ટાઇટલ જીતનારો અને સૌથી મોટી ઉંમરનો ગૅ્રન્ડ સ્લૅમ વિજેતા ખેલાડી બન્યો હતો. એ મહિનામાં તે ડબલ્સનો વર્લ્ડ નંબર-વન પ્લેયર પણ હતો. ઍગાસી-બોપન્નાવાળી પિકલબૉલની ઇવેન્ટમાં સાઉથ આફ્રિકાનો મહાન ક્રિકેટર અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફીલ્ડર જૉન્ટી રહોડ્સ પણ ઉપસ્થિત હતો.
જૉન્ટીએનમસ્તે’ કહીને સ્પીચ શરૂ કરી હતી અને છેલ્લે હાથ જોડીને મંચ પરથી વિદાય લીધી હતી. તેણે ફીલ્ડિંગના વિષયમાં કહ્યું, `હું તો વર્ષોથી કહું છું કે ફ્લાઇંગ ઇઝ ઇઝી, બટ લૅન્ડિંગ ઇઝ ડિફિકલ્ટ.’ જૉન્ટી ક્રિકેટના મેદાન પરના તેના સુવર્ણ યુગમાં ખાસ કરીને પૉઇન્ટના સ્થાને ડાઇવ મારીને અદ્દભુત કૅચ પકડતો હતો. તેની દૃષ્ટિએ ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે, પરંતુ ખરી ફિટનેસ તો ટેનિસની રમતમાં સુધરતી હોય છે.