મોરબીમાં ભાજપમાં ઉકળતો ચરૂ, ધારાસભ્ય અમૃતિયા અને અજય લોરિયા આમને સામને
Morbi News: મોરબી ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે સપાટી ઉપર આવ્યો છે, જિલ્લા પંચાયતના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સિંચાઇ સમિતિના ચેરમેનનું નામ રાજકીય કિન્નાખોરીથી કાપી નાખવામાં આવતા ભાજપ અગ્રણી અને પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયા ખુલીને સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય કાંતિલાલને વીડિયોબાજ ધારાસભ્ય ગણાવવાની સાથે તેઓ કાંતિલાલ અમૃતીયાને મોરબીના ધારાસભ્ય ગણતા જ ન હોવાનું ખુલમખુલ્લા કહી જણાવ્યું હતું કે, મોરબી હાલમાં ધારાસભ્ય વગરનું છે જો, ધારાસભ્ય હોય તો મોરબીની આ દશા ન હોય. સામાપક્ષે કાંતિલાલે પણ અજય લોરિયાનું નામ લીધા વગર જ કહ્યું હતું કે, માલ વગરની દુકાન બંધ થઈ જતા કેટલાક લોકોને દુઃખાવા ઉપડયા છે.
આ પણ વાંચો: મોરબી: ‘અમારી ગાડીમાં કોઈકે દારૂની બોટલ મૂકી દીધી’, ઘર્ષણ બાદ RTO અધિકારીનું નિવેદન
શું છે મામલો
મોરબી જિલ્લા પંચાયત દ્વારા ત્રાજપર, માળિયા – વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ ગામ ખાતે રોડ રસ્તા, પીવાના પાણી સહિતની સુવિધાઓ માટે રૂપિયા 4.18 કરોડના ખર્ચે વિવિધ 66 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટેના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સિંચાઇ સમિતિના ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી કરી નાખવામાં આવતા રાજકારણ ગરમાયુ હતું. આ મુદ્દે જિલ્લા પંચાયતના સદસ્ય એવા ભાજપ અગ્રણી અને પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાએ પોતાનું નામ કાઢી નાખવાની ચેષ્ઠા કરનાર બીજું કોઈ નહીં પણ મોરબી -માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હોવાનો આડકતરો ઈશારો કરી જણાવ્યું હતું કે, આ એક રાજકીય કિન્નાખોરી છે. રાજકારણમાં એક બીજાને ન ગમતા હોય તે વાત અલગ છે. હું મારા કામથી ઉજળો છું અને મને મોરબીની પ્રજા સારી રીતે ઓળખે છે, હું છેલ્લા 10થી 12 વર્ષથી રાજકારણમાં છું અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રહ્યો ત્યારે તત્કાલીન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ સાથે મહેનત કરી મોરબી માટે 300થી 400 જેટલા જોબ નંબર મંજુર કરાવી વિકાસ કામો કર્યા છે.
હું એને ધારાસભ્ય માનતો જ નથીઃ અજય લોરિયા
વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને આડે હાથ લેતા અજય લોરિયાએ કહ્યું હતું કે, કાંતિલાલ 30 વર્ષથી ધારસભ્ય છે પણ હું એને ધારાસભ્ય માનતો જ નથી, તેઓએ આશ્ચર્ય સાથે જણાવ્યું હતું કે, મોરબી હાલમાં ધારાસભ્ય વગરનું છે, જો ધારાસભ્ય હોય તો આ દશા ન હોય ! 30-30 વર્ષથી એક જ ધારાસભ્ય હોવા છતાં જનતાના કામ નહી થતા હોવાનું કહી કાંતિલાલને વીડિયોબાજ ધારાસભ્ય ગણાવ્યા હતા. સાથે જ અજય લોરિયાએ પાટીદાર નવરાત્રી મહોત્સવના કોન્ટ્રાક્ટરને ન કામ નહીં કરવા ફોન કર્યો હોવાનું કહી આકરા ચાબખા માર્યા હતા. સાથે જ તેઓએ આમંત્રણ પત્રિકામાં નામ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ નેતાગીરીને પણ જાણ કરી હોવાનું જણાવ્યું હતું.
આમંત્રણ પત્રિકામાં નામ લખવું, ન લખવું તે જિલ્લા પંચાયતનો વિષયઃ ધારાસભ્ય અમૃતીયા
બીજી તરફ જિલ્લા પંચાયતના વિકાસકામોના કાર્યક્રમની આમંત્રણ પત્રિકાના વિવાદને લઈ મોરબી ભાજપના નેતા અને ધારાસભ્ય સામસામે આવી ગયા છે ત્યારે અજય લોરિયાએ 30 વર્ષમાં ધારાસભ્યએ કઈ કર્યું ન હોવાનું અને હું તેમને ધારાસભ્ય ગણતો ન હોવાનો સણસણતો આક્ષેપ કરતા આ મામલે કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે, આમંત્રણ પત્રિકામાં નામ લખવું, ન લખવું તે જિલ્લા પંચાયતનો વિષય છે, મારે તે બાબતમાં કઈ લાગે વળગે નહીં. સાથે જ તેઓએ ધારાસભ્ય તરીકે 30 વર્ષમાં શું શું કર્યું તેનું સરવૈયું આપતા કહ્યું કે 1995માં હું ધારાસભ્ય બન્યો ત્યારે મોરબીમાં પીવા માટે અને ખેતી માટે પાણી ન હતું, મારા આવ્યા બાદ નર્મદાની કેનાલ આવી, પાંચ પાંચ મોટા પુલ બનાવ્યા, પહેલા સિરામિકના 150 કારખાના હતા આજે 1500 છે, સાથે જ તેઓએ કહ્યું હતું કે, મારી કામગીરી સરકાર અને પ્રજા જોવે જ છે એટલે જ તો એક વાર નહીં બે વાર નહીં પણ છ વખત મને ધારાસભ્ય બનાવ્યો છે.
ઉપરાંત કાંતિલાલે અજય લોરિયાનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોઈ માણસની દુકાન બંધ થઇ જાય તેમાં પેટમાં તેલ રેડાય તો કાનાભાઇ શું કરે, હું વીડિયો બનાવું છું તો મારા કામ માટે બનાવું છું, મારુ સોશિયલ મીડિયા એક્ટિવ છે તેથી જ વડાપ્રધાન મોદી હોય કે, અમિતભાઇ હોય કે પછી મુખ્યમંત્રી હોય બધા જ મને પ્રેમથી બોલાવે છે, કાલે જ સાંસદ પરસોત્તમભાઈએ મને નાળિયેર ફોડવા આપ્યું હતું એ પ્રેમ છે. રાજકારણમાં દુશ્મન તો હોય જ અને હું પ્રજા માટે દુશ્મન બનાવું પણ છું તેમ જણાવી અજય લોરિયાના પાટીદાર નવરાત્રીના મંડપ કોન્ટ્રાક્ટરને ફોન કરવાના આક્ષેપ મામલે એ બાબત મંડપ વાળો કહેશે હું નહીં તેવો જવાબ આપ્યો હતો. અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે, મને પ્રજાએ 65 હજારની લીડથી જીતાવ્યો છે ત્યારે બીજાના પેટમાં કેમ તેલ રેડાય છે તે મને નથી ખબર કેટલાક લોકોને ખોટા કામ કરવા હોય તેને હું ન ગમું તે સ્વાભાવિક છે.
આમ મોરબીમાં ભાજપના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના ચેરમેન વચ્ચે ચાલતો કોલ્ડવોર જિલ્લાના પંચાયતના કાર્યક્રમમાં નામ ન લખવાના મુદ્દે ખુલીને સામે આવ્યો છે. ભાજપના સત્તામાં રહેલા બે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જ એક બીજા સામે ખુલીને સામે આવતા આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આ સમગ્ર ઘટનક્રમને ભાજપનું મોવડી મંડળ કેવા પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.