આમચી મુંબઈમહારાષ્ટ્ર

પાયલિંગ મશીન નીચે દબાઈ જવાથી કાંદિવલી ના ઈન્ટિરિયર ડિઝાઈનરનો પગ છૂટો પડી ગયો…

વિક્રોલી નજીક ટ્રેઈલર પરનું મશીન બાઈકસવાર પર ઊંધું વળ્યું: ટ્રેઈલરના ડ્રાઈવરની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: શરીરે કમકમાં આવી જાય એવી વિક્રોલી નજીક બનેલી ઘટનામાં કાંદિવલીના ઈન્ટિરિયર ડિઝાઈનરે પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઈન્ટિરિયર ડિઝાઈનર નવી મુંબઈથી બાઈક પર ઘરે રહ્યો હતો ત્યારે બાજુમાંથી પસાર થનારા ટ્રેઈલર પરનું પાયલિંગ મશીન તેના પર ઊંધું વળી ગયું હતું, જેમાં મશીનની નીચે દબાઈ જવાને કારણે તેનો પગ ઘૂંટણથી છૂટો પડી ગયો હતો. પોલીસે ટ્રેઈલરના ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વિક્રોલી પોલીસના જણાવ્યા મુજબ શનિવારના મળસકે ચાર વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં વિપુલ સુભાષ પાંચાળ (44) ગંભીર રીતે ઘવાયો હતો. આ પ્રકરણે ગુનો નોંધી ટ્રેઈલરના ડ્રાઈવર લાલતાપ્રસાદ યાદવ (59)ની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર કાંદિવલીના આદર્શનગર ખાતેની મંગલમૂર્તિ ચાલમાં રહેતો વિપુલ કામ નિમિત્તે નવી મુંબઈ ગયો હતો. કામ પતાવી મળસકે તે બાઈક પર ઘરે જવા નીકળ્યો ત્યારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ઘાટકોપરના પંતનગર બ્રિજ પરના ઢોળાવ પાસે ઘટના બની હતી.

આ પણ વાંચો : Killer Bus: બેસ્ટની બસના ૧૨ જીવલેણ અકસ્માતમાંથી ૧૦ કેસમાં ઓલેક્ટ્રાની બસ

વિપુલની બાઈક ઘટનાસ્થળેથી પસાર થઈ રહી હતી તે સમયે જ ટ્રેઈલર પણ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. ટ્રેઈલર પર લગભગ 64 ટનનું પાયલિંગ મશીન હતું. બેદરકારીથી વાહન ચલાવવાને કારણે મશીન વિપુલની બાઈક પર ઊંધું વળી ગયું હતું. મશીનની નીચે દબાઈ જવાથી બાઈકનો ભુક્કો બોલાઈ ગયો હતો.

ઘટનામાં ગંભીર જખમી વિપુલને પહેલાં સાયન હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પરિવારની વિનંતિ પછી તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટનામાં વિપુલનો ડાબો પગ ઘૂંટણથી છૂટો પડી ગયો હોવાનું સિનિયર ઈન્સ્પેક્ટર સૂર્યકાંત નાઈકવાડીએ જણાવ્યું હતું.

દરમિયાન ઘટનાને પગલે હાઈવે પર વાહનવ્યવહારને અસર થઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી મશીનને રસ્તાને કિનારે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જેસીબી મશીનની મદદથી મશીનને ખસેડવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button