સ્થાપત્યનું વાઈ-ફાઈઃ અગાસીનું મહત્ત્વ
- હેમંત વાળા
આમ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે બાગ-બગીચામાં ખુલ્લી સપાટ જગ્યાને પણ ટેરેસ અથવા અગાસી કહેવાય છે, પરંતુ ભારતીય પરંપરાગત સ્થાપત્યના સંદર્ભમાં અગાસી એટલે મકાનની ઉપરની, ઉપયોગમાં લઈ શકાય તેવી સપાટ છત. તે મકાનનો સૌથી ઉપરનો ભાગ છે જેના પર ઉપયોગિતામાં અનેક અનુકૂળતા રહે તે માટે લાદી જડી દેવાય છે. વરસાદના પાણી માટે અહીં નજીવો ઢાળ પણ રાખવામાં આવે છે. અગાસીની સપાટી લપસણી ન થઈ જાય તેના માટે ખાસ ધ્યાન રાખવું પડે.
જરૂરી નથી કે અગાસી એ મકાનની સૌથી ઉપરનો ભાગ હોય. વચ્ચેના માળ ઉપર પણ અગાસી સમાન ખુલ્લી જગ્યા છોડીને, તે સ્તરની અગાસીની રચના થઈ શકે છે, પરંતુ વચ્ચેના માળે આવેલી બાલ્કની કે ઝરૂખો અને અગાસીમાં ફેર છે. અગાસી પ્રમાણમાં મોટી રહેવાની અને, જેમ તેની ઉપરનો ભાગ ખુલ્લો હોય તેમ, તેની ત્રણ કે ચારે બાજુ ખુલ્લી હોવી જરૂરી છે. અગાસી એ જાણે કુટુંબનું સામૂહિક સ્થાન છે. અહીં બધાની માટે સંભાવના છે. આ એક અનૌપચારિક કૌટુંબિક સ્થાન છે જ્યાં બધા જ પોતપોતાની રીતે જે તે સમયને હકારાત્મક રીતે માણી શકે છે.
અગાસી એ મકાનનું એવું અંગ છે કે જ્યાંથી મકાનની અંદર ગરમી સૌથી વધુ પ્રવેશતી હોય છે. વરસાદનું પાણી પણ જો ટપકતું હોય તો તે અગાસીમાંથી ટપકતું હોય છે.
અગાસી પર તડકો પણ આવે અને વરસાદ પણ. અહીં પવન પણ સુસવાટા ભરેલો હોય. પ્રકાશની માત્રા અહીં મકાનના અન્ય કોઈપણ ભાગ કરતાં વધુ હોવાની. અગાસી આબોહવાની દરેક પરિસ્થિતિનો માર ઝીલે છે અને તેથી જ તેમાં ખરાબી આવી જવાની સંભાવના પણ વધુ રહે છે.
અગાસીની મજા એ છે કે તેની સાથે કોઈ ચોક્કસ પ્રકારની ઓળખ જોડાયેલી હોતી નથી. તેથી તેના ઉપયોગમાં ઘણી બધી સંભાવના રહેલી હોય છે. જોકે દિવસના અમુક સમયગાળામાં તેનો ઉપયોગ શક્ય નથી હોતો.
આજના સમયે એમ જોવા મળે છે કે અગાસીનો ઉપયોગ વધી શકે તે માટે તેના પર છાપરું બનાવી દેવાય છે. આ છાપરાથી અગાસીની ઉપયોગિતા તો વધે જ પણ સાથે સાથે ઉનાળાની ગરમીમાં અગાસી તપે પણ નહીં. અગાસીમાં પાપડ સૂકવવામાં આવે. અહીં ક્યાંક કપડા સુકવવાની પણ વ્યવસ્થા જોવા મળી શકે. ગ્રીષ્મ ઋતુમાં અગાસીનો રાત્રે સૂવા માટે મહત્તમ ઉપયોગ થતો હોય છે. કુટુંબમાં કોઈ અંગત વાત કરવાની હોય તો તે માટે પણ લોકો અગાસીનો ઉપયોગ કરતા હોય છે.
મેદાનના અભાવે અથવા તો અમસ્તા પણ બાળકો અગાસી પર રમતા જોવા મળી શકે આ રમત મેદાનની પણ હોઈ શકે અને બેઠા બેઠા રમવાની પણ હોઈ શકે. કોઈ ખાસ પ્રસંગે અગાસીમાં જમવાની વ્યવસ્થા પણ કરાતી હોય છે.
વરસાદવાળા પ્રદેશમાં છાપરા ઢાળવાળા હોય. જ્યારે ગરમ પ્રદેશમાં છાપરા સપાટ હોય. સ્થાનિક આબોહવાને કારણે લેવાતો આ નિર્ણય છે. આ ઉપરાંત છાપરું યોગ્ય રહેશે કે અગાસી, તે નિર્ણય બાંધકામની સામગ્રી પર પણ આધાર રાખે છે. માળખાગત રચનામાં જ્યાં લાકડાનો ઉપયોગ વધારે રહ્યો છે ત્યાં અગાસી વધારે જોવા નહીં મળે.
Also read: મસ્તરામની મસ્તીઃ ઈલેક્ટ્રિક કાર લો ને કરો ગામના પૈસે લીલાલહેર!
હવે તો કોન્ક્રીટના જમાનામાં ધાબુ એટલે કે અગાસી બનાવવી બહુ સરળ થઈ રહ્યું છે. મકાન પર ઢળતું છાપરું બનાવવું કે અગાસી તે બાબત, માળખાગત રચના ઉપરાંત મકાનની ઉપયોગિતા પર પણ આધાર રાખે છે.
ઉતરાયણ જેવા તહેવારમાં અગાસીનું મહત્ત્વ વધી જાય છે. અહીંથી આકાશ સાથે માત્ર ભાવનાત્મક સંબંધ નથી સ્થપાતો પણ સાથે સાથે સાંસ્કૃતિક પરંપરા પણ જળવાઈ રહે છે. સૂર્યની એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશવાની પ્રક્રિયાને જાણે આકાશને સાક્ષી રાખી માણવામાં આવે છે. હવે તો ઉતરાયણ જેવા તહેવાર માટે અગાસી ભાડે પણ મળે છે.
આનું એક સંપૂર્ણ પેકેજ હોય છે જેમાં ચા-નાસ્તો, ખાણી-પીણી અને ક્યારેક પતંગનો પુરવઠો, આ બધાનો સમાવેશ થતો હોય છે. અમુક વર્ગના લોકો માટે આ કમાણીનું સારું અને નવું માધ્યમ છે. દિવાળીના તહેવારમાં અગાસી પર હારબંધ દીવા પણ મુકાતા હોય છે.
એપાર્ટમેન્ટ જેવી રચનામાં અગાસી સામૂહિક બની રહે છે. અહીં દરેક કુટુંબ પોતાનો ખૂણો ગોતી કાઢે છે અને અગાસીને માણે છે. ઉતરાયણ જેવા તહેવારમાં આ અગાસી ભરચક અને ટ્રાફિક જામ જેવી લાગે. આની પણ મજા છે. જો એપાર્ટમેન્ટ મધ્યમ વર્ગના લોકોનું હોય તો ઉનાળામાં બધા જ અહીં રાત્રે સૂવા આવે અને કદાચ પગ મૂકવાની જગ્યા પણ ન મળે.
હવે તો અગાસીનો ઉપયોગ પાર્ટી કરવા માટે પણ થતો હોય છે. ટેરેસમાં બગીચા પણ બનાવતા હોય છે અને ક્યાંક તો સ્વિમિંગ પુલ પણ બનાવાય છે. ટેરેસનો ઉપયોગ કેટલીક સર્જનાત્મક આદત – હોબી ને પોષવા માટે પણ કરાતો હોય છે. ઘરનાં પાળેલાં પ્રાણીઓ માટે પણ આ એક રસપ્રદ સ્થાન બની રહે છે. અગાસીને કારણે ઘણા પ્રકારની મજા અને પ્રવૃત્તિ સંભવ બને છે. અગાસી ઘણા પ્રકારની સંભાવનાને પોષે છે. અગાસી પર રૂમ બનાવી એક વ્યક્તિગત સ્થાન પણ બનાવાતું હોય છે. જેના ઘરમાં અગાસી ન હોય તેને જ અગાસીની કિંમત સમજાય.
ક્યારેક અગાસી પરથી સ્થાપત્ય શૈલીની ઓળખ થઈ શકતી હોય છે. આવાસ શૈલીમાં હવે તો અગાસી-આવાસ અથવા ટેરેસ હાઉસ નામની નવી શ્રેણી વિકસી છે. પેન્ટહાઉસ એ કંઈક અંશે અંશત: અગાસી આવાસ છે. આ પ્રકારની રચનામાં અગાસીને ખાસ મહત્ત્વ અપાય છે અને ક્યાંક તો અગાસીને કેન્દ્રમાં રાખીને જ મોટાભાગના રચનાકીય નિર્ણય લેવાય છે.