રો-રો ફેરીમાથી પટકાયેલો યુવાન સંકી કે શાતીર.?! તેની તપાસમાં પોલીસ ધંધે લાગી!
ભાવનગર: ગત અઠવાડિયે ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસના જહાજમાંથી મધદરિયે ગબડી પડેલો યુવાન હજીરાથી બે વખત અને વેષ પલટો કરી શુક્રવારે પુન: ભાવનગરના ઘોઘાથી જહાજ દ્વારા ફેરીમા મુસાફરી કરવાનો પ્રયાસ કરતા ટર્મિનલ પર ફેરી સંચાલક કંપનીના સ્ટાફે તેના આધારકાર્ડથી ઓળખી લઈ અને ઘોઘા પોલીસને સોંપ્યો હતો. દરમિયાનમાં ફેરી સર્વિસ કંપનીએ આ યુવાન અંગે શંકા જતાવી એસપીને લેટર લખતા એસઓજી પોલીસ દ્વારા વિવિધ એંગ્લથી તપાસ હાથ ધરાઇ છે.
પોલીસની ગંભીર તપાસ
પ્રાથમિક તબક્કે આ યુવાન સંકી હોવાનું પોલીસ માની રહી છે પરંતુ ખૂબ ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર તા.8 ડિસેમબરના રોજ ઘોઘાથી હજીરા જવા માટે ફેરી શિપ વોયેજ સિમ્ફની પર અતુલકુમાર માનકલાલ ચોક્સે સવાર થયો હતો, જહાજ પિરમબેટથી 9 માઇલ દક્ષિણે પહોંચ્યુ ત્યારે અતુલકુમાર દરિયામાં ગબડી પડ્યો પણ તેને બચાવી લેવાયો, બાદમાં હજીરામાં પોલીસ દ્વારા નિવેદન નોંધી જવા દેવામાં આવ્યો હતો ત્યાં સુધી ઘટનાક્રમ માત્ર એક અકસ્માત લાગતો હતો પરંતુ આ બનાવ બાદ આ યુવાનની હરકતોથી ફેરી સંચાલક કંપનીને શંકા લાગતાં હવે પોલીસની મદદ માંગી તપાસ કરવા માટે અરજી કરાઈ છે.
યુવાન ફરી પહોંચ્યો ટર્મિનલ
આ યુવાન તા.9 અને 10 ડિસે.ના રોજ વધુ એક વખત હજીરાથી ઘોઘા આવવા માટે ટર્મિનલ સુધી પહોંચ્યો. પરંતુ ફેરી કર્મચારીઓ તેને ઓળખી ગયા, અને રવાના કર્યો હતો જ્યારે તા.12ના રાત્રે 11 કલાકે સુરતથી ટ્રેન પકડી અને અતુલકુમાર ભાવનગર આવ્યો અને દાઢી તેમજ મુંડન કરાવી નાખ્યું હતું. બાદમાં શુક્રવારે 12 વાગ્યાની આજુબાજુ ઘોઘા ખાતે ડીજીસી કનેક્ટના ટર્મિનલ ખાતે રોકડામાં ટિકિટ બૂકિંગ કરાવવા ગયો, પરંતુ આધારકાર્ડ આપતાની સાથે જ કર્મીઓ ઓળખી ગયા હતા, અને તેને ઘોઘા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
યુવાન મધ્ય પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું
આ યુવાને પુછપરછમાં પોતે મધ્યપ્રદેશના કેકટા ગામ, જીલ્લા સેયોનીમાં ખેતી વ્યવસાય સાથે જોડાયેલો હોવાનો અને કાપડનો વ્યવસાય કરવા માટે ભાવનગર આવ્યો હતો, અને તા.8ના રોજ ઘોઘાથી હજીરા પરત જતી વખતે જહાજમાં ચક્કર આવતા પોતે દરિયામાં પડી ગયો હતો, પ્રાથમિક સ્વીમિંગ આવડતુ હોવાથી તરતો રહ્યો અને શિપના સભ્યો દ્વારા મને બચાવી લેવામાં આવ્યો હતો. તેવી કથની રજૂ કરી હતી.
પરંતુ બાદમાં ત્રણ વખત આ યાત્રીએ રો રો માં મુસાફરી માટે પ્રયાસ કરતા સ્ટાફે અટકાવી દીધો છે, ત્રીજી વારના પ્રયાસમાં તેણે વેષ પલટો કરતા ચોંકાવનારી બાબત છે. આથી એસસોજી પોલીસે તેની પૂછપરછ આદરી હતી જેમાં પ્રાથમિક તબક્કે તે માનસીક અસ્વસ્થ હોવાનું પોલીસને લાગી રહ્યું છે. જોકે સુરક્ષાનો મામલો હોવાથી પોલીસ ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આમ, આ યુવાન સંકી છે કે શાતીર તે તપાસવા પોલીસ કામે લાગી છે.
પી.આઈ ડી.યુ.સુનેસરાએ મુંબઈ સમાચાર સાથે કરી વાત
ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઈ ડી.યુ.સુનેસરાએ મુંબઈ સમાચાર ડિજીટલ ને જણાવ્યું કે, રો રો ફેરિમાં આ યુવાન પ્રવાસ માટે વારંવાર પ્રયાસ કરી રહ્યો છે તે બાબત શંકાસ્પદ છે, બીજી બાજુ તેની પૂછતાછમાં માનસિક સ્વસ્થ નહિ હોવાનું જણાય રહ્યું છે. તેના માતા પિતા સાથે પોલીસે વાત કરતા પોતાનો દીકરો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લાંબા સમયથી કરી રહ્યો હોવાનું અને માનસિક અપસેટ છે તેમ જણાવ્યું છે. છતાં વિવિધ એન્ગ્લથી અને તપાસ કરી રહ્યા છીએ. દરિયામાં પડી જવાની ઘટના તેમજ શીપમાં તેની હિલચાલ તપાસવા સીસી ટીવી ફૂટેજ મંગાવ્યા છે. ટર્મિનલ પરના ફૂટેજ પણ તપાસાશે. તેમના મોબાઇલનો કોલ રેકોર્ડ મંગાવાયો છે. તેણે શીપમાં કંઈ સંતાડ્યું નથી ને ? તે પણ ચકાસી રહ્યા છીએ. આમ, હાલ વિવિધ એંગલથી તપાસ હાથ ધરી પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે.