Business update: આ બે કારણોને લીધે ઓટો ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં
મુંબઇ: ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી સામે નવા પડકાર ઊભા થયા છે. એેક તરફ ઇન્વેન્ટરીનો ખડકલો કઇ રીતે દૂર કરવો તેની સમસ્યા છે તો બીજી તરફ પ્રોડકશન કોસ્ટમાં વધારો કઇ રીતે સરભર કરવો તે સમસ્યા છે.
આ જ કારણે માલભરાવાને પરિણામે પેસેન્જર વાહન પર અપાતું ડિસ્કાઉન્ટ ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. કાચા માલના ખર્ચમાં વધારો થતા ઉત્પાદકો દ્વારા નવા વર્ષથી કિંમતોમાં વધારો તોળાઇ રહ્યો છે.
કાચા માલના ભાવમાં વધારો થતાં વાહન ઉત્પાદકો, ખાસ કરીને કેટલાક પ્રવાસી વાહનોના ઉત્પાદકોએ જાન્યુઆરીથી કિંમતોમાં વધારો કરવાની ફરજ પડી છે ત્યારે બીજી બાજુ પ્રમાણમાં જંગી ઈન્વેન્ટરી ઉત્પાદકો માટે પડકારરૂપ બની રહી છે.
૨૦૨૫ના નવા વર્ષ પહેલા ઈન્વેન્ટરી ઘટાડવા વાહન ઉત્પાદકો દ્વારા રૂપિયા ૩.૭૦ લાખ સુધીના ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહ્યા છે, જે અત્યારસુધીના સૌથી ઊંચા હોવાનું વાહન ઉદ્યોગના સુત્રો જણાવી રહ્યા છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે નવેમ્બરમાં ઊતારૂ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૩.૭૨ ટકા ઘટી ૩,૨૧,૯૪૩ રહ્યું હતું જે ગયા વર્ષના નવેમ્બરમાં ૩,૭૩,૧૪૦ જોવા મળ્યું હતું.
વર્તમાન વર્ષમાં દશેરા તથા દિવાળીના તહેવાર ઓકટોબરમાં જ રહ્યા હોવાથી ઓકટોબરમાં ઊતારૂ વાહનોનું વેચાણ ઊંચુ રહ્યું હતું જેને કારણે નવેમ્બરમાં વેચાણ મંદ રહેવા પામ્યું છે એમ ફાડાના સુત્રોએ જણાવ્યું હતું.
વાહનોનું વેચાણ મંદ રહેતા ગયા મહિને ઈન્વેન્ટરીનું સ્તર ૬૪થી ૬૫ દિવસ જેટલું ઊંચુ રહ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૫થી વાહન ઉત્પાદકોએ ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. ઓકટોબરમાં દશેરા-દિવાળીના તહેવાર બાદ નવેમ્બરમાં લગ્નસરાની મોસમમાં ઊતારૂ વાહનોના વેચાણમાં અપેક્ષિત વધારો જોવા મળ્યો નથી.
ઊતારૂ વાહન ઉત્પાદકો પાસે હાલમાં ૬.૫૦ લાખ જેટલી કારનો માલભરાવો પડયો છે, જે સાનુકૂળ સ્તર કરતા ત્રણ ગણો હોવાનું જણાવાઈ રહ્યું છે. માલભરાવો ઘટાડવા કાર ઉત્પાદકોએ કિંમતમાં ૩થી ૪ ટકા ઘટાડો જાહેર કર્યો છે.