વીજપુરવઠાની સમસ્યા: મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો
મુંબઈ: ટાટા પાવર દ્વારા રેલવેને પૂરી પાડવામાં આવતા વીજળી પુરવઠામાં અમુક ટેક્નિકલ ખામી સર્જાતા શનિવારે સવારે મધ્ય રેલવેમાં ટ્રેન સેવા ખોરવાઇ હતી.
વીજળી ખંડિત થતા કલ્યાણ-કસારા-ઇગતપુરી અને કલ્યાણ-કર્જત-લોનાવાલા લાઇન પર ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. ઠાકુર્લી પાસે વીજળી પુરવઠો કરતી લાઇનમાં ખામી સર્જાઇ હતી. ટાટા પાવરના નેટવર્કમાં ખામીને કારણે ટ્રેન સેવા ખોરવાઇ હોવાનું મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું, પરંતુ ટાટા પાવર તરફથી આ દાવાનો નકારી કાઢવામાં આવ્યો હતો.
ટાટા પાવરના પ્રતિનિધિએ કહ્યું હતું કે અમારા તરફથી લોઇ સમસ્યા અથવા ખામી થઇ નથી.
સ્વચ્છતા ઝુંબેશઃ મધ્ય રેલવેમાં રેલવે ટ્રેક પરથી ૧૨૦ ટન કચરો ભેગો કરાયો…
સૂત્રોના જણાવ્યાનુસાર વીજળી પુરવઠો ખંડિત થતા રેલવે સુધી વીજળી પહોંચી નહોતી.
વીજળી પુરવઠો ખંડિત થયા બાદ ટાટા પાવર તરફથી સમારકામ માટે અધિકારી આવ્યો હતો. પહેલા તબક્કાનું કામ પૂર્ણ થયું છે અને બીજા તબક્કાનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું તેણે કહ્યું હતું, એમ મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.
કલ્યાણ-લોણાવાલા રૂટ પર સવારે ૬.૦૫થી ૬.૫૫ સુધી, જ્યારે કલ્યાણ-ઇગતપુરી રૂટ પર સવારે ૬.૦૮થી ૭.૦૮ વાગ્યા સુધી આ સમસ્યા થઇ હતી. ટ્રેનો ૨૦-૩૦ મિનિટ મોડી પડી હતી.