મસ્તરામની મસ્તી : ના, હું તો ગાઈશ જ…
- મિલન ત્રિવેદી
‘અમે તમામ મિત્રો ચુનિયાની આ વાત સાંભળી અને મચી પડ્યા કે તું તો રહેવા દે….! ’
સવારથી એણે ઉપાડો લીધો છે કે મારે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરી ગયા એમને સ્વરાંજલિ આપવી છે.
પુરુષોત્તમભાઈ જેવા ગીત-સંગીતના મહારથીની વિદાયથી સમગ્ર ગુજરાતી સુગમ સંગીત જગતને બહુ મોટી ખોટ પડી. સોશિયલ મીડિયામાં સ્વરાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા લોકો ગુજરાતી સુગમ સંગીતના ભવિષ્ય અંગે ચિંતિત પણ લાગ્યા. ચુનિયાએ આ બધું વાંચી વાંચીને નક્કી કરી લીધું કે સુગમ સંગીતને મરવા નહીં દઉં… હું ગાઈશ અને ઉત્તમ સ્વરાંજલિ આપીશ.
સવારના પહોરમાં પહેલા જ ચાના સબડકા સાથે ધ્રાસ્કો પડી ગયો. અમે બધા મિત્રો સુગમ સંગીતને બચાવવા અને ચુનિયાને મનાવવા એના ઘરે પહોંચી ગયા.
ઘરનું વાતાવરણ તંગ હતું. ચુનિયાને જ્યારે મેં હોલમાં હાર્મોનિયમ લઈને બેઠેલો જોયો ત્યારે તંગ વાતાવરણ કેમ છે તે સમજાઈ ગયું .
ભાભીએ મારો હાથ ખેંચી એક બાજુ લઈ જતા કહ્યું કે, ‘મિલનભાઈ, સુગમ પ્રભાતિયાથી શરૂ કર્યું છે. આડોશી-પાડોશી બારી બારણામાંથી ડોકા કાઢી કાઢી અને કુતૂહલતાથી અમારા ઘર સામું જુએ છે.હું અને છોકરાઓ તો અત્યાર સુધી બહાર જ બેઠા હતા, જેથી કરીને લોકોને ખબર પડે કે તમારા ભાઈ અમને કે અમે તમારા ભાઈને મારતા-કૂટતા નથી….! પરંતુ કલાક પછી તો મારે કહી દેવું પડ્યું કે કે તમારા ભાઈ પુરુષોત્તમભાઈને શ્રદ્ધાંજલિ આપે છે.
સુગમ સંગીત બચાવવું છે તેવું વારે ઘડીએ બોલે રાખે છે, પરંતુ પાડોશીઓએ તો કહી દીધું કે છોકરાઓને આજે મામાને ઘેર મોકલી દઈએ, કારણકે અમારે તો છોકરાઓને બચાવવા છે.! અઠવાડિયા પહેલાં મિલનભાઈ, બાજુવાળું ઘર વેચાવા નીકળ્યું હતું. તમારા ભાઈએ ખરીદવામાં રસ દેખાડ્યો હતો, પરંતુ થોડા ફેરે સોદો કેન્સલ થયો.
તમારા ભાઈએ ૧૦ લાખ કીધા અને એ ભાઈને ૫૦ નીચે વેચવું નથી, પરંતુ આજે તો એ ભાઈએ પણ સામેથી આવીને કહ્યું કે ઘર જોઈતું હોય તો એમનમ લઈ લો. ..પણ તમે આમને ગાતા બંધ કરો નહીં તો આખી સોસાયટી ભેગી થઈ અમારું ઘર ખાલી કરાવે છૂટકો કરશે.!’
આ સંજોગોમાં ચુનિયાને ગાતો બંધ કરવો એટલે ભૂખ્યા સિંહના જડબામાંથી મારણ પાછું ખેંચવું, છતાં મેં પ્રયત્ન કર્યો. ઘડિયાળ દેખાડીને કહ્યું કે ‘પ્રભાતિયાનો સમય ત્રણ કલાક પહેલા પૂરો થઈ ગયો’ તો ચુનિયો દલીલ કરવા લાગ્યો કે સવાર સવારમાં ઘણા લોકો શ્રદ્ધાંજલિ આપતા હોય એ બધાની સાથે સાથે હું પણ આપું તો આપણી ગણતરી ન થાય એટલે એ બધા ગાઈ લે પછી જ હું શરૂ કરુંને ! અને આપણી જ્યારે સવાર પડે ત્યારે શરૂ થાય એ પ્રભાતિયા. ચુનિયાએ તો પાછું ગાવાનું શરૂ કર્યું. સારું છે કે હું તો કાનમાં ઠાસી ઠાંસીને રૂ ભરી ગયો હતો.
મેં કહ્યું : ‘તું ગાય ગાયને થાકી ગયો હોઈશ.ચાલ, ચા પી આવીએ…’ તો મને કહે: ‘ના, આજે મારી અને પરમાત્માની વચ્ચે કોઈ નહીં આવે. સુર લાગી ગયો છે. સ્વર્ગમાં પુરુષોત્તમભાઈ મારી આ ગાયકી સાંભળીને રાજીના રેડ થતા હશે. એમને હૈયે ધારણ થઈ જાય કે મારું સુગમ સંગીત બચી જશે….આનો મને જો ઈશ્ર્વરીય સંકેત મળી જાય એટલે મારું સંગીતમય જીવન સાર્થક થયું ગણાશે.’
મેં કહ્યું: ‘હાર્મોનિયમ પર પ્રભાતિયા ગાય લીધા.
હવે આગળના ભજનનો દોર આપણે ફલ્યુટ પર કરીએ, કારણકે મને ખબર છે કે પુરુષોત્તમભાઈને વાંસળી ખૂબ પ્રિય હતી તો ચુનિયો મને કહે : પણ આપણી પાસે તો આ ફાટેલી ધમણનું હાર્મોનિયમ જ છે. વાંસળી ક્યાંથી કાઢવી ? ’
મેં કહ્યું : ‘અમે મિત્રોએ ફાળો કરીને તને નવી અપાવવાનો સંકલ્પ લીધો છે. અત્યારે જ માર્કેટમાં જઈએ અને તને ગમતી પુરૂષોત્તમભાઈને પ્રિય વાંસળી લઈ આવીએ.’
પ્રશ્ર્નાર્થ નજરે આકાશ તરફ એ બે ક્ષણ જોતો રહ્યો પછી જાણે પુરુષોત્તમભાઈ એ કહ્યું હોય : ઊઠ ઊભો થા ને જા, વાંસળી લેતો આવ…. તેવા ભાવ સાથે આંખોમાં જળજળિયા ભરી મને કહે :
પુરુષોત્તમભાઈ અડધે સુધી આવી ગયા હતા મને કહેવા કે ‘ઊઠ દોસ્ત, વાંસળી પર કંઈક સંભળાવ. ચાલો , બનતી ત્વરાએ બાંસુરી કહેતા વાંસળી કહેતા ફ્લ્યુટ લઈ આવીએ…! ’
ભાભીએ દૂરથી જ મારા ઓવારણા લીધા. વિખરાઈ ગયેલા વાળ ખાદીનો લાંબો ઝભ્ભો ચોળાઈ ગયેલો લેંઘો પહેરીને કોઈ ધૂની માણસ ઈશ્ર્વરની શોધમાં જતો હોય તેમ ચુનિયો અમારી પાછળ પાછળ સંગીતનાં સાધનો વેચાતાં હતાં ત્યાં સુધી આવ્યો.
મને કહે: ‘૧૨-૧૫ કાણાંવાળી ફલ્યુટ પસંદ કરજો. તેમાં જાજા સૂર નીકળી શકે. સાત સૂર ઉપરનો સૂર આજે હું લગાડવાનો છું… ’
દુકાનદાર પણ સાંભળીને સમજી ગયો એણે સવારથી સાંજ સુધી ચુનિયાને ત્યાં બેસાડી એક વાંસના કટકામાં બહારથી ૧૫ કાણા પાડી અને કટકો હાથમાં પકડાવી દીધો. ત્યાં સુધીમાં ચુનિયાને બ્રહ્મજ્ઞાન થઈ ગયું હશે કે પછી સ્વર્ગસ્થ પુરુષોત્તમભાઈનો આત્મા ૮- ૧૦ ઢીકા મારી ગયો હશે એમાં ચુનિયાનું ગાવાનું ભૂત વિસરાઈ ગયું હોય તેવું અમને લાગ્યું.
મેં એને કહ્યું કે આ વાંસળી વગાડતા શીખી જા એટલે તારો વનમેન- શો મારા ખર્ચે ગોઠવવો છે.. સાંજે એને જ્યારે ઘરે મૂકવા ગયો ત્યારે એક ભંગારવાળો પણ સામે મળ્યો, જેણે કોથળા નીચે હાર્મોનિયમ સંતાડી દીધેલું. સોસાયટીવાળાઓ અહોભાવની દ્રષ્ટિથી મારી સામું જોતા હતા. ચુનિયાના પરિવારે તો મને આગ્રહ કરીને જમાડ્યો પણ ખરો.
આ પણ વાંચો…ફોકસઃ ખોવાઈ ગયેલી ભારતની પ્રાચીન કળા
ભવિષ્યમાં તમારી આજુબાજુમાં પણ જો કોઈ આવા ધરાર કલાકાર રહેતા હોય તો હાર્મોનિયમની જગ્યાએ એને ફ્લ્યુટ અપાવજો. ફૂંક મારી મારીને થાકશે ને ગાશે તો નહીં જ !
બેસૂરા લોકો ન ગાય તો તે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયને સાચી શ્રદ્ધાંજલિ હશે.
વિચારવાયુ
જજ સાહેબ, મને આ ગાયકથી બચાવો.. મારું જીવવું હરામ કરી
નાખ્યું છે.
-એવું તો શું કરી નાખ્યું?
-સાહેબ, મને રોજ સવારે આવીને એના જ કમ્પોઝિશન એના જ સ્વરમાં મોટે મોટેથી ગાયને સંભળાવે છે.!