નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતાં સંસદને સંબોધન કર્યું હતું. તેમણે 75 વર્ષની સફરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજે બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ સમયે તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂથી લઈને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સહિત વર્તમાન નેતાગીરી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો : એકલવ્યની જેમ ભારતીય યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસની કુનીતિની પરંપરા ચાલુ
વડાપ્રધાને કહ્યું કે હું કેટલાક તથ્યો રજૂ કરવા માંગુ છું, કોંગ્રેસના એક પરિવારે બંધારણને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. હું પરિવારનો ઉલ્લેખ કરું છું કારણ કે એક જ પરિવારે 55 વર્ષ શાસન કર્યું હતું. તેનાથી દેશને શું શું થયું તે જાણવાનો દેશને સંપૂર્ણ અધિકાર છે. આ પરિવારની કુવિચારો, કુરીતિ, કુનીતિની પરંપરા ચાલુ છે. આ પરિવારે દરેક સ્તરે બંધારણને પડકાર ફેંક્યો છે.
1951માં જ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો
1947 થી 1952 સુધી દેશમાં કોઈ ચૂંટાયેલી સરકાર નહોતી, એક અસ્થાયી વ્યવસ્થા હતી, પસંદગીયુક્ત સરકાર હતી. અને ચૂંટણીઓ યોજાઈ ન હતી, જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી વચગાળાની સરકાર માટેની બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી. 1952 પહેલા રાજ્યસભાની રચના પણ થઈ ન હતી, રાજ્યોમાં પણ ચૂંટણીઓ બાકી હતી, પરંતુ તેમ છતાં 1951માં વટહુકમ દ્વારા બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર મોટો હુમલો કરવામાં આવ્યો જે બંધારણના ઘડવૈયાઓનું અપમાન હતું. મોકો મળતાની સાથે જ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો કર્યો.
નહેરુને પોતાનું બંધારણ હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે “પાછલા દરવાજેથી તેમણે બધું કર્યું જે તે અન્ય રીતે નહોતા કરી શકતા. તત્કાલિન વડાપ્રધાન પંડિત નેહરુએ મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કહ્યું હતું કે જો બંધારણ આપણા રસ્તામાં આવે તો કોઈપણ સંજોગોમાં બંધારણ બદલવું જોઈએ. આ પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો. અને પછી બીજું પાપ થયું, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે આ ખોટું થઈ રહ્યું છે, તો સ્પીકર પદ પર બેઠેલા વ્યક્તિએ પણ કહ્યું હતું કે નેહરુજી ખોટું કરી રહ્યા છે, કોંગ્રેસના તમામ મહાન નેતાઓએ પંડિત નેહરુને રોકવા માટે કહ્યું હતું. પરંતુ તેઓનું પોતાનું બંધારણ હતું અને તેઓ કોઈનું સાંભળતા ન હતા.”
કોંગ્રેસના માથે ઇમરજન્સીનું પાપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે લગભગ 6 દાયકામાં 75 વખત બંધારણને બદલવામાં આવ્યું. દેશના પ્રથમ વડાપ્રધાને જે બીજ વાવ્યું હતું, તેને ખાતર અને પાણી આપવાનું કામ અન્ય વડાપ્રધાને કર્યું હતું, તેમનું નામ હતું શ્રીમતી ઈન્દિરા ગાંધી. ઈમરજન્સી દરમિયાન લોકોના અધિકારો છીનવાઈ ગયા હતા. દેશના હજારો લોકોને જેલમાં ધકેલી દીધા. અખબારોની સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવ્યો. જે જસ્ટિસે તેમની સામે ચૂંટણીનો ચુકાદો આપ્યો હતો, જે સિનિયોરિટીના આધારે ચીફ જસ્ટિસ બનવાના હતા, તેમને ચીફ જસ્ટિસ બનવા દેવામાં આવ્યા ન હતા.
પોતાની ખુરશી માટે ઇમરજન્સી લાદી
વડાપ્રધાને કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ લોકોને રોકવા માટે કોઈ નહોતું, આથી જ્યારે અદાલતે ઈન્દિરાજીની ચૂંટણીમાં ગોટાળો કર્યો હોવાથી તેને રદ્દ જાહેર કરી અને તેમને સાંસદ પદ છોડવાની નોબત આવી ત્યારે રોષે ભરાયને પોતાની ખુરશી બચાવવા માટે દેશ પર ઈમરજન્સી લાદી દીધી. એટલું જ નહિ 1975માં 39મો સુધારો કરીને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સામે કોઈ કોર્ટમાં જઈ શકે નહીં તેવા પ્રાવધાન કર્યું.
આ પણ વાંચો : Loksabha માં એ. રાજાની ટિપ્પણીથી હંગામો, એનડીએ સાંસદોએ કરી માફીની માંગ
રાજીવ ગાંધીનું કટ્ટરપંથીઓને સમર્થન
તેમણે આ ચુકાદો આપનારા જસ્ટિસ ખન્નાને ચીફ જસ્ટિસ ન બનવા દીધા. અહીં બેઠેલા અનેક પક્ષોના વડાઓને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમના મોઢા પર દાગ હતો અને આથી રાજીવ ગાંધીએ બંધારણને વધુ એક ગંભીર ફટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે શાહ બાનોનો ચુકાદો આપ્યો હતો, જેને રાજીવ ગાંધીએ સર્વોચ્ચ અદાલતની ભાવનાને ફગાવી દીધી હતી અને મતબેંકની રાજનીતિ ખાતર બંધારણનું બલિદાન આપીને કટ્ટરપંથીઓ સામે નમતું ઝોંખતું કર્યું. તેમણે કટ્ટરપંથીઓને ટેકો આપ્યો.