ફૂટબૉલ ખેલાડી ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં રમ્યા અને હવે બની ગયા આ દેશના પ્રમુખ!
તબિલિસી (જ્યોર્જિયા)ઃ જ્યોર્જિયા નામના દેશનો ફેલાવો પૂર્વ યુરોપ અને પશ્ચિમ એશિયામાં છે અને આ દેશમાં રાજકીય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. આ દેશના જાણીતા ફૂટબૉલ ખેલાડી મિખેઇલ કેવેલાશવિલી હવે દેશના પ્રમુખ બની ગયા છે. શનિવારે તેમણે પ્રમુખપદ ગ્રહણ કર્યું એ સાથે શાસક પક્ષ સત્તામાં વધુ મજબૂત થયો છે.
જોકે યુરોપિયન યુનિયનમાં આ દેશને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે અને એક રીતે આ રશિયાનો વિજય છે એવું ર્જ્યોજિયાના વિરોધ પક્ષોનું માનવું છે.
મિખેઇલ 53 વર્ષના છે. તેઓ ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં મૅન્ચેસ્ટર સિટી ક્લબ વતી રમી ચૂક્યા છે. એ ઉપરાંત, સ્વિસ સુપર લીગમાં તેઓ છ ક્લબ વતી રમ્યા હતા.
આ પણ વાંચો : ગુકેશના સંસ્કાર અને વિનમ્રતા આખી દુનિયાએ નિહાળ્યા, વીડિયો વાઇરલ થયો…
જ્યોર્જિયા વતી મિખેઇલ 46 મૅચ રમ્યા હતા જેમાં તેમણે નવ ગોલ કર્યા હતા તેમ જ સાથી ખેલાડીઓને ઘણા ગોલ કરવામાં મદદ પણ કરી હતી.
મિખેઇલ 1995માં રશિયન પ્રીમિયર લીગમાં રમ્યા હતા. 1998માં જ્યોર્જિયા નૅશનલ ટીમ વતી રમીને તેમણે માલ્ટાની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં જ્યોર્જિયાને ટાઇટલ અપાવ્યું હતું.
મિખેઇલ 2016માં ફૂટબૉલ છોડીને રાજનીતિ તરફ વળ્યા હતા અને ર્જ્યોજિયન ડ્રીમ પાર્ટી વતી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 2022ની સાલમાં તેમણે પીપલ્સ પાવર નામની પાર્ટીની રચના કરી હતી અને હવે પ્રમુખપદ સુધીના શિખરે પહોંચ્યા છે.