સ્પોર્ટ્સ મૅન: ગુકેશ, ધ ગ્રેટ : ભારતમાં ૨૪ વર્ષે ફરી આનંદોત્સવ
- અજય મોતીવાલા
અઢી દાયકા પહેલાં વિશ્વનાથન આનંદ ભારતનો સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન બન્યો ત્યાર બાદ હવે ચેન્નઈના જ ગુકેશનો ડંકો વાગ્યો છે
એકવીસમી સદીની શરૂઆતમાં ચેન્નઈના વિશ્ર્વનાથન આનંદ ૩૧ વર્ષની ઉંમર વટાવ્યા બાદ ચેસમાં સૌથી પહેલો ભારતીય વિશ્ર્વવિજેતા બન્યો ત્યારે ભારતે ખરા અર્થમાં ચેસ વિશ્ર્વમાં પોતાની હાજરી નોંધાવી હતી. હવે ૨૦૨૪માં ફ્કત ૧૮ વર્ષનો ચેન્નઈનો જ ડી. ગુકેશ સૌથી યુવાન વયે ચેસ જગતનો નવો સમ્રાટ બન્યો એ સાથે ભારતે પોતાની આ સદીઓ જૂની શતરંજની ઐતિહાસિક રમતમાં વર્ચસ્વનો સિક્કો ફરી જમાવ્યો છે.
આનાતોલી કાર્પોવ, ગૅરી કાસ્પારોવ, વ્લાદિમીર ક્રૅમનિક વગેરે ગે્રટેસ્ટ ખેલાડીઓ બાદ આનંદ તેના સમયનો (લગભગ સવા દાયકા સુધી) સૌથી મહાન ચેસ ખેલાડી હતો. જોકે ત્યાર પછી નોર્વેના મૅગ્નસ કાર્લસનનો યુગ શરૂ થયો, તેનું એકચક્રી શાસન રહ્યું અને ત્યાર બાદ ચીનના ડિન્ગ લિરેનના એક વર્ષના પ્રભુત્વને ગુકેશે ગુરુવારે નેસ્તનાબૂદ કરી દીધું. ચેસમાં ફરી ભારતનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે.
૧૬મી નવેમ્બરે આ મંચ પરથી ગુકેશના વિશ્ર્વવિજેતા બનવા વિશેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ગુકેશે સાબિત કરી આપ્યું છે કે નાની ઉંમરે પણ મસમોટી સિદ્ધિ હાંસલ કરી શકાય.
આનંદે બુધવારે પંચાવનમા જન્મદિનનું સેલિબે્રશન માંડ પૂરું કર્યું હશે ત્યાં એના બીજા જ દિવસે (ગુરુવારે) ગુકેશે ચેસમાં સર્વોત્તમ સિદ્ધિ હાંસલ કરી.
૧૮ વર્ષીય ગુકેશ હજી માંડ ટીનેજ વયનો છે, પરંતુ બાળપણમાં તેણે ચેસમાં પોતાની ટૅલન્ટ બતાવી હતી અને એક મહત્ત્વની ટૂર્નામેન્ટ જીતી લીધી હતી ત્યારે વિશ્ર્વનાથન આનંદે તેને ચેસના મ્હોરાના પ્રતીક તરીકે જે ભેટરૂપી ટ્રોફી આપી હતી એનો ફોટો ખુદ આનંદે સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે.
આનંદે ‘બાળક ગુકેશ’ને જ્યારે આ ટ્રોફી એનાયત કરી હતી ત્યારે મીડિયા પરની પોસ્ટમાં ગુકેશ માટે ‘બૉય હુ વુડ બી કિંગ’ની કૅપ્શન લખી હતી. આનંદે ત્યારે ગુકેશને અજાણતાં જ ચેસ જગતના ભાવિ શહેનશાહ તરીકે ઓળખાવ્યો અને ગુકેશે ગણતરીનાં વર્ષોમાં તેની એ ભવિષ્યવાણી તેના (આનંદના જ જન્મદિનના બીજા દિવસે) સાચી પાડી દીધી.
Also read: વિશેષ ઃ 2025 માં આવેો હશે જોબનો સિનારિયો…
ગુરુવારે ચીનના ૨૦૨૩ના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેને ડ્રૉ તરફ જતી ૧૪ અને છેલ્લી ગેમમાં મોટું બ્લન્ડર કર્યું એ સાથે ગુકેશે તેને પરાજિત કરવાની અમૂલ્ય તક ઝડપી લીધી હતી અને વિજયી ચાલ ચાલીને ચેસ બોર્ડ પર માથું ટેકવીને રડી પડ્યો હતો. તેની આંખોમાં હર્ષનાં આંસુ સમાતાં નહોતાં.
બીજી બાજુ, ડિન્ગ લિરેન ઘેરી હતાશામાં ચેસની સ્પર્ધાનું ટેબલ છોડીને જતો રહ્યો હતો અને ભારતભરમાં તેમ જ જ્યાં જ્યાં ભારતીયો વસે છે તેમનાં દિલોમાં વિજયોત્સવ શરૂ થઈ ગયો હતો.
૧૩મી ગેમ સુધી બન્ને ખેલાડી ૬.૫-૬.૫ની બરાબરીમાં હતા અને બેમાંથી જે ખેલાડી ૧૪મી ગેમ જીતે એ વિશ્ર્વવિજેતાપદનું ટાઇટલ મેળવશે એવું નક્કી હતું. ગુરુવારની ૧૪મી ગેમ ડ્રૉ ન ગઈ અને ગુકેશે એમાં વિજય મેળવી લીધો એ બહુ સારું થયું, કારણકે જો તેમનો મુકાબલો ૭-૭ પૉઇન્ટ સાથે ટાઇબ્રેકમાં ગયો હોત તો ડિન્ગ લિરેનના જીતવાની સંભાવના વધી ગઈ હોત. ગયા વર્ષે લિરેને ઇયાન નેપૉમનીઆચીને ટાઇબ્રેકમાં જ હરાવીને પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું હતું.
થોડા દાયકા પહેલાં ચેસ વર્લ્ડમાં રશિયાનું વર્ચસ હતું અને આનંદ પછી હવે ગુકેશ પણ વર્લ્ડ ચૅમ્પિયન બની જતાં ભારતનું પ્રભુત્વ છે એ વાતને કોઈ પણ નકારી શકે એમ નથી.
રશિયાના ચેસ-લેજન્ડ ગૅરી કાસ્પારોવ ૧૯૮૫માં માત્ર બાવીસ વર્ષની ઉંમરે ચેસમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યા એ સાથે યંગેસ્ટ વિશ્ર્વવિજેતા તરીકેનો તેમણે સ્થાપેલો જે રેકૉર્ડ ૩૮ વર્ષ સુધી અતૂટ રહ્યો એને ગુકેશે ૧૮ વર્ષની ઉંમરે આ સર્વોત્તમ ટાઇટલ જીતીને તોડી નાખ્યો છે.
ગુકેશે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘૨૦૧૩માં ચેન્નઈમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં નોર્વેના મૅગ્નસ કાર્લસને વિશ્ર્વનાથન આનંદને હરાવીને વર્લ્ડ ટાઇટલ જીતી લીધું હતું ત્યારે હું એ મુકાબલો જોવા એક સ્ટૅન્ડમાં બેઠો હતો. ત્યારે જ મેં વર્લ્ડ ચૅમ્પિયન બનવાનું સપનું સેવ્યું હતું.
ગુકેશે ૧૮ વર્ષની ઉંમરે વિશ્ર્વવિજેતાપદ જીતી લીધું એ પ્રસંગે વિશ્ર્વનાથન આનંદની વાત કરીએ તો તેણે ૧૮ વર્ષની વયે (૧૯૮૮માં) મહત્ત્વની સિદ્ધિ મેળવી હતી. ભારતે ચેસ જગતને કુલ ૮૫ ગ્રૅન્ડમાસ્ટર આપ્યા છે અને આનંદ તેમાંનો પ્રથમ હતો. તે ૧૯૮૮માં ગ્રૅન્ડમાસ્ટર બનનાર પ્રથમ ભારતીય બન્યો હતો. આનંદ ત્યારે ‘લાઇટનિંગ કિડ’ તરીકે ઓળખાતો થયો હતો.
આનંદ ૧૮ વર્ષની નાની ઉંમરે પદ્મશ્રીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો હતો. ગુકેશ પણ એવાં ઘણાં પારિતોષિકો મેળવશે એમાં બેમત નથી.
આનંદ પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. ગુકેશે
પણ શરૂઆત કરી દીધી છે. ખુદ આનંદે કહ્યું છે કે ‘ગુકેશ મારી અપેક્ષાઓને ઓળંગી ગયો અને વિશ્ર્વવિજેતા બનીને રહ્યો.’
આનંદે ગુકેશ માટે હજી ઘણી સિદ્ધિઓની શુભેચ્છા આપી છે. આશા રાખીએ ગુકેશ પણ આનંદ જેવી જ ઉત્તરોત્તર ઉપલબ્ધિઓ હાંસલ કરે અને ભારતનું નામ વધુ રોશન કરે.