ગુજરાતમાં વધી રહી છે કાતિલ ઠંડી, અમદાવાદમાં બદલાયો સ્કૂલોનો સમય…
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી (cold wave in Gujarat) પડી રહી છે. પહાડો પર બરફવર્ષા (snowfall) બાદ ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં પડી રહેલી ઠંડીને કારણે લોકો દિવસ દરમિયાન ગરમ કપડામાં લપેટાઈ રહે છે. ઠંડીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municipal corporation) હસ્તકની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પૂર્વે GPSC ના ચેરમેને આપી મહત્ત્વની માહિતી…
કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
અમદાવાદ શહેરની 451 શાળાઓનાં સમયમાં ફેરફારનો અમલ શરૂ કરાયો છે. આગામી તા.15 જાન્યુઆરી સુધી શાળાઓનો સમય સવારે 7.55 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઠંડીનું જોર વધી રહ્યું હોવાથી વાલીઓએ શાળાઓનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆત બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સવારની શાળાઓનો સમય 7.55 થી 12.30 સુધીનો કરાયો છે. જ્યારે બપોરની શાળાઓનો સમય 12.35 થી 5.10 સુધીનો કરવામાં આવ્યો છે. એએમસી સંચાલિત શાળાઓમાં એક લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
અમદાવાદમાં પણ પવન સાથે ઠંડી વધી
અમદાવાદ શહેરમાં પણ ભારે ઠંડીની અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યારે શુક્રવારે પણ અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ નજીક પાટનગર ગાંધીનગરમાં 12.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad: એક જ સ્ટેશનમાં બુલેટ, મેટ્રો અને રેલવેની સુવિધા; બનશે વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર…
ડિસેમ્બર અંત સુધીમાં ભુક્કા બોલાવશે ઠંડી
ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો છે. જ્યારે હવામાન વિભાગે પણ ગુજરાતના મોટાભાગના કોલ્ડ વેવની આગાહી કરી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો હજી નીચે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં હજી પણ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ કરી છે.